<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

રાજકોટ વોર્ડ નં. ૭માં આદિજાતિ બેઠક આવતા સમીકરણો બદલાયા : નેહલ શુક્‍લ અને દેવાંગ માકડ માટે કપરા ચઢાણ?

ગ્રાન્‍ટના વપરાશ મુદ્દે જનતામાં ભારે રોષ : વોર્ડ નં. ૭માં નવા રોસ્‍ટરે રાજકીય ગરમાવો વધાર્યો

રાજકોટ : સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓના આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપ માટે બેઠકોની વહેંચણી અને ઉમેદવારોની પસંદગી અત્‍યંત જાટિલ બની રહી છે. રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા નવા રોસ્‍ટર મુજબ વોર્ડ નંબર ૭માં આદિજાતિ (એસ.ટી.) બેઠક અનામત રાખવામાં આવતા પ્રવર્તમાન નગરસેવકો નેહલ શુક્‍લ અને દેવાંગ માંકડની રાજકીય મુશ્‍કેલીઓમાં વધારો થયો છે. જ્ઞાતિના સમીકરણો અને લોબિગ વચ્‍ચે પક્ષ માટે આ બેઠક પર ઉમેદવાર નક્કી કરવા લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.

વોર્ડ નંબર ૭નું નવું રોસ્‍ટર ગણિતઃ નવા જાહેર થયેલા રોસ્‍ટર મુજબ વોર્ડ નંબર ૭ની ચાર બેઠકોની સ્‍થિતિ નીચે મુજબ છે.

* પ્રથમ બેઠક : પછાત વર્ગ (ઓ.બી.સી.) મહિલા અનામત

* બીજી બેઠક : સામાન્‍ય મહિલા અનામત

* ત્રીજી બેઠક : આદિજાતિ (એસ.ટી.)

* ચોથી બેઠક : સામાન્‍ય (જનરલ)

આ બદલાયેલા સંજોગોમાં વર્તમાન નગરસેવકો પૈકી કોઈ એકને જ તક મળી શકે તેવી સ્‍થિતિ ઉભી થઈ છે. બીજી તરફ, મહિલા નગરસેવકોની પસંદગી પણ વડીલો માટે ચિતાજનક બનશે. રાજકીય તજજ્ઞોના મતે, આ વોર્ડમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્‍વ નહિવત છે અને જનતાનો તેમના પર ભરોસો ઓછો હોવાનું જણાય છે.

જનતાની અપેક્ષા : માત્ર બાકડા નહીં, વિકાસ જોઈએઃ વોર્ડ નંબર ૭ના રહેવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્‍થાનિકોનું માનવું છે કે નગરસેવક માત્ર ખુરશી સંભાળવા માટે નહીં, પરંતુ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે હોવો જોઈએ. ગ્રાન્‍ટનો ઉપયોગ માત્ર બાકડા નાખવા માટે કરવાને બદલે વિસ્‍તારના સર્વાંગી વિકાસ માટે થવો જરૂરી છે.

લોકોની માગ છે કે નગરસેવક રોજ ઓછામાં ઓછી બે કલાક વોર્ડમાં ફાળવે જેથી સ્‍થાનિક પ્રશ્નોનું ત્‍વરિત નિરાકરણ આવી શકે.

ખાસ કરીને વધતા ચોરીના બનાવોને રોકવા સી.સી.ટી.વી. કેમેરા જેવી સુરક્ષા સુવિધાઓની તાતી જરૂરિયાત છે.

નગરસેવકોનો પ્રજા સાથેનો સંપર્ક કાયમી રહેવો જોઈએ વોર્ડ નંબર ૭ના જાગૃત નાગરિકો અને રાજકીય વિશ્‍લેષકોનું કહેવું છે કે પક્ષ જે રીતે બુથ લેવલનું આયોજન કરે છે, તે જ રીતે લોકોની સમસ્‍યાઓનું નિવારણ લાવવા માટે પણ નક્કર પ્‍લાનિગ કરવું જોઈએ.

(3:55 PM IST)