તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 28th February 2026
દિકરીને હોળીનો હાયડો દેવા જઇ રહેલા રાજકોટના વૃધ્ધ દંપતિને પડધરી પાસે અકસ્માતઃ પતિનું મોત, પત્નિ ગંભીર
ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરના ધનજીભાઇ સાકરીયાનું મોતઃ પત્નિ રંજનબેન સારવારમાં: પડધરી રહેતી દિકરીના ઘરે જતાં હતાં ત્યારે બનાવઃ ટુવ્હીલર સ્લીપ થયું કે હિટ એન્ડ રન? તે અંગે પડધરી પોલીસની તપાસ

અકસ્માતમાં મૃત્યુ પામનાર ધનજીભાઇ સાકરીયાનો નિષ્પ્રાણ દેહ, ફાઇલ ફોટો અને ગંભીર ઇજાગ્રસ્ત તેમના પત્નિ રંજનેબન નજરે પડે છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૮: પડધરીની ભારત હોટેલ નજીક વાહન અકસ્માતમાં રાજકોટનું વૃધ્ધ દંપતિ ખંડીત થયું છે. પતિ-પત્નિ પડધરી રહેતી દિકરીને હોળીનો હાયડો આપવા માટે ટુવ્હીલર લઇને જતાં હતાં ત્યારે વાહન સ્લીપ થતાં અથવા તો કોઇ વાહનની ઠોકરે ચડી જતાં બંનેને ગંભીર ઇજા થઇ હતી. જેમાં પતિનું મોત થયું છે અને પત્નિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બનાવને પગલે ચુનાવાવાડ વિસ્તારમાં રહેતાં પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.
જાણવા મળ્યા મુજબ ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં ધનજીભાઇ રામજીભાઇ સાકરીયા (ઉ.વ.૬૦) ગત સાંજે ટુવ્હીલરમાં પત્નિ રંજનબેન (ઉ.વ.૫૦)ને બેસાડીને પડધરી મોવૈયા સર્કલ પાસે રહેતી દિકરી સંજનાબેનને હોળીનો હાયડો આપવા જવા રાજકોટથી રવાના થયા હતાં. ઇટર્નો સ્કૂટર પર બંને પડધરી નજીક ભારત હોટેલ પાસે રાતે નવેક વાગ્યે પહોંચ્યા ત્યારે તેના વાહનને અકસ્માત નડતાં બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં અને ગંભીર ઇજાઓ થઇ હતી.
ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને કોઇએ ૧૦૮ને જાણ કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ધનજીભાઇનું ટુંકી સારવાર બાદ મોત થયું હતું. તેમના પત્નિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પડધરી પોલીસ રાજકોટ પહોંચી હતી અને બંનેના સગા પરિવારજનોને શોધવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક ધનજીભાઇ ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં હોવાની માહિતી મળતાં પોલીસે સગાને જાણ કરી હતી અને હોસ્પિટલે બોલાવી મૃતદેહની ઓળખ કરી હતી.
મૃત્યુ પામનાર ધનજીભાઇ સાકરીયા ફીલ્ડ માર્શલ કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. દિકરી પડધરી સાસરે હોઇ તેને હોળીના તહેવાર નિમીતે હાયડો આપવા જવા પતિ-પત્નિ નીકળ્યા ત્યારે પડધરીના મોવૈયા સર્કલ પાસે આ બનાવ બન્યો હતો. મોભીના મૃત્યુથી સાકરીયા-કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. અકસ્માત કેવી રીતે થયો? તેની તપાસ પડધરી પોલીસ કરી રહી છે
(3:07 PM IST)










