<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ધો.૧૦માં ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર સહેલુ

મારો યાદગાર પ્રવાસ, સ્‍વદેશી અપનાવોનો નિબંધ અને વૃક્ષારોપણનો અહેવાલ પૂછાયો * પ્રથમ પ્રશ્નપત્ર પાઠય પુસ્‍તક આધારે સહેલુ નીકળતા છાત્રોને હાશકારો : રાજકોટ જીલ્લામાં કોઈ કોપી કેસ નહિં : ૫૮૫ વિદ્યાર્થીઓ ગેરહાજર

રાજકોટ, તા. ૨૬ : ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધો. ૧૦માં પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતી વિષયનું હતું જે પાઠયપુસ્‍તક આધારીત સહેલુ નીકળતા પરીક્ષાર્થીઓ ને રાહત થઈ છે. 

ધો. ૧૦માં આજે પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતીનું હતું જેમાં ૮ ગુણના નિબંધ પુછાયા હતા તેમાં મારો યાદગાર પ્રવાસ, એ શિક્ષકને હું કેમ ભૂલી શકુ અને સ્‍વદેશી અપનાવો નો પૂછાયો હતો. સામાન્‍ય વિષયોનો નિબંધ પૂછાતા પરીક્ષાર્થીઓ ઉત્‍સાહમાં આવી ગયા હતા અને વિશ્વાસપૂર્વક આલેખન કર્યુ હતું. જયારે અર્થ વિસ્‍તાર કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય પુછાયો હતો. ત્‍યારે અહેવાલ વૃક્ષારોપણનો પુછાયો હતો જે પણ વિદ્યાર્થીઓએ શાંત ચિતે ઉત્તરો આલેખ્‍યા હતા.

રાજકોટ જીલ્લામાં આજે ધો.૧૦માં પ્રથમ પ્રશ્નપત્રમાં કોઈ કોપી કેસ નોંધાયો નથી. ૫૮૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા તા. ૨૬-૦૨-૨૦૨૬થી તા. ૧૮-૦૩-૨૦૨૬ સુધી અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા. ૨૬-૦૨-૨૦૨૬ થી તા. ૧૬-૩-૨૦૨૬ સુધી ચાલનારી પરીક્ષાના વિશાળ એવા સમગ્ર તંત્રમાં સમાવિષ્ટ સર્વેને પરીક્ષાના સુચારૂ સંચાલન માટે શુભકામના પાઠવામાં આવી છે.

ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં ગુજરાતના ૧૪૦ સ્‍ટ્રોંગરૂમમાં પ્રશ્ન પત્રો મોકલી દેવામાં  આવ્‍યા છે. દરેક સ્‍ટ્રોંગરૂમ બહાર થ્રી લેયર સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

(2:38 PM IST)