<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

અધુરા માસે જન્મેલા બાળકનું મોતઃ માતા-પિતા મૃતદેહ મુકીને ભાગી ગયા!

બામણબોર પાસે રોડના કામની સાઇટ પર મજુરી કરતી પરિણીતાને ગત રાતે જ રાજકોટમાં ડિલીવરી થઇ હતીઃ પોલીસે શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૨૫: એક પરિણીતાને ગઇકાલે પ્રસુતિની પીડા ઉપડતાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહિ રાત્રીના તેણે અધુરા માસે દિકરાને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મ સાથે જ આ બાળકનું મોત થયું હતું. હોસ્પિટલના સ્ટાફે નિયમ મુજબ પોલીસ કેસ જાહેર કરી પોલીસને જાણ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પરંતુ બીજી તરફ આ બાળકના માતા અને પિતા મૃતદેહ મુકી ગાયબ થઇ જતાં પોલીસે તેને શોધવા દોડધામ શરૂ કરી હતી.

જાણવા મળ્યા મુજબ ગઇકાલે સજ્જનબેન ગોરધન ડામોર નામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ રાત્રીના તેણીએ અધુરા માસે બાળક (પુત્ર)ને જન્મ આપ્યો હતો. જો કે આ બાળકનું જન્મ સાથે જ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ દ્વારા નિયમ મુજબ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ થઇ હતી. જો કે પોલીસ કાર્યવાહી માટે હોસ્પિટલે અને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચી ત્યારે બાળકનો મૃતદેહ તો હતો પરંતુ તેના માતા-પિતા ગાયબ હતાં. આ બંનેની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. બંને બામણબોર નજીક રોડના કામની ાઇટ ચાલુ હોઇ ત્યાં મજુરી કરતાં હોવાની માહિતી પોલીસને મળી હતી.

(3:35 PM IST)