તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 26th February 2026
રવિવારે ઢેબરા તેરસઃ પાલીતાણા છ ગાઉં યાત્રા
કલ્યાણજી આણંદજી પેઢી દ્વારા તૈયારીઓને આખરી ઓપઃ એસ.ટી. દ્વારા વધુ બસ દોડાવાશેઃ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લાખો શ્રધ્ધાળુ ભાવિકો ઉમટી પડશેઃ શેત્રુજંય ડુંગરના ૩૫૦૧ પગથીયા ઉપર કુલ ૧૨૫૦થી વધુ દેરાસરો

રાજકોટ તા. ર૬ :.. જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાઉની યાત્રાનો પ્રારંભ પાલીતાણા તળેટી ખાતેથી ફાગણ સુદ ૧૩ ને તા. ૧ માર્ચ ને રવિવારે વહેલી પરોઢે ૪ વાગે થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો - જૈન-જૈનેતર ભાવિકો ઉપરાંત દેશ - વિદેશના યાત્રાળુઓ પણ છ ગાઉ યાત્રા કરે છે. રાજકોટ શહેરમાંથી અંદાજીત ૪૦ થી ૪પ લકઝરી બસો પાલીતાણા પહોંચશે.
એક લોકવાયકા મુજબ ફાગણ સુદ-૧૩ ના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બન્ને પુત્રો શામ્બ અને પ્રદ્યુમન જૈન મુનિઓ સાથે અનસન વ્રત કરીને શત્રુંજય પર્વત ઉપર છ ગાઉની પ્રદક્ષિણા કરીને ‘મોક્ષગતિ' ને પામ્યા હતા તેથી જ આજના દિવસનું વિશેષ મહત્વ હોય છે.
શેત્રુંજય પર્વત ઉપર ૩પ૦૧ પગથીયા ચડીને ફકત આજના પવિત્ર દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરીને, આદેશ્વરદાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે તેના દર્શન કરીને તિર્થકર શ્રી અજીતનાથ સ્વામી તથા શાંતિનાથ સ્વામીની ડેરીએ યાત્રાળુઓ શાંતિસ્ત્રોતનું સ્મરણ કરે છે. ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીનો પ્રસાદ લઇ, હસ્તગીરી અને શિધ્ધ શીલા ગુફા, સુરજ કુંડના દર્શન કરી યાત્રાળુઓ સિધ્ધવડ, આદરપૂર (ઘેટી) ગામે ખુલ્લા મેદાનમાં વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા ૮૯ પાલ (સ્ટોલ) માં પહોંચશે. યાત્રા દરમ્યાન ઉપર દરેક પાણીના પરબ ઉપર કાચા-પાકા પાણીની વ્યવસ્થા, ડોકટરોની ટીમ, સુરક્ષા જવાનો, કોલોનવોટર મીશ્રીત ઠંડા નેપકીન માથે મૂકવા માટે, પાણીના ફુવારાઓ ઉપરાંત રસ્તામાં દરેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવે છે.
અંદાજીત ૩૫ જેટલા ડોમમાં યાત્રાળુઓનું પગના અંગૂઠા ધોઇને બહુમાન કરી, તિલક કરી, ચલણી સિક્કાઓ દ્વારા બહુમાન કરવામાં આવે છે. મોટા ભાગના યાત્રાળુઓ મળેલ ૫૦ થી ૬૦ સિક્કાઓ ગોૈેશાળાની દાન પેટીમાં પધરાવી દેતા હોય છે.
શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સિનીયર ટીમ જહેમત ઉઠાવતી હોય છે. જેમાં અપૂર્વ રમણલાલ શાહ, ટ્રસ્ટી શ્રીપાલભાઇ રસિકલાલ, કલ્પેશભાઇ શાહ, ભાવનગરના મનિષભાઇ શાહ, સુદિપભાઇ શેઠ, અનિલભાઇ શાહ, કમલેશભાઇ લાલભાઇ, સુધીરભાઇ મહેતા, વિ. ખડેપગે હાજર રહી સેવા બજાવે છે. ભાવનગર કલેકટર, ડીવાએસપી. હોમગાર્ડ, પાલીકા પ્રમુખ, નવકાર સારવાર કેન્દ્ર, મેડીકલ સ્ટાફ આ સેવાયજ્ઞમાં જોડાયા છે.
તા.૧ માર્ચને રવિવારે દરેક પાલમાં (ફુડ સ્ટોલ)માં શુધ્ધ જૈન વાનગીઓમાં, ઢેબરા-દહિં-ગાઠીયા-પુરી-થેપલા,કાચા પપૈયાનો સંભારો, ચા-દૂધ-ઉકાળો, લીલી-કાળી દ્રાક્ષ, તરબુચ, તજ-લવિંગના ઉકાળા, રાજસ્થાની લચ્છી, વરીયાળી-લીંબુના શરબત વિ. દિવસ દરમ્યાન વાનગીઓ ભાતૃભાવથી પિરસવામાં આવે છે. સાંજે ૫થી ૬ ચોૈવિહાર દરમ્યાન રોટલા-ખીચડી-કઢી, શાક-સંભારા દહિં વિ. આપવામાં આવે છે. પેઢી તરફથી ભાતાના પાલની પણ સુંદર વ્યવસ્થા હોય છે.
પાલીતાણાથી પાલના સ્થળે આવવા જવા માટે સિધ્ધપર-આદપૂર-ધેટી ગામ આવવા માટે એસ.ટી. તરફથી સ્પેશિયલ ૫૦થી વધુ બસો ફાળવવામાં આવેલ છે. તેમજ બોમ્બેથી સ્પેશિયલ ટ્રેનનું પણ આયોજન કરેલ છે. સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટથી પણ સ્પેશિયલ એસ.ટી. બસો છ ગાઉ યાત્રા માટે મુકવામાં આવશે.છ ગાઉ યાત્રા દરમ્યાન કુલ ૧૨૫૦ જેટલા નાના-મોટા દહેરાસરોનો દર્શનનો લાભ લેવા ભારતભરમાંથી તેમજ વિદેશથી પણ ભાવિકો ઉમટશે. મુંબઈ, રાજસ્થાન, કલકત્તા, બરોડા, રાજકોટ જામનગર, સુરેન્દ્રનગર, શિહોર, દિયાવર, ડભોઈ, લતીપર, ચેન્નાઈ, ભાવનગર, પાલીતાણા, લીંબડી વિગેરે સેન્ટરો પોત પોતાના પાલમાં નિઃશુલ્ક સેવાઓ આપી યાત્રાળુઓની આતિથ્ય ભાવના બજાવશે.
યાત્રાળુઓ માટે આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા વિશાળ ડોમમાં પીવાનું પાણી, પંખા, આરામની સુવિધાઓ, પાલના સ્થળે દહેરાસરમાં પૂજા માટેના વષાો, સ્નાનવીધી, એકાસણા-આયંબીલના પાલ, સાધુ-સાધ્વીજીના સમુહમાં દર્શનનો લાભ, ડોકટરો, ફીજીયોથેરાપીસ્ટ, તેલ માલીસ વિગેરેની ટીમો પણ સેવામાં જોડાય છે.
આ યાત્રાની આતિથ્ય ભાવના પામવી એ પણ જીંદગીનો એક મોટો લ્હાવો છે અને એ પણ તમામ સુવિધાઓ નિઃશુલ્ક - એકપણ પૈસાના ખર્ચ વગર પામી શકાય છે.
રાજકોટથી છ ગાઉ યાત્રામાં જવાની વ્યવસ્થા
જૈન જાગૃતિ સેન્ટરના પૂર્વ પ્રમુખ સ્વ.મહેશભાઇ મહેતાની પરંપરા મુજબ પાલીતાણા યાત્રામાં જવા-આવવા માટે તા.૧ માર્ચ રવિવારે યાત્રાળુઓને લકઝરી બસમાં લઇ જવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવવા માટે કુમારીકા શો રૂમ (મહેતા ટાઇપ બિલ્ડીંગ) લાખાજીરાજ રોડ, રાજકોટ. મો.૯૮૨૪૨ ૪૪૫૫૦. રાજકોટથી ઉપડતી તમામ બસો શનિવાર તા.૨૮ રાત્રે ૧૦ આસપાસ રવાના થશે
જૈનોની આ યાત્રાનું નામ છ ગાઉ યાત્રા કેમ પડયું ?
પાલીતાણાની આ યાત્રા તળેટીથી શરૂ થઇને કેડી રસ્તે સિધ્ધવડ ગામે પહોંચે તે માર્ગ આશરે ૧૬ કી.મી.નો છે, જે દેશી માપ પ્રમાણે છ ગાઉં થાય. એટલે આ યાત્રા છ ગાઉ તરીકે ઓળખાય છે.
આ શેત્રુંજય પર્વતની ઉંચાઇ આશરે ૬૦૩ મીટર છે. અને કુલ પગથીયાની સંખ્યા ૩૫૦૧ છે.
જેમ છ ગાઉ યાત્રા છે, તેમ દોઢ અને બાર ગાઉની પણ પ્રદક્ષિણા યાત્રા થાય છે. ઋષભદેવ તિર્થકરે આ પર્વતની ૯૯ વાર યાત્રા કરેલ હતીે. તેથી હજારો ભાવિકો અને સાધુ સાધ્વીજીવો પણ ૯૯ વખત યાત્રા કરીને પુણ્ય કમાય છે.
આ તિર્થનું નામ શત્રુંજય તિર્થ એટલે પડયુ કેમ કે, મનના શત્રુઓનો નાશ કરી, અસિમ શાંતિ, આનંદની અનુભવ કરાવનાર પવિત્ર પર્વત
જિનાલયોમાં ભાવયાત્રા
પાલીતાણા છ ગાઉં યાત્રામાં દેશભરમાંથી શ્રાવક- શ્રાવિકાઓ ઉમટશે. જે લોકો છ ગાઉં યાત્રામાં જઇ નથી શકતા તેમના માટે જિનાલયોમાં ભાવયાત્રા, પાલનું આયોજન કરવામાં આવે છે. અહીં ભાવિકો દર્શન-વંદન કરી પુણ્યનું ભાથુ બાંધ છે.
(2:47 PM IST)










