તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
કુવાડવા નજીકના સાતડા ગામની ૧ર કરોડથી વધૂની કિંમતની ૬ એકર જમીન ખાસલા કરતા ડો. ઓમ પ્રકાશ
૧૦ જેટલી નોંધ રિવીઝનમાં લઇ ચૂકાદોઃ જમીનશ્રી સરકાર જાહેર કરી તાલુકા મામલતદારને કબ્જે લેવા હૂકમ

રાજકોટ, તા. ર૬: રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સાતડા ગામની જમીન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષો જૂના જમીન સાંથણીના પ્રકરણમાં થયેલી ગેરરીતિઓ અને નિયમભંગ બદલ કલેક્ટરે કડક વલણ અપનાવી અંદાજે ૧૦ કરોડથી વધુની કિંમતી ૬-૦૦ એકર જમીન તમામ બોજા રહિત કરી સરકાર હસ્તક લેવાનો આદેશ કર્યો છે.
કલેકટર કચેરીના અધીકારી સૂત્રોના કહેવા મુજબ તથા આ કેસની વિગત મુજબ, રાજકોટ તાલુકાના સાતડા ગામના સર્વે નંબર ૧૫૬ પૈકીની સરકારી ખરાબાની જમીન વર્ષ ૧૯૭૫માં તત્કાલીન નાયબ કલેક્ટરના હુકમથી ૬ સાંથણીદારોને ફાળવવામાં આવી હતી. જેમાં ભરવાડ પાંચાભાઈ મેપાભાઈને ૬-૦૦ એકર જમીન ફાળવાઈ હતી. જોકે, આ જમીનની મહેસૂલી રેકોર્ડમાં લાંબા સમય સુધી નોંધ થઈ ન હતી. વર્ષ ૨૦૧૭માં મૂળ સાંથણીદારના વારસદારોએ આ જમીન પોતાના નામે ચડાવવા માટે અરજી કરી હતી.
જમીન ફાળવણીના ૪૨ વર્ષ બાદ થયેલી આ અરજી અંગે મામલતદાર અને નાયબ કલેક્ટર કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે જમીન ફાળવણીની શરતોનો ભંગ થયો હોવાની શકયતાઓ છે અને અગાઉના અમુક હુકમોમાં વિસંગતતા જણાઈ હતી. આ બાબતને ગંભીરતાથી લઈ નાયબ કલેક્ટર રાજકોટ ગ્રામ્ય દ્વારા આ કેસને રિવિઝનમાં લેવા દરખાસ્ત કરવામાં આવી હતી.
કેસની સુનાવણી બાદ કલેક્ટર ડો. ઓમ પ્રકાશે તત્કાલીન નાયબ કલેક્ટર અને મામલતદારના અગાઉના હુકમો તથા તેને સંલગ્ન હકપત્રકની અનેક નોંધો રદ કરવાનો આદેશ આપ્યો છે. રદ કરાયેલ નોંધોઃ હકપત્રકની નોંધ નંબર ૧૪૮૮, ૧૪૯૬, ૧૬૦૬, ૧૬૦૭, ૧૬૪૭, ૧૬૪૮, ૧૬૪૯, ૧૬૬૬, ૧૬૬૭ અને ૧૬૬૮ને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.સરકારી દાખલઃ સાતડા ગામના સર્વે નંબર ૧૫૬ પૈકીની ૬-૦૦ એકર જમીન હવે સંપૂર્ણપણે બોજા રહિત કરી સરકાર હસ્તક જમા કરવામાં આવશે.
કલેકટર ડો. ઓમ પ્રકાશે પોતાના ચુકાદામાં ઉમેયું છે કે, આમ રાજકોટ તાલુકાના સાતડા ગામના હકકપત્રક નોંધ નં.૧૪૮૮, ૧૪૯૬, ૧૬૦૬, ૧૬૦૭, ૧૬૪૭, ૧૬૪૮, ૧૬૪૯, ૧૬૬૬, ૧૬૬૭ તથા ૧૬૬૮ અપરિપકવ તબકકાની અને અનિયમીતતાવાળી જણાતી હોય, સબબ હુકમ કરવામાં આવે છે.
અત્રેથી આપવામાં આવેલ કારણદર્શક નોટીસ નં.લેન્ડ-રીવીઝન-૧૦૮(૬)-કેસ નં.૫૪/૨૦૨૪, તા.૪-૯-૨૦૨૪ સાબીત માનવામાં આવે છે. અને રાજકોટ તાલુકાના સાતડા ગામના હકકપત્રકે દાખલ થયેલ નોંધ નં.૧૪૮૮, ૧૪૯૬, ૧૬૦૬, ૧૬૦૭, ૧૬૪૭, ૧૬૪૮, ૧૬૪૯, ૧૬૬૬, ૧૬૬૭ તથા ૧૬૬૮ ‘રદ' કરવામાં આવે છે. અને રાજકોટ તાલુકાના સાતડા ગામના સ.નં.૧૫૬ પૈકી એ.૬-૦૦ ગું. સંપુર્ણ બોજા રહિત સરકાર દાખલ કરવા હુકમ કરવામાં આવે છે. જેની ગ્રામ દફતરે નોંધ કરવી. તેમજ અરજદાર અત્રેના હુકમથી નારાજ હોય તો અગ્રસચિવશ્રી, મહેસુલ વિભાગ (વિવાદ), સરદાર વલ્લભભાઇ પટેલ, મહેસુલી અપીલ અને રીવીઝન ભવન, ફાઇનલ પ્લોટ નં.૧૩, સોલા, ઘાટલોડીયા રોડ, સરખેજ, ગાંઘીનગર હાઇવે, ગોતા, અમદાવાદ સમક્ષ દિન-૯૦ માં ફેરતપાસ અરજી કરી શકે છે.
(2:42 PM IST)










