<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

શહેરની પાંચ બેંકોમાં કેશીયરની નજર ચુકવી રોકડ બઠ્ઠાવી લેનારા એમપીના બે પકડાયા

૨૦૦ વાળી નોટોનું ૨૦ હજારનું બંડલ આપી ૫૦૦ વાળી માંગતાઃ બંડલ હાથમાં લઇ નોટો સેરવી જુની નહિ નવી જોઇએ કહી પરત આપતાં અને પોતાનું ૨૦૦ વાળુ બંડલ લઇ ભાગી જતાં: ૯૦ હજારની રોકડ કબ્‍જે : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ અને ટીમની કામગીરીઃ કરણભાઇ, મહેશભાઇ, કલ્‍પેશભાઇની બાતમી

રાજકોટતા. ૨૬: શહેરની અલગ અલગ પાંચ બેંકોમાં કેશિયરની નજર ચુકવી નોટો સેરવી લેતાં મધ્‍યપ્રદેશના બે શખ્‍સોને એ-ડિવીઝન પોલીસે દબોચી લઇ રોકડ કબ્‍જે કરી છે. આ બે પૈકીનો એક શખ્‍સ અગાઉ ઓરિસ્‍સામાં પણ એક ગુનામાં સામેલ હતો. રૂા. ૨૦૦ની વીસ હજારની નોટ કેશીયરને આપી રૂા. ૫૦૦ વાળી નોટ આ બંને માંગતા હતાં. પછી જુની નહિ નવી જોઇએ કહી ૫૦૦ના બંડલમાંથી અમુક નોટો સેરવી લઇ પરત કેશીયરને આપી પોતાનું ૨૦૦ વાળી નોટનું બંડલ લઇ ભાગી જતાં હતાં. પોલીસે રોકડ પણ કબ્‍જે કરી છે.

જાણવા મળ્‍યા મુજબ ગત ૨૪મીએ ભુપેન્‍દ્ર રોડ પર આવેલી ફેડરલ બેંક અને લીમડા ચોક પાસેની ઉજ્‍જીવન સ્‍મોલ ફાઇનાન્‍સ બેંકમાં અજાણ્‍યા શખ્‍સોએ નોટો બદલાવવાના બહાને કેશિયરની નજર ચુકવી કુલ રૂ. ૪૦,૦૦૦ ની ચોરી કરી હતી. આ અંગે એ-ડિવીઝન પોલીસમાં બે ગુનો દાખલ થતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી બી.જે. ચૌધરી દ્વારા ગુના શોધવા કડક સુચના આપવામાં આવી હતી. તે અંતર્ગત પીઆઇ બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍કવોડના પીએસઆઈ એસ.એમ. રાણા અને ટીમ પેટ્રોલિંગ ચાલુ કર્યુ હતું.  તે દરમિયાન હેડકોન્‍સ.  મહેશભાઇ ચાવડા, કલ્‍પેશભાઇ બોરીચા અને કરણભાઇ વિરસોડીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, બેંકમાં ચોરી કરનાર બે શખ્‍સો ત્રિકોણ બાગ શાષાી મેદાન પાસે ઉભા છે. તેના આધારે બંનેને ઝડપી લીધા હતાં.

પોલીસે મહેશ દેવીલાલ ગુર્જર (ઉ.વ. ૨૫, રહે.  બ્‍લોક નં. ૧૧ એફ-૧, ઇન્‍દ્રનગર હુજરૂ મુઘલીયા પાર્ક ભોપાલ, મધ્‍યપ્રદેશ) અને સૌરભ શ્રવણકુમાર કુશવાહા (ઉ.વ. ૨૬, રહે. દુર્ગાનગર, આર.આર.એલ. ચોરો, ભોપાલ, મધ્‍યપ્રદેશ)ની ધરપકડ કરી તેની પાસેથી ૯૦ હજારની રોકડ કબ્‍જે કરી છે.

આ બંને શખ્‍સો બેંકમાં જઈ ૨૦૦ના દરની નોટો આપી ૫૦૦ના દરની નોટો માંગતા હતા. કેશિયર સામે નોટો ગણતી વખતે તેમાંથી ૧૦,૦૦૦ જેવી રકમ નજર ચુકવી સેરવી લેતા અને બાકીની રકમ પરત આપી ફરીથી નવી નોટો માંગતા. અંતે મારે હવે ૫૦૦ની નોટો નથી જોઈતી, નવી આવે ત્‍યારે લેવા આવીશ કહી પોતાની મુળ ૨૦૦ની નોટોનું બંડલ પરત લઈ રફુચક્કર થઈ જતા હતા. આ બંને શખ્‍સે એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશન હેઠળની બે બેંક, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન હેઠળની બે અને ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનની એક બેંકમાં આ પ્રકારે રોકડ સેરવી લીધી હતી. બે પૈકીનો મહેશ અગાઉ ઓરિસ્‍સામાં ભદ્રેક પોલીસ સ્‍ટેશનમાં પણ છેતરપીંડીમાં પકડાયો હતો. બંનેએ વધુ કોઇ ગુના આચર્યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

પીઆઈ બી.વી. બોરીસાગર, પીએસઆઈ એસ.એમ. રાણા, એએસઆઈ બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, બી.બી. પરમાર તથા હેડકોન્‍સ. પ્રવીણભાઇ સોનારા, કલ્‍પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, મહેશભાઈ ચાવડા, સાગરભાઈ માવદીયા, કરણભાઇ વિરસોડીયા અને કોન્‍સ્‍ટેબલ ધર્મેશભાઇ ખાંડેખા તથા તેજસભાઇ ડેરની ટીમે આ કામગીરી કરી હતી. 

(3:25 PM IST)