News of Friday, 27th February 2026
૨૫ વર્ષથી ઘરસંસાર ત્યજી દીધો હતો, ‘સર'ની કામગીરીથી સ્વજનોની યાદ આવતાં ત્રંબામાં મંદિરના પૂજારીનો આપઘાત!
મુળ હરિયાણાના ઉદયરામ વૈષ્ણવ પચ્ચીસ વર્ષથી અહિ રહી સેવા પૂજા કરતાં હતાં: ચિઠ્ઠી લખી આત્મહત્યા કરી મતદાર યાદીના ફોર્મમાં પરિવારજનોના નામો લખવાના હોઇ તેના કારણે તેમની યાદ આવતાં ઉદાસ રહેતાં હતાં

રાજકોટ તા. ૨૭: તાજેતરમા મતદાર યાદી સુધારણા અને નવા મતદારોની નોંધણીની ચૂટણી લક્ષી કામગીરી કરવામાં આવી હતી. સરની આ કામગીરી અંતર્ગત ઘરે ઘરે જઇ મતદારોની હયાતી, રહેણાંકની ખાત્રી તેમના પરિવારજનોના પુરા નામ સરનામા સહિતની વિગતો ફોર્મમાં ભરવાની હોય છે. આવી જ કામગીરી અંતર્ગત એક ટીમ ત્રંબા ખાતે આવેલા હનુમાનજીના મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં વર્ષોથી રહી સેવા પૂજા કરતાં પૂજારીએ પણ સરના ફોર્મમાં પરિવારજનોની વિગતો ભરવાની વાત જાણી હતી. પચ્ચીસ વર્ષ પહેલા પોતે ઘરસંસાર છોડીને નીકળી ગયા હોઇ હવે આ કામગીરીને પગલે ફરીથી તેમને પરિવારજનોની યાદ આવતાં આ કારણે તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ અંગેની નોંધ તેમને ચિઠ્ઠીમાં પણ કરી છે!
જાણવા મળ્યા મુજબ ત્રંબામાં આવેલા જુના પાદર હનુમાનજી દાદાની જગ્યા-મંદિરમાં વર્ષોથી રહી સેવા-પૂજા કરતાં મુળ હરિયાણાના ઉદયરામ શિવરામદાસ વૈષ્ણવ (ઉ.વ.૫૫)એ ગઇકાલે સાંજે મંદિરના રૂમમાં પંખામાં દોરી ાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સાંજે એક સેવક મંદિરે આટો મારવા આવ્યા ત્યારે પૂજારી ઉદયરામ મંદિરમાં જોવા ન મળતાં તે મંદિર પટાંગણના પૂજારીના રૂમ તરફ ગયા હતાં. ત્યાં દરવાજો બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં ટ્રસ્ટીઓ સહિતને જાણ કરી હતી. ગામલોકો પણ દોડી ગયા હતાં.
બધાએ મળી દરવાજો તોડીને જોતાં અંદર પૂજારી ઉદયરામ વૈષ્ણવ લટકતા જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તુરત જ ૧૧૨ અને ૧૦૮ને જાણ કરવામાં આવતાં પોલીસ પહોંચી હતી. ૧૦૮ના ઇએમટી રાજીબેને પૂજારીને મેૃત જાહેર કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના સરધાર આઉટપોસ્ટના હેડકોન્સ. અનિરૂધ્ધભાઇ સોલંકી સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ આપઘાત કરનાર ઉદયરામ પચ્ચીેસક વર્ષ પહેલા સંસાર છોડી ચુક્યા હતાં. તેમના પરિવારજનો હરિયાણામાં રહે છે. પોતે વર્ષોથી અહિ જ મંદિરે રહી સેવા પૂજા કરતાં હતાં. તાજેતરમાં મતદાર નોંધણી અંતર્ગત સરની કામગીરી શરૂ થઇ તેમાં પૂજારીને અપાયેલા ફોર્મમાં તેમના પરિવારજનોના નામ પણ લખવાના હોઇ તેમને પોતાના પરિવારજનોની યાદ આવી હતી. આ કારણે ઉદાસ થઇ ગયા હતાં અને તેના કારણે આપઘાત કરી લીધો હતો.
તપાસનીશ હેડકોન્સ. અનિરૂધ્ધભાઇ એન. સોલંકીના જણાવ્યા મુજબ પૂજારીને પોતાના પરિવારજનોની યાદ આવતાં પગલુ ભર્યુ હતું. તેમણે લખેલી ચિઠ્ઠીમાં આ વાતનો ઉલ્લેખ છે. ગામના લોકોએ પોતાને ખુબ મદદ કરી હોવાની અને પોતાને કોઇ પ્રત્યે રાગદ્દેષ નહિ હોવાનું તેમજ સરની કામગીરીનું ફોર્મ ભરતી વખતે પોતાને સગા પરિવારની યાદ આવતાં દુઃખી થઇ જવાથી પગલુ ભરી રહ્યાનું પણ તેમણે ચિઠ્ઠીમાં લખ્યું છે. આ બનાવથી ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
(2:40 PM IST)










