<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

રેસકોર્ષમાં લવગાર્ડનમાં ભજીયાનો કારીગર વિજય ભાન ભુલ્‍યોઃ વોકીંગ કરી રહેલી મહિલાની બિભત્‍સ છેડતી કરી

પતિ આગળ નીકળી ગયા હોઇ મહિલા પાછળ ચાલી રહી હતી ત્‍યારે અચાનક વિજયએ ગળચી પકડી મોઢુ દાબી અડપલા કરી પછાડી દીધીઃ દેકારો થતાં ભાગી ગયોઃ બીજા દિવસે દંપતિ ફરી વોકીંગમાં આવતાં છેડતી કરનારો નજરે ચડતાં પોલીસને જાણ કરી પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરા, એએસઆઇ આનંદભાઇ પરમારે આકરી કાર્યવાહી કરી હવા કાઢી નાંખીઃ ઝડપાયેલો રૈયાધારનો શખ્‍સ બે સંતાનનો પિતા છે

રાજકોટ તા. ૨૮: રેસકોર્ષના લવ ગાર્ડન તરીકે ઓળખાતા બગીચામાં એક ૩૩ વર્ષિય ગૃહીણી પતિ સાથે વોકીંગ કરી રહી હતી ત્‍યારે તેણીના પતિ આગળ નીકળી ગયા હોઇ આ મહિલા એકલી ચાલી રહી હતી તે વખતે અચાનક પાછળથી આવેલા શખ્‍સે તેણીની ગળચી પકડી લઇ મોઢુ દબાવી દઇ તેમજ પ્રાઇવેટ પાર્ટ પર અડપલા કરી લઇ તેણીને પછાડી દઇ છેડતી કરતાં દેકારો મચી ગયો હતો. ગૃહિણીનો પતિ સહિતના લોકો દોડી આવતાં આ શખ્‍સ ભાગી ગયો હતો. બીજા દિવસે આ દંપતિ તેને શોધવા ફરીથી વોકીંગમાં આવતાં આ શખ્‍સ ફરીવાર ત્‍યાં દેખાતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ભજીયાના કારીગર એવા રૈયાધારના શખ્‍સ સામે ગુનો નોંધી તેની હવા કાઢી નાંખી હતી.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે જામનગર રોડની સોસાયટીમાં રહેતાં ૩૩ વર્ષિય ગૃહિણીની ફરિયાદ પરથી રૈયાધારના વિજય નાનજીભાઇ કુંવરીયા વિરૂધ્‍ધ ગુનો નોંધી દબોચી લીધો છે. તે બે સંતાનનો પિતા છે અને ભજીયાનો કારીગર છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પતિ  વેપાર કરે છે. ૨૪મીએ રાતે સવા દસેક વાગ્‍યે હું અને મારા પતિ બંને રેસકોર્ષના લવ ગાર્ડનમાં વોકીંગ કરવા ગયા હતાં. આ વખતે મારા પતિ આગળ આગળ ચાલતાં હતાં અને હું પાછળ રહી ગઇ હતી. ત્‍યારે લવ ગાર્ડનમાં ફનવર્લ્‍ડ તરફના ગેઇટના ખુણા પાસે હું પહોંચી ત્‍યારે અચાનક અજાણ્‍યો શખ્‍સ ચાલીને આવ્‍યો હતો અને મારી ગળચી પકડી લીધી હતી. તેમજ પોતાના હાથથી મારુ મોઢુ દબાવી દીધુ હતું. તેમજ મેં પહેરેલા કપડામાં ઉપરથી પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવા માંડયો હતો. આ ઉપરાંત મને જમીન પર પછાડી દીધી હતી અને ઢસડી હતી.

આથી મેં બૂમાબૂમ કરતાં આ શખ્‍સ લવ ગાર્ડનની ગ્રીલ ઠેંકીને ભાગી ગયો હતો. મને  મુંઢ ઇજા થઇ હોઇ બૂમાબૂમ સાંભળીને મારા પતિ આવી ગયા હતાં. મેં કોઇ સારવાર લીધી નહોતી. બીજા દિવસે હું અને મારા પતિ આ શખ્‍સને શોધવા માટે ફરીથી રેસકોર્ષ પહોંચ્‍યા હતાં. આ વખતે પણ મારી છેડતી કરનારો શખ્‍સ ત્‍યાં જ હાજર હોઇ અમે પોલીસને બોલાવી લીધી હતી. તુરત પોલીસે પકડીને આ શખ્‍સની પુછતાછ કરતાં પોતાનું નામ વિજય નાનજીભાઇ કુંવરીયા હોવાનું અને પોતે રૈયાધારમાં રહેતો હોવાનું કહ્યું હતું. બદનામી ન થાય એ માટે અમે તુરત ફરિયાદ કરી નહોતી. પણ છેડતી કરનાર પકડાઇ જર્તીાં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં મહિલાએ જણાવતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં એએસઆઇ એસ. વી. જોરાએ ગુનો નોંધ્‍યો હતો.

પીએસઆઇ ડી. એસ. ગજેરા અને એએસઆઇ આનંદભાઇ પરમારે આરોપીની ધરપકડ કરી વધુ પુછતાછ કરતાં ઝડપાયેલા શખ્‍સ વિજયએ પોતે અલગ અલગ સ્‍થળે ભજીયાના કારીગર તરીકે કામ કરતો હોવાનું અને સંતાનમાં એક દિકરી હોવાનું કહ્યું હતું.  એકલી મહિલાને જતાં તેણે છેડતી કરી લીધી હતી. પોલીસે આકરી પુછતાછ કરી હતી.

(2:58 PM IST)