તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 26th February 2026
આગ ભભૂકતા ગુંગણામણથી રઘુવંશી સમાજના મહિલા અગ્રણી શિલ્પાબેન પૂજારાના સાસુ-પતિના મૃત્યુઃ ઘેરો શોક
રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિરની સામેના ભાગે એપાર્ટમેન્ટમાં મોડી રાતે ચોથા માળે કરૂણ ઘટના : ફાયર બ્રિગેડ સુત્રોએ કહ્યું-આગ હોલમાં, રસોડામાં લાગી હતીઃ ત્રણ રૂમ બચી ગયા છેઃ એફએસએલ દ્વારા તપાસ થશે : વર્ધમાનનગર-૮ના મનમંદિર એપાર્ટમેન્ટનો બનાવઃ ૯૨ વર્ષના પ્રજ્ઞાબેન ભગવાનજીભાઇ પૂજારા અને પુત્ર ૬૨ વર્ષના નરેન્દ્રભાઇ ભગવાનજીભાઇ પૂજારાના મૃત્યુથી ગમગીનીઃ બીજા પરિવારજનો બહાર હતાં ત્યારે ઘટનાઃ એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરે કહ્યું-પ્રાથમિક તબક્કે શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું તારણ નીકળ્યું છે આમ છતાં એફએસએલ દ્વારા તપાસ થશેઃ હોલમાંથી આગ આગળ વધી હતીઃ ઘટના બની ત્યારે બીજા પરિવારજનો બહાર હતાં : ભોગ બનેલા માતા-પુત્ર જલારામ ટ્રન્સપોર્ટના માલિક હસુભાઇ ભગદેવના મોટા વેવાણ અને વેવાઇ થતાં હતાં : માતા સાથે મૃત્યુ પામનાર નરેન્દ્રભચાઇ ચાર ભાઇમાં સોૈથી નાના હતાં અને નિવૃત જીવન જીવતા હતાં: પુત્રને બંગડી બજારમાં હેન્ડીક્રાફટની દૂકાન : સવારે મા-દિકરાની એક સાથે અરથી ઉઠતાં કરૂણ દ્રશ્યો સર્જાયા

ગોઝારી દૂર્ઘટનાઃ પેલેસ રોડ શ્રીઆશાપુરા મંદિર સામે વર્ધમાનનગર-૮માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે રાતે આગ ભભૂકતાં રઘુવંશી સમાજના મહિલા અગ્રણી શિલ્પાબેન પૂજારાના સાસુ પ્રજ્ઞાબેન ભગવાનજીભાઇ પૂજારા અને પતિ નરેન્દ્રભાઇ ભગવાનજીભાઇ પૂજારાના ગુંગળાઇ જવાથી મૃત્યુ થતાં સમગ્ર સમાજમાં ગમગીની છવાઇ ગઇ છે. ઘટના સ્થળના દ્રશ્યો, એકઠા થયેલા લોકો, સ્વજનો, રહેવાસીઓ અને ઇન્સેટમાં વિગતો જણાવતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર નજરે પડે છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા) : આગની દૂર્ઘટનામાં ભોગ બનેલા માતા પ્રજ્ઞાબેન પૂજારા અને પુત્ર નરેન્દ્રભાઇ પૂજારા
રાજકોટ તા. ૨૬: શહેરના પેલેસ રોડ પર આશાપુરા મંદિરની સામેના ભાગે વર્ધમાનનગર-૮માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટ નં. સી-૪૦૨માં રાત્રીના સાડા અગીયારેક વાગ્યે આગ ભભૂકી ઉઠતાં ગુંગણામણને કારણે રઘુવંશી સમાજના મહિલા અગ્રણી શિલ્પાબેન પૂજારાના સાસુ અને પતિના મૃત્યુ નિપજતાં સમગ્ર સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. રાતે પરિવારજનો બહાર હતાં ત્યારે વૃધ્ધ માતા-પુત્ર ઘરમાં હતાં તે વખતે શોર્ટ સરકીટ થવાને કારણે આ દૂર્ઘટના બની હોવાનું તારણ નીકળ્યું છે.
આગની ઘટનાથી દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચી ગયો હતો અને આગ કાબૂમાં લીધી હતી. જો કે આગને કારણે ધૂમાડા બંધ રૂમોમાં ફેલાઇ જતાં તેના કારણે ગુંગળાઇ જવાથી લોહાણા પરિવારના વૃધ્ધા અને તેમના દિકરાના કરૂણ મૃત્યુ થયા છે. ઘટના વખતે બીજા પરિવારજનો બહાર હોઇ તેમનો બચાવ થયો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સરકિટ થયા બાદ હોલમાં આગ ભભૂકી હોવાનું અને બાદમાં ધૂમાડાને કારણે ગુંગણામણથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. આમ છતાં ખરેખર શું બન્યું? તે જાણવા પોલીસ એફએસએલની મદદ લઇ તપાસ કરશે.
જાણવા મળ્યા મુજબ વર્ધમાનનગર-૮માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે નરેન્દ્રભાઇ પૂજારાના ફલેટમાં રાતે આગ લાગ્યાની જાણ આ એપાર્ટમેન્ટના સિક્યુરીટી ગાર્ડએ કરતાં ફાયર બ્રિગેડના ડે.સીએફઓ એ. બી. ઝાલા, એસટીઓ આર. પી. જોષી, સંજયભાઇ મકવાણા, કનક રોડ અને બેડીપરા ફાયર બ્રિગેડના જવાનો રાજેન્દ્ર ધરજીયા, સંજય કટુકીયા, પ્રદીપ સાબરીયા, કેતન ચેનવા, શૈલેષ મુનીયા અને રાજેશ મેર તેમજ નીઝામભાઇ ચોૈહાણ, વિશાલભાઇ, બેડીપરાના રાજશેભાઇ, મહિપાલસિંહ, શૈલેષભાઇ સાપરા, શૈલેષભાઇ ચોૈધરી સહિતના પહોંચી ગયા હતાં અને આગ બુઝાવી હતી.
ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ ચોથા માળે ફલેટમાં આગ લાગી હોઇ દરવાજો તોડીને જવાનો અંદર ગયા હતાં. હોલમાં અને રસોડામાં આગ લાગી હોઇ તે બુઝાવી હતી. અંદરના ત્રણ રૂમ બચી ગયા હતાં. રૂમમાંથી અલગ અલગ જગ્યાએથી બે લોકો બેભાન મળ્યા હતાં. આગ બુઝાવી ૧૦૮ને બોલાવી તપાસ કરાવતા ૧૦૮ના તબિબે બંનેને હોસ્પિટલમાં ખસેડયા હતાં. જેમના નામ પ્રજ્ઞાબેન ભગવાનજીભાઇ પૂજારા (ઉ.વ.૯૨) તથા તેમના દિકરા નરેન્દ્રભાઇ ભગવાનજીભાઇ પૂજારા (ઉ.વ.૬૨) હોવાનું જણાવાયુ હતું. આગનું કારણ જાણવા મળ્યું નથી.
દરમિયાન સિવિલ હોસ્પિટલમાં માતા-પુત્ર બંનેને તબિબે મૃત જાહેર કરતાં પૂજારા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ એચ. એન. જેઠવા સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવ્યા હતાં. ઘટનાની જાણ થતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર સહિતનો સ્ટાફ પણ હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોસ્ટમોર્ટમ થતાં માતા-પુત્રના મોત આગને કારણે લાગેલા ધૂમાડાથી ગુંગળાઇ જવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો.
પીઆઇ બી. વી. બોરીસાગરે જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે એવુ જાણવા મળ્યું છે કે ફલેટના હોલમાં એસીમાં કે પછી બીજી કોઇ જગ્યાએ શોર્ટ સરકિટ થતાં આગ લાગી હોઇ શકે છે. આ પછી ધૂમાડો વધી જતાં માતા-પુત્ર આ ધૂમાડામાં ગુંગળાઇ ગયા હતાં. કારણ કે બંનેના શરીર પર દાઝી જવાના કોઇ નિશાન નથી. એક માત્ર પ્રભાબેનના હાથ અને પેટના ભાગે સ્હેજ ચામડીને દાઝ પડી હોય તેવુ દેખાયું હતું. આગ શોર્ટ સરકીટથી લાગ્યાનું અનુમાન છે, આમ છતાં એફએસએલની મદદ લઇ આગળ તપાસ કરવામાં આવશે.
બનાવની જાણ થતાં વર્ધમાનનગર વિસ્તારના આગેવાનો, કોર્પોરેટર સહિતના લોકો તેમજ આસપાસમાં રહેતાં સોની આગેવાનો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં અને પૂજારા પરિવારના સ્વજનોને મદદરૂપ થયા હતાં.
વધુમાં જાણવા મળ્યા મુજબ મૃત્યુ પામનાર નરેન્દ્રભાઇ ભગવાનજીભાઇ પૂજારા (ઉ.વ.૬૨) ચાર ભાઇઓમાં સોૈથી નાના હતાં. તેમના મોટા ભાઇઓના નામ વસંતભાઇ પૂજારા, કાંતિભાઇ પૂજારા અને અરૂણભાઇ પૂજારા છે. નરેન્દ્રભાઇ હાલ નિવૃત જીવન જીવતા હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરાને બંગડી બજારમાં હેન્ડીક્રાફટની દૂકાન છે. બનાવ વખતે બીજા પરિવારજનો બહાર હતાં ત્યારે આ ઘટના બની હતી.
આગમાં આખા ફલેટમાં નુકસાની થઇ હોઇ માતા-પુત્રની અંતિમવિધી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કરવામાં આવી હતી અને બંનેનેી એક સાથે અરથી ઉઠતાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સગા સ્વજનો વેપારીઓ જોડાયા હતાં. આ કરૂણ ઘટનાથી સમગ્ર વર્ધમાનનગર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો.
વધુ માહિતી મુજબ ગોઝારી આગમાં ભોગ બનેલા પ્રજ્ઞાબેન ભગવાનજીભાઇ પૂજારા (ઉ.વ.૯૨) રઘુવંશી મહિલા અગ્રણી શિલ્પાબેન પુજારાના સાસમા થતા હતાં અને નરેન્દ્રભાઇ ભગવાનજીભાઇ પૂજારા (ઉ.વ.૬૨) શિલ્પાબેનના પતિ થતા હતાં. તેમજ જાણીતા રઘુવંશી અગ્રણી અને જલારામ ટ્રાન્સપોર્ટના માલિક શ્રી હસુભાઈ ભગદેવના પુત્રીના પ્રજ્ઞાબેન દાદીસાસુ અને નરેન્દ્રભાઈ સસરા થતાં હતાં. આ બનાવને પગલે સમગ્ર રઘુવંશી સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે. મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના આગેવાનો અંતિમયાત્રામાં સામેલ થયા હતાં. (૧૪.૫)
(2:42 PM IST)










