<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ધડાકાની ધમકીને પગલે તકેદારીઃ રાજકોટની પાસપોર્ટ ઓફિસમાં બોમ્‍બ ડીસ્‍પોઝલ સ્‍ક્‍વોડ-ડોગ સ્‍ક્‍વોડની તપાસ

અમદાવાદ સહિત રાજ્‍યભરની પાસપોર્ટ અને પોસ્‍ટ ઓફિસોને ઉડાડી દેવાની ઇ-મેઇલથી ધમકીઓ અપાઇ : એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમોએ પહોંચી તપાસ કરાવીઃ અચાનક પોલીસના ધાડા ઉતરતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા

પાસપોર્ટ ઓફિસ ખાતે એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમોએ બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ તથા ડોગ સ્‍ક્‍વોડને સાથે રાખી તપાસ કરી હતી. જો કે કંઇ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું. કાર્યવાહીને પગલે કચેરી બહાર પણ લોકો એકઠા થઇ ગયા હતાં. પોલીસે પાસપોર્ટ કચેરીના ખુણેખુણા ચેક કર્યા હતાં. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૭: રાજ્‍યના મુખ્‍ય શહેરોમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્‍ટ ઓફિસોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતાં અને અમદાવાદ રીઝીયોનલ પાસપોર્ટ ઓફિસમાં પણ ઇ-મેઇલથી આવી ધમકી મળતાં તકેદારીના ભાગ રૂપે રાજકોટમાં ગોડલ રોડ પર આવેલી પાસપોર્ટ ઓફિસ ખાતે એ-ડિવીઝન પોલીસે બોમ્‍બ ડીસ્‍પોઝલ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ સાથે પહોંચી જઇ ખુણેખુણો ચેક કરાવ્‍યો હતો. જો કે કંઇ શંકાસ્‍પદ ન મળતાં સોૈએ રાહત અનુભવી હતી.

ગુજરાતના મુખ્‍ય શહેરોમાં આજે ૨૭મીએ  સરકારી કચેરીઓને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ, મહેસાણા, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્‍દ્રનગર, પાલનપુરની પોસ્‍ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરાતા પોલીસ અને બોમ્‍બ સ્‍ક્‍વોડની ટીમો એક્‍શન મોડમાં આવી ગઈ હતી. તો બીજી તરફ અમદાવાદ રીઝીયનોલ પાસપોર્ટ ઓફિસને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી ઇ-મેઇલથી મળતાં ત્‍યાં પોલીસે બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ સાથે પહોંચી તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ તકેદારીના ભાગ રૂપે રાજકોટની  પાસપોર્ટ ઓફિસ ખાતે એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર અને તેમની ટીમે પહોંચી જઇ  બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍ક્‍વોડને સાથે રાખી ચેકીંગ કર્યુ હતું. જો કે કંઇ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું. પીઆઇ બી. વી. બોરીસાગરના જણાવ્‍યા મુજબ અમદાવાદ પાસપોર્ટ ઓફિસને ઇ-મેઇલથી ધમકી મળી હોઇ તે અંતર્ગત તકેદારીના ભાગ રૂપે રાજકોટ પાસપોર્ટ ઓફિસમાં અમે તપાસ કરી છે. પણ કંઇ મળી આવ્‍યું નથી.

ગોંડલ રોડ પર આવેલી પાસપોર્ટ ઓફિસ ખાતે અચાનક પોલીસના ધાડેધાડા ઉતરી પડતાં લોકોમાં ફાળ પડી ગઇ હતી. અરજદારો, અધિકારીઓ, કર્મચારીઓને પોલીસે બહાર મોકલીને આખી કચેરીમાં તપાસ કરી હતી. કાર્યવાહીને પગલે ઓફિસ બહાર પણ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. 

(3:59 PM IST)