<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

સામાકાંઠા વિસ્‍તારમાં મેયરના પતિ દ્વારા થયેલ વિવાદી બાંધકામ અંગે કલેકટરનો નિર્દેશઃ આ જમીન સૂચિત શ્રેણીમાં આવે છેે

૧૯૯૭માં જમીન ડે. કલેકટરે ખાલસા કરેલ જમીન અંગે આધાર-પુરાવા રજુ કરી બાંધકામને નિયમબધ્‍ધ કરાવી શકાય છે...

રાજકોટ, તા.૨૬:  મેયર નયનાબેન પેઢડીયાના પતિ વિનોદભાઈ પેઢડીયા દ્વારા શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં આવેલા સંત કબીર રોડ પરની ‘શિવશક્‍તિ સોસાયટી'માં કરવામાં આવેલું  બાંધકામ હાલ વિવાદોના વમળમાં ફસાયું છે. આ મામલે રાજકોટ જિલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશે મીડિયા સમક્ષ મહત્‍વની સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું હતું કે, જે જમીન પર બાંધકામ થયું છે તે સરકારી રેકોર્ડ મુજબ ‘સૂચિત સોસાયટી'ની શ્રેણીમાં આવે છે.

આ વિવાદ અંગે જિલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશે વિગતવાર માહિતી આપતા જણાવ્‍યું હતું કે, આ જમીનનો ઇતિહાસ દાયકાઓ જૂનો છે. તેમણે કહ્યું કેઃ આ જમીન મૂળ વિનોદભાઈના પૂર્વજોની હોવાનું કહેવાય છે, પરંતુ વર્ષ ૧૯૯૭માં ડેપ્‍યુટી કલેક્‍ટર દ્વારા આ જમીનને ‘ખાલસા' (સરકાર હસ્‍તક) કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭માં આ જમીનને બિનખેતી કરવા માટે અરજી કરવામાં આવી હતી, જે તે સમયે વહીવટી તંત્ર દ્વારા રદ કરવામાં આવી હતી. કલેક્‍ટરે સ્‍પષ્ટ કર્યું કે આ વિસ્‍તારમાં ‘સૂચિત સોસાયટી' ડેવલપ થઈ છે. રાજકોટની પેરીફેરી (સીમાડા)માં અનેક સોસાયટીઓ સૂચિત શ્રેણીમાં આવે છે, અને આ પણ તે પૈકીની એક છે.

કલેક્‍ટરે વધુમાં ઉમેર્યું હતું કે,‘‘વર્ષ ૨૦૧૭-૧૮ બાદ રાજ્‍ય સરકાર સૂચિત સોસાયટીઓને નિયમબદ્ધ  કરવા માટે ખાસ કાયદો લાવી છે. આ કાયદા અંતર્ગત સૂચિત સોસાયટીમાં રહેતા રહીશો જરૂરી આધાર-પુરાવા રજૂ કરીને પોતાના બાંધકામને નિયમબદ્ધ કરાવી શકે છે. વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૪માં પણ આ જ સર્વે નંબરમાં શક્‍તિ સોસાયટી અને અન્‍ય સોસાયટીઓ દ્વારા નિયમબદ્ધ થવા માટે અરજીઓ કરવામાં આવી છે.''

કલેક્‍ટરના જણાવ્‍યા અનુસાર, આ કેસમાં પક્ષકાર પાસે અપીલ કરવાના તમામ માર્ગો ખુલ્લા છે. અરજી નામંજૂર થયા બાદ રહીશો અથવા જમીનધારકો ઉપલી કચેરીમાં અપીલ કરી શકે છે. જોકે, હાલના તબક્કે આ બાંધકામ સરકારી જમીન પરના દબાણ કરતા ‘સૂચિત બાંધકામ'ની શ્રેણીમાં વધુ ગણાય છે

(3:33 PM IST)