તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
હૃદય બંધ પડી જતાં ૨૫ વર્ષના શ્રવણ અને ૪૯ વર્ષના સફાઇ કામદાર રેખાબેનના મૃત્યુ
કોઠારીયાની પરસાણા સોસાયટી અને નવા થોરાળાના કસ્તુરબા વાસમાં બનાવથી યાદવ અને મકવાણા પરિવારના સદસ્યોમાં શોક

રાજકોટ તા. ૨૬: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક ૨૫ વર્ષનો યુવાન છે. કોઠારીયા રોડ પરસાણાનગરમાં યુવાનનું અને નવા થોરાળા કસ્તુરબા વાસમાં સફાઇ કામદાર મહિલાનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થતાં બંનેના પરિવારોમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ પરસાણા સોસાયટી-૬માં રહેતો શ્રવણકુમાર વૈરાગીપ્રસાદ યાદવ (ઉ.વ.૨૫) નામનો મુળ યુપીનો યુવાન સાંજે ઘરે હતો ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં એક દિકરી છે. પોતે કંપનીમાં નોકરી કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો.
બીજા બનાવમાં નવા થોરાળા કસ્તુરબા હરિજનવાસ શેરી નં. ૫માં રહેતાં રેખાબેન ભીખાભાઇ મકવાણા (ઉ.વ.૪૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. રેખાબેનના પતિ હયાત નથી. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે સોરઠીયા વાડી, સહકાર રોડ વિસ્તારમાં આરએમસીના સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. બંને બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ભક્તિનગર અને થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:02 PM IST)










