News of Saturday, 28th February 2026
ભવનાથ - પારસ - રંગીલા પાર્ક સહીતની સોસાયટીઓમાં ડીઆઇ પાઇપલાઇનના કામ બાદ રસ્તાઓની હાલત ખરાબ
વાલ અને કુંડીઓના કામ પૂર્ણ કરાયા નથી : કનેકશનો દીધા પહેલા ડામર પાથરવાનો શો મતલબ?

રાજકોટ તા. ૨૮ : ઓબીસી આગેવાન નરેશભાઇ ગઢવીની આગેવાની હેઠળ ભવનાથ સોસાયટી-૧ અને ર, પારસ સોસાયટી, રંગીલા પાર્ક, પુરૂષાર્થ સોસાયટી, વિનોદનગર વગેરે સોસાયટીના લોકોએ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી સોસાયટીના રસ્તાઓની ખરાબ હાલત અંગે રજુઆત કરી છે.
તેઓએ જણાવેલ કે આ વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવામાં આવ્યા બાદ મેટલીંગ પૂર્ણ કરાયુ નથી. વાલ તથા કુંડીઓનું કામ પણ પુર્ણ કરાયા નથી. તેમ છતા ચુંટણી ધ્યાને લઇ સીધો જ ડામર પાથરવાના કામો શરૂ કરી દેવાયા છે.
છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં રોડ સાવ તુટી ગયા છે. કોર્પોરેટરોનું ધ્યાન દોરવા છતા કામો થતા નથી. સ્થાનિક અધિકારી પદાધિકારીઓને પણ આ બાબતે રજુઆતો કરવામાં આવી છે.
વળી નવી પાણીની લાઇનો નખાઇ છે તેમાં પણ પુરતુ પ્રેસર ન આ વતુ હોવાની ફરીયાદો છે. ત્યારે આ સમસ્યા હલ થવી જરૂરી છે.
હજુ કનેકશન બાકી છે ત્યાં ડામરકામ થવા લાગ્યુ છે. તો શું કનેકશન દેવા સમયે ફરીથી ખાડા કરાશે? તેવા સવાલો રહેવાસીઓએ ઉઠાવ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નરેશભાઇ ગઢવી, સોનલબેન પુજારા, હર્ષાબેન ગોપાણી, મધુબેન કાકડીયા, દેવલબેન સખીયા, જીજ્ઞાબેન ભુવા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:52 PM IST)










