હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓનલાઇન લગ્ન નોંધણીને જબ્બર પ્રતિસાદઃ મનપામાં ૨૨ દિ'માં ૫૦ અરજીઓ આવી
તંત્ર દ્વારા અરજદારોને લાઇનમાંથી મુકિત અપાવતી સુવિધા : ફકત સહી કરવા જવું પડે સર્ટીફીકેટમાં ગુગલ મેપ દ્વારા મેરેજ લોકેશન અને સ્થળનો ફોટો ફરજીયાત કરાયો : નવો નિયમ અમલી

રાજકોટ, તા.૨૭: મનપામાં લગ્નનોંધણી વિભાગમાં દરરોજ અરજદારોની લાઇનો જોવા મળતી હોય છે. ત્યારે મનપાએ બજેટમાં ઓનલાઇન લગ્ન નોંધણી ચાલુ કરવાની જોગવાઇ કરેલ જેની અમલવારી તા.૫થી શરૂ થતા આજે ૨૨ દિવસમાં ૫૦થી વધુ અરજીઓ અપલોડ થઇ ગઇ છે.
તેમજ મેરેજ સર્ટીના નિયમોમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ હવે કંકોત્રીની સાથે લગ્ન સ્થળનું ગુગલ મેપ લોકેશન ફરિજયાત આપવાનુ રહેશે. વેરેફિકેશન થયા બાદ પ્રમાણપત્રને મંજૂરી મળશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું. આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ લગ્ન નોંધણી પ્રક્રિયામાં હવે નવો નિયમ અમલમાં આવ્યો છે. જે મુજબ લગ્ન સ્થળનું ગુગલ પર સર્ચ કરી જે તે હોલના લોકેશનનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ મુદ્દે આરોગ્ય અધિકારીએ જણાવેલ કે, અનેક વખત મહાનગપાલિકાની હદમાં ન આવતા હોય તેવા સ્થળોએ લગ્ન કર્યા હોય ત્યારે મહાનગપાલિકાના આરોગ્ય વિભાગની મેરેજ સર્ટીની સાઇટ ઉપર અરજદારો દ્વારા ડોકયુમેન્ટ અપલોડ કરી દેવામાં આવે છે. અજાણતા થઇ ગયેલ ભૂલના કારણે અનેક અરજદારોને હેરાન થવુ પડતુ હોય છે. આથી હવે ગુગલ લોકેશનનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે સ્થળે લગ્ન થયા હોય તે સ્થળનું લોકેશન ફરજિયાત ઓનલાઇન અપલોડ કરવાનુ રહશે. આરોગ્ય અધિકારી ડો.વિકાણીએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાના હદની બહાર થતા લગ્નનું રજિસ્ટ્રેશન જેતે ગ્રામ પંચાયત મારફત કરવામાં આવતુ હોય છે. પરંતુ અરજદારોને સમજ ન હોવાથી અનેક વખત રાજકોટ મનપાની લગ્ન નોંધણી વેબસાઇટ પર અપલોડ થઇ જાય છે. આથી હવે કંકોત્રીમાં જે સ્થળ દર્શાવેલ હોય તે સ્થળને ગુગલ મેપ પર શોધવાનુ રહેશે અને આ સ્થળનું લોકેશન અરજી કરનારે દર્શાવવાનું રહેશે.
તમામ ડોકયુમેન્ટ અપલોડ થયા બાદ મેરેજ સર્ટી વિભાગ દ્વારા કંકોત્રીમાં દર્શાવેલ સ્થળની સાથે ગુગલ મેપ સ્થળનું મેચિંગ કરવામાં આવશે. જો બંન્ને એક જ સ્થળ નહીં હોય તો અરજદારની અરજી રીજેકટ કરવામાં આવશે. તેવી જ રીતે મનપા દ્વારા લગ્ન નોંધણી ઓનલાઇન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ૨૨ દિવસમાં ૫૦થી વધુ અરજીઓ આવી છે. આથી અરજદારોએ ફકત સહિ કરવા માટે મનપાના લગ્ન નોંધણી વિભાગમાં જવાનુ રહેશે.










