તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 28th February 2026
રાધીકા પાર્કમાં શિક્ષીકા દીપ્તીબેનને દેરાણી-જેઠાણીએ લાકડીથી ફટકારી બટકુ ભર્યુ
તું કેમ હોટેલ બનાવવાની ના પાડે છે કહી ઘરે આવી માથાકુટ કરીઃ યુનિવર્સિટી પોલીસે કાજલબેન અને શીતલબેન ફાસરા વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૮: રૈયા રોડ પર રહેતાં અને પડધરીના રામપરની શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતાં મહિલાને પાટીદાર ચોકમાં રહેતાં શિક્ષીકાએ પોતાના પતિને ભાઇઓ સાથે ભાગીદારીમાં ધંધો કરવાની, હોટેલ બનાવવાની ના પાડતાં દેરાણી-જેઠાણીએ ખાર રાખી ઘરે આવી લાકડીથી માર મારી, બટકુ ભરી લઇ શિક્ષીકાને લોહીલુહાણ કરી નાંખતા ચર્ચા જાગી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ આલાપ ગ્રીન સીટીની બાજુમાં રાધીકા પાર્ક બ્લોક નં. ૩માં રહેતાં અને પડધરી તાલુકાના મોટા રામપર ગામે શિક્ષીકા તરીકે ફરજ બજાવતાં દીપ્તીબેન અશ્વીનભાઇ ફાસરા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી પાટીદાર ચોક મવડી ધરમનગરમાં રહેતાં તેણીના દેરાણી કાજલબેન નીલેષભાઇ ફાસરા અને જેઠાણી શીતલબેન પ્રકાશભાઇ ફાસરા વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ દીપ્તીબેનના પતિ અશ્વિનભાઈ અને તેમના ભાઈઓ પ્રકાશભાઈ તથા નિલેશભાઈ સંયુક્ત રીતે રૈયા રોડ પર હોટલનું બાંધકામ કરી રહ્યા છે. દીપ્તીબેનને આ સંયુક્ત ધંધો મંજૂર ન હોવાથી તેમણે પતિને અવારનવાર સમજાવ્યા હતા કે આપણે ભાઈઓ સાથે ભાગીદારીમાં ધંધો કરવો નથી. આ બાબત તેમના જેઠ અને દિયરના પરિવારને ખટકી રહી હતી.
ફરિયાદ સવારના નવેક વાગ્યાના અરસામાં દીપ્તીબેન ઘરે હતા ત્યારે તેમના જેઠાણી શીતલબેન અને દેરાણી કાજલબેન ઘરે ધસી આવ્યા હતાં અને તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે? તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. ઝઘડો વધતા ઉશ્કેરાયેલા જેઠાણી શીતલબેને પોતાની પાસે રહેલી જાડી લાકડી વડે દીપ્તીબેનના માથામાં જમણી બાજુ જોરદાર ઘા ઝીંકી દીધો હતો. આટલેથી ન અટકતા, જેઠાણી અને દેરાણીએ દીપ્તીબેનના વાળ ખેંચી મારપીટ કરી હતી અને ઝપાઝપી દરમિયાન આંગળીમાં બચકું પણ ભરી લીધું હતું.
હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં દીપ્તીબેન હોટલની સાઇટ પર ગયા હતા અને પતિને જાણ કરી હતી, પરંતુ પતિએ કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. અંતે દીપ્તીબેને તેમના કાકાજી સસરાને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા અને ૧૦૮ મારફતે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં દીપ્તીબેનને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા છે. દીપ્તીબેને પોતાની ફરિયાદમાં પતિ અને દેરાણી વચ્ચેના સબંધોના આક્ષેપો પણ કર્યા છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી દેરાણી-જેઠાણી સામે કાર્યવાહી હાથ ધરી છે.
(3:02 PM IST)










