<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

છાણાના ગંજ ગોઠવાયા, સાંજે હોળી દહન : બુધવારે રંગ પર્વ ધુળેટી

ફાગણની ફોરમ વચ્‍ચે આનંદના અબીલ ગુલાલ : સાંજે હોળી દહનની પુરજોશથી તૈયારી : બુધવારે રંગે રમવા ઘેરૈયાઓ સજજ : મંદિરોમાં ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે

 

રાજકોટ તા. ૨ : આજે બપોર બાદ ફાગણ સુદ પૂનમ ગણાશે. સાંજે પ.૫૬મીનીટથી પૂનમનો ભાગ શરૂ થાય છે. એટલે રાત્રે તમામ સ્‍થળોએ હોળી પર્વ મનાવાશે. જયારે આવતીકાલે ચંદ્રગ્રહણનો ભાગ છે. એટલે ધૂળેટી પર્વ બુધવારે મનાવાશે.

હોળી પર્વને લઇને ઘેરૈયાઓ ઉમંગમાં છે. છાણા એકત્ર કરી વિવિધ વિસ્‍તારોમાં મુખ્‍ય ચોકમાં હોળી દહનના આયોજનો કરવામાં આવ્‍યા છે. કયાંક ફુલો અને રંગોનો શણગાર પણ કરવામાં આવ્‍યો છે. સાંજે નિયત સમયે હોળી પ્રાગટય કરી લોકો પ્રદક્ષિણા કરશે અને શુભ શુકનરૂપે તેમાં ખજુર, ધાણી, દાળીયા અને કપુરનો હોમ કરશે.

હોળી એ દૈત્‍ય શક્‍તિ પર દૈવી શક્‍તિના વિજયનું પર્વ છે. પ્રહલાદ અને હોલીકાની કથા સૌ જાણે જ છે. ધર્મ અને સત્‍યની જીતને વધાવવા લોકો આ ઉત્‍સવ ઉજવે છે. હોળીના બીજા દિવસે રંગ પર્વ ધૂળેટી મનાવવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણ હોય કાલે વિરામ લઇ બુધવારે ધૂળેટી મનાવાશે. લોકો રંગે રમીને ધુળેટીનો આનંદ લુંટશે અને મંદિરોમાં ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે.

શહેરભરમાં હોળી-ધુળેટીની તૈયારીઓ થઇ ચુકી છે. વિવિધ સ્‍થળે થયેલ આયોજનોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

રતનપર રામ મંદિર

રતનપર શ્રીરામચરિત માનસ મંદિરે તા.૪ ના બુધવારે ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે.  વહેલી સવારે ગીતા મંદિર જંકશન પ્‍લોટથી પદયાત્રા રતનપર આવશે અને અહીં ભક્‍તિભાવથી ફુલડોલ ઉત્‍સવ મનાવાશે. પદયાત્રીઓ હાથમાં લઇ આવેલ તમામ ધ્‍વજાજીઓ ઠાકોરજીને ચડાવવામાં આવશે. વિશેષ પૂજન આરતી થશે અને બપોરે ભાવિકો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા પણ રાખેલ હોવાનું સીયારામ મંડળીની યાદીમાં જણાવાયુ છે.

હરે કૃણ મંદિર

રાજશૃંગાર પાર્ટી પ્‍લોટ, નાના મવા, ૧૫૦ ફુટ રીંગ રોડ, ચંદ્રપાર્ક ખાતે આવેલ હરે કૃષ્‍ણ મંદિરે કાલે તા. ૩ ના સાંજે ૬.૩૦ વાગ્‍યાથી ૯ વાગ્‍યા સુધી ફુલોની હોળી ખેલાશે. સંકીર્તન, અભિષેક, સત્‍સંગ, આરતી અને બાદમાં મહાપ્રસાદ રાખેલ છે.

શિવસંગમ સોસાયટી

સ્‍વસ્‍તિક ગ્રુપ દ્વારા શિવસંગમ સોસાયટી ખાતે ફરતી હોળીનું આયોજન કરાયુ છે. ૨૦ હજાર છાણાની ગોઠવણી કરાશે. સાંજે ૭ વાગ્‍યે દહન થશે. બાળકો માટે રાઇડસ તેમજ ગીત સંગીતના કાર્યક્રમો પણ રાખેલ છે. અદ્દભુત ડેકોરેશન કરાયુ છે.

તુલશેશ્વર યુવા ગ્રુપ

વોર્ડ નં. ૯, રૈયા ટેલીફોન એકસચેન્‍જ પાસે, રોઝરી સ્‍કુલ સામેના મેદાનમાં તલશેશ્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા ૫૧૦૦ છાણાની હોળી ગોઠવવામાં આવી છે. આસપાસની સોસાયટીના લોકોની ઉપસ્‍થિતિમાં સાંજે હોળી પ્રાગટય કરાશે.

કોઠારીયા કોલોની

કોઠારીયા કોલોની ગરબી ચોક ગ્રુપ દ્વારા સતત ૬૫માં વર્ષે હોલિકા દહનનું આયોજન કરાયુ છે. આજે રાત્રે ૯ વાગ્‍યે હોળી પ્રગટાવાશે. નવ હજાર છાણાની કલાત્‍મક ગોઠવણી કરી રંગોનો શણગાર કરાયો છે. ધર્મપ્રેમીજનોએ હોળી દર્શનનો લાભ લેવા કોઠારીયા કોલોની ગરબી ચોક ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે. (૧૬.૪)

(2:49 PM IST)