<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રાજ્‍યભરના એસ.ટી.ડેપોમાં સર્વર ડાઉન થતા મુસાફરોની ભારે હાલાકી

રાજકોટ,તા.૨૭: ગુજરાત એસ.ટી. નિગમમાં આધુનિકીકરણના દાવાઓ વચ્‍ચે ટેકનિકલ ખામી સર્જાતા રાજ્‍યભરમાં કંડક્‍ટરોના ટિકિટ મશીનો ઠપ્‍પ થઈ ગયા હતા. સર્વર એરરના કારણે બપોરના સમયે બે થી ત્રણ કલાક સુધી બસો ઉપડી શકી નહોતી, જેના કારણે હજારો મુસાફરો બસ સ્‍ટેન્‍ડ પર અટવાઈ પડ્‍યા હતા. મેનેજમેન્‍ટની ગંભીર બેદરકારી સામે આવતા મુસાફરો અને સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્‍યો હોવાનું ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિહ ઝાલાએ જણાવ્‍યું છે. વિગતો મુજબ, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે ૧ થી ૩:૩૦ વાગ્‍યા દરમિયાન રાજ્‍યભરમાં કંડક્‍ટરોના ટિકિટ મશીનોમાં સર્વર ડાઉન થવાની સમસ્‍યા સર્જાઈ હતી.

ટેકનિકલ ખામી અને સર્વર એરરઃ આ મુશ્‍કેલી એસ.ટી. વિભાગમાં વપરાતી આઈટીએમએસ ટિકિટિગ સિસ્‍ટમ મશીનમાં જોવા મળી હતી. મશીન ચાલુ કરતી વખતે અથવા 'ફેચ ડ્‍યૂટી' બટન દબાવ્‍યા બાદ Updating Master સંબંધિત સર્વર એરર આવતી હતી. ડેટા સિક્રોનાઈઝેશન ન થવાને કારણે મશીનમાં ટિકિટ અપડેટ થતી નહોતી અને કંડક્‍ટરો પોતાની ડ્‍યૂટી શરૂ કરી શકતા નહોતા.

અહેવાલ મુજબ, અન્‍ય ડેપોમાં રનિંગ ટ્રીપ પૂર્ણ કરીને આવેલા કંડક્‍ટરોના ચાલુ મશીનો અન્‍ય કંડક્‍ટરોને આપીને વ્‍યવસ્‍થા જાળવવામાં આવી હતી, પરંતુ રાજકોટ એસ.ટી. બસ પોર્ટ પર આવી કોઈ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવી નહોતી. આ લાપરવાહીને કારણે રાજકોટથી ઉપડતી બસો પ્‍લેટફોર્મ પર જ બે થી ત્રણ કલાક મોડી પડી હતી અને મુસાફરોએ ભારે હોબાળો મચાવ્‍યો હતો તેમ પણ આ યાદીમાં જણાવ્‍યું છે.

સર્વરની આ ગંભીર સમસ્‍યાને કારણે નીચે મુજબની અસરો જોવા મળી હતી.

તમામ બસો બસ સ્‍ટેન્‍ડ પર જ અટકી પડી હતી અને રૂટ પર સમયસર રવાના થઈ શકી નહોતી.

ટિકિટ ઈશ્‍યુ કરવાની પ્રક્રિયા બંધ થઈ જતા મુસાફરોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.

ખાસ કરીને ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને તાત્‍કાલિક કામ અર્થે જતા મુસાફરોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો.

નિગમ દ્વારા આધુનિકીકરણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આવી ટેકનિકલ ક્ષતિઓ સર્જાતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્‍યો હતો.

આ ઘટનાને પગલે એસ.ટી. તંત્રની સલામત સવારી, એસટી અમારીના સૂત્રો વચ્‍ચે વહીવટી પારદર્શિતા અને ટેકનિકલ સજ્જતા સામે સવાલો ઉભા થયા છે તેમ આ યાદી જણાવે છે. (૪૦.૩૦)

(3:00 PM IST)