News of Thursday, 26th February 2026
હોળી- ધુળેટીના તહેવારોમાં સરાજાહેર રંગો કે રંગ મિશ્રીત પાણી ઉડાવવા ઉપર પોલીસનો પ્રતિબંધ

રાજકોટ તા.૨૬: શહેર પોલીસ કમિશનર કચેરી ખાતેની સ્પેશ્યલ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનર દ્વારા બ્રજેશ કુમાર ઝા દ્વારા હોળી-ધુળેટી તહેવાર નિમીતે ફરમાવવામાં આવેલ પ્રતિબંધોનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
આ અંગે અખબાર યાદીમાં જણાવાયું છે કે, આગામી તા.૦૨,૦૩/૦૩/૨૦૨૬ ના રોજ હોળી તથા તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. આ ધાર્મિક તેમજ સામાજીક પર્વની ઉજવણી રાજકોટ શહેરના જુદા-જુદા મહોલ્લાઓ, સાર્વજનીક જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓમાં થતી હોય છે. આ ઉત્સવમાં પુરૂષો,સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ, જાહેર જગ્યાઓએ જતાં આવતાં રાહદારીઓ ઉપર તથા એક બીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, અથવા તૈલી પદાર્થો, કે તૈલી વસ્તુઓ ફેંકતાં હોય છે. જેને લીધે જાહેર રસ્તાઓ/શેરીઓ/ગલીઓમાં ચાલતી જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની તેમજ જાહેર સલામતી જોખમાય તેવી શકયતાઓ રહેલી છે. આ ઉપરાંત કોમી લાગણી ઉશ્કેરાય તેવા કળત્યો ઉપર પ્રતિબંધ મુકવા માટે તા.૦૨/૦૩/૨૦૨૬ ના કલાક ૦૦/૦૦ થી તા.૦૪/૦૩/૨૦૨૬ ના કલાક ૨૪/૦૦ સુધી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૪૦(૧) હેઠળનું જાહેરનામુ બહાર પાડી ઉપરોકત કૃત્યો આચરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. માટે પાણી ભરેલા ફુગ્ગા, કોરા કલર, રંગ મિશ્રિત પાણી કે તૈલી વસ્તુઓ જાહેરમાં ઉડાવવામા આવશે તો કાયદાકીય રાહે પગલા લેવામાં આવશે તેમ રાજકોટ પોલીસ કમિશનર કચેરી સ્થિત સ્પેશ્યલ શાખાના પી.આઇ. જી.આર. ચોૈહાણની યાદીમાં જણાવાયું છે.
(4:09 PM IST)










