News of Friday, 27th February 2026
બેડી ચોકડી પાસે યુપીની યાત્રાળુની બસ અને ટેન્કર અથડાતાં ગવરીદળ સુધી કલાકો ટ્રાફિક જામઃ અનેક વાહનો ફસાઇ ગયા
૪૫ જેટલા યાત્રાળુ દ્વારકાધીશના દર્શન કરી યુપી જતા હતાં: તમામનો ચમત્કારીક બચાવઃ પોલીસ ટ્રાફિક ક્લીયર કરાવવા કામે લાગી

રાજકોટઃ રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ચોકડી પાસે સવારે પાંચેક વાગ્યે એક ટેન્ક અને યુપીની યાત્રાની બસ વચ્ચે અકસ્માત સર્જાતા રોડની બંને તરફ ટ્રાફિકજામ થઇ ગયો હતો. બેડી ચોકડીથી લઇ છેક ગવરીદળ સુધી વાહનોની કતારો જામી ગઇ હતી. સવારે પોણા અગીયાર વાગ્યા સુધી પોલીસ દ્વારા ટ્રાફિક ક્લીયર કરાવવા કાર્યવાહી થઇ હતી. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઇને ઇજા થઇ નહોતી. પરંતુ બસ, ટેન્કર બંનેમાં નુકસાની થઇ હતી.
જાણવા મળ્યા મુજબ ઉત્તરપ્રદેશથી પીસ્તાલીસ જેટલા યાત્રાળુઓની બસ સોૈરાષ્ટ્રના યાત્રાધામો ખાતે આવી હતી. વહેલી સવારે યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કરી યુપી જવા રવાના થયા ત્યારે રાજકોટની બેડી ચોકડી પાસે આ બસ સાથે ટેન્કર અથડાઇ જતાં બંને વાહનમાં આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. આ અકસ્માતને પગલે યાત્રાળુઓમાં દેકારો મચી ગયો હતો. જો કે સદ્દનસિબે તમામનો ચમત્કારીક બચાવ થયો હતો. બસના ચાલકના કહેવા મુજબ ટેન્કરવાળાએ અચાનક બંબાટ આવી અકસ્માત સર્જી દીધો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. અકસ્માતને કારણે બેડી ચોકડીથી લઇ છેક ગવરીદળ સુધી સવારના પોણા અગીયાર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. અસંખ્ય વાહનો આ જામમાં ફસાયા હતાં. જેમાં ટુવ્હીલરચાલકો પણ સામેલ હતાં. ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ તસ્વીરો મોકલીને જણાવ્યું હતું કે વીસથી વધુના પોલીસ સ્ટાફે ટ્રાફિક ક્લીયર કરાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તસ્વીરોમાં અકસ્માતગ્રસ્ત યાત્રાની બસ, ટેન્કર અને ટ્રાફિકજામના દ્રશ્યો જોઇ શકાય છે.
(2:59 PM IST)










