<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

રાજકોટના યુવાનની અમરાવતીમાં હત્યા કરી ભાગેલા બે શખ્સ જંગલેશ્વરમાંથી ઝડપાઇ ગયા

વિમલ ઉર્ફે ભાયો અગ્રાવતે માથાકુટના સમાધાન માટે માહિર અને રાજને મહારાષ્ટ્ર બોલાવતાં બંનેએ ત્યાં તેની હત્યા કરી હતીઃ પેરોલ ફરલો સ્કવોડના પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા અને ટીમની કાર્યવાહી શીલ પોલીસના ખૂનના ગુનામાં પેરોલ જમ્પ કરી ૧૦ વર્ષથી ફરાર વજશીને પણ પકડી જેલમાં રજૂ કરાયો

 રાજકોટ તા. ૨૫: મહારાષ્ટ્રના અમરાવતી ગ્રામ્ય વિસ્તારમાં રાજકોટના યુવાનની હત્યા કરવાના ગુનામાં ફરાર રાજકોટ જંગલેશ્વર અને ગાંધીગ્રામના બે શખ્સોને પેરોલ ફરલો સ્કવોડની ટીમે પકડી લઇ અમરાવતી પોલીસને સોંપવા તજવીજ કરી છે.

જાણવા મળ્યા મુજબ નાણાવટી ચોક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને ચેનની ચિલઝડપ સહિતના ઘણાં ગુનાઓમાં પકડાયેલા વિમલ ઉર્ફે ભાયો સતિષ અગ્રાવતની મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હત્યા કરી ભાગી ગયેલા બે આરોપીઓ માહિર મજીદ સોલંકી (ઉ.વ.રર, રહે. જંગલેશ્વર) અને રાજ વાહીદ ચૌહાણ (ઉ.વ.રર, રહે. નાણાવટી ચોક, આવાસ યોજનાના કવાર્ટર)ને જંગલેશ્વર વિસ્તારમાંથી પકડી લેવાયા છે.

પોલીસના કહેવા મુજબ વિમલની સગીર બહેનને એક શખ્સ ભગાડી ગયો હોઇ તેને માહિર અને રાજ ઓળખતા હોઇ આ મામલે ઝઘડો થતાં  વિમલે આરોપી પક્ષની કાર  ગાંધીગ્રામ પોલીસ મથકના વિસ્તારમાં સળગાવી હતી. જેને કારણે બંને પક્ષો વચ્ચે માથાકૂટ વધી હતી. વિમલ આરોપી પક્ષ પાસેથી સમાધાન માટે પૈસા માંગી ધાકધમકી આપતો હતો. તેમજ હાલ ગુજરાતમાં વોન્ટેડ હોવાથી મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં છૂપાઈ ગયો હતો. તેણે બંને આરોપીઓને સમાધાન માટે ત્યાં બોલાવ્યા હતા. તે વખતે ઝઘડો થતાં બંને આરોપીઓએ તેને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ત્યાર પછી આરોપીઓ ભાગી ગયા હતા. હાલ આ બંને રાજકોટ આવી જંગલેશ્વર તરફ છુપાયાની બાતમી મળતાં તેને પકડી લેવાયા હતાં અને  મહારાષ્ટ્ર પોલીસને સોંપાયા હતાં.

તેમજ જુનાગઢ જીલ્લાના શીલ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં સજા પડ્યા બાદ રાજકોટ જેલમાંથી પેરોલ રજા પર છુટીને છેલ્લા ૧૦ વર્ષથી ફરાર થઇ ગયેલા પેરોલ જમ્પ કેદી વજશી મુળુભાઇ ઓડેદરા (ઉ.વ.૪૬-રહે. મીતી ગામ તા. માંગરોળ)ને પેરોલ ફરલોની ટીમે ઝડપી લઇ જેલમાં રજૂ કરવા તજવીજ કરી હતી. વર્ષ ૨૦૦૨માં થયેલી હત્યાના ગુનામાં આ શખ્સ કાચા કામના કેદી તરીકે જેલમાં હોઇ આજથી દસ વર્ષ પહેલા તે પેરોલ રજા મલઇ બહાર નીકળ્યા બાદ સતત ફરાર હતો. હાલ તે રાજકોટમાં છુપાતો ફરતો હોઇ માહિતીને આધારે ઝડપી લીધો હતો.

આ બંને કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલો સ્કવોડના પીઆઇ બી. એમ. ઝણકાત, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે કરી હતી.

(3:37 PM IST)