News of Saturday, 28th February 2026
હિન્દી હાસ્ય કવિ સંમેલન રદઃ મનપાની હાસ્યાસ્પદ સ્થિતિ
તંત્રની તિજોરી હાલક ડોલકના દાવા વચ્ચે બે દાયકા જુની પરંપરાને હોળીમાં હોમતા શાસકો : પદાધિકારીઓના મોૈન અને અધિકારીઓ બેધ્યાનના કારણે હોળી પૂર્વે યોજાતા હિન્દી હાસ્ય કવિ સંમેલનને આ વર્ષે બ્રેક

રાજકોટ, તા.૨૮: રંગીલા રાજકોટની પ્રજા દરેક તહેવાર રંગેચંગે ેજવે છે અને તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજે છે. ત્યારે બે દાયકાથી રંગ પર્વ ધુળેટી પહેલા હિન્દી હાસ્ય કવિ સંમેલન મનપા દ્વારા યોજવામાં આવે છે. જો કે આ વર્ષે સંમેલન રદ કરી ૨૦ વર્ષની પરંપરાને શાસકોએ હોળીમાં હોમી દીધી છે.
મનપા દ્વારા વર્ષ દરમિયાન તહેવારોની ઉજવણી અંતર્ગત શહેરીજનો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. સમાજ કલ્યાણ વિભાગ દર વર્ષે હોળી અને ધુળેટીના પર્વ નિમિત્તે હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાતું હોય છે. પરંતુ આ વર્ષે પદાધિકારીઓ દ્વારા હાસ્ય કવિ સંમેલન યોજવા માટેની કોઈ જ સૂચના આપવામાં ન આવતા અધિકારીઓએ પણ રસ લીધો ન હતો. જેના કારણે વર્ષો બાદ રાજકોટમાં આ વર્ષે હોળીના તહેવારમાં કોર્પોરેશન દ્વારા હિન્દી હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું નથી.
આશરે બે દાયકા પૂર્વે હોળીના તહેવારમાં હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શરૂઆતના વર્ષોમાં આ કાર્યક્રમ ખૂબ જ સુપરહિટ રહેતો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા હતા. પરંતુ છેલ્લા પાંચ-સાત વર્ષથી સીનારિયો જાણે બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં માત્ર બેથી ત્રણ હજાર લોકો જ આવે છે.
યુવાધન આ કાર્યક્રમમાં બહુ સામેલ થતો હોતો નથી. અંદાજે ૨૫ થી ૩૦ લાખનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં આ કાર્યક્રમને જેટલી જોઈએ એટલી સફળતા મળતી નથી.ગત વર્ષે તો હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં માત્ર ૧૨૦૦ થી ૧,૫૦૦ લોકો જ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા ઘણા દિવસોથી કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જંગલેશ્વર ડિમોલિશનની જવાબદારીમાં વ્યસ્ત છે. બીજી તરફ પદાધિકારીઓ દ્વારા પણ હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજવા માટેની તૈયારી અંગે કોઈ જ સુચના આપવામાં આવી ન હતી.
અધિકારીઓ દ્વારા પણ રસ લેવામાં ન આવતા હવે આ વર્ષે હોળી ધૂળેટીના તહેવારમાં હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે નહીં તે ફાઇનલ થઈ ગયું છે.
દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ધારી મેદની ઉપસ્થિત રહેતી નથી. જેના કારણે હવે કોર્પોરેશનના સમાજ કલ્યાણ વિભાગે એવું નક્કી કર્યું છે કે હવેથી હોળી ધુળેટીના તહેવારમાં હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજવામાં આવશે નહીં. આમ પણ કોર્પોરેશનની તિજોરી હાલ ડચકા ખાઈ રહી છે આવામાં હાસ્ય કવિ સંમેલન ન યોજવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
(3:36 PM IST)










