સુરતથી રાજકોટ ભાઇના ઘરે આટો દેવા આવેલા પ્રોૈઢનું હૃદય ધબકારા ચુક્યું
પત્નિ સાથે રણુજા મંદિર પાસે કૈલાસ પાર્કમાં આવ્યા હતાં: પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૮: સુરત રહેતાં પ્રોૈઢ રાજકોટ પોતાના કાકાના દિકરા ભાઇના ઘરે પત્નિ સાથે આટો દેવા આવ્યા હોઇ અહિ હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ સુરતના કામરેજ રાધીકા સોસાયટીમાં રહેતાં બળવંતભાઇ પોપટભાઇ આજગીયા (ઉ.વ.૫૬) ગઇકાલે કોઠારીયા રણુજા મંદિર પાસે કૈલાસ પાર્ક-૩માં પોતાના કાકાના દિકરા ભાઇ પરેશભાઇ હરિભાઇ આજગીયાના ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર બળવંતભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તે અગાઉ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતાં હતાં અને હાલ નિવૃત જીવન જીવતા હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પોતે પત્નિ હંસાબેન સાથે રાજકોટ ભાઇના ઘરે આટો દેવા આવ્યા હોઇ હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયાનું જણાવાયું હતું. મૃતદેહને અંતિમવિધી માટે સુરત લઇ જવામાં આવ્યો હતો.










