<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

રાજકોટ વોર્ડ નં. ૬માં ભાજપ ‘નો-રિપીટ' થિયરી અપનાવે તેવી પ્રબળ શક્‍યતા ?

નગર સેવકોની નિષ્‍ક્રિયતા ? વોર્ડ નંબર ૬માં ‘આપ'નું વધતું જોર કોંગ્રેસ માટે પડકાર : સંત કબીર રોડ વિસ્‍તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

રાજકોટ, તા. ૨૮ : મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજકોટના ૧૮ વોર્ડમાં સ્‍થાનિક પ્રશ્નો અને અધૂરા વાયદાઓને કારણે મતદારોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સત્તાધારી પક્ષ માટે ઉમેદવારોની પસંદગી કરવી એ આ વખતે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ શકે તેમ છે.

રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા નવા રોસ્‍ટર અને વર્તમાન નગરસેવકોની નબળી કામગીરીને જોતા અનેક વોર્ડમાં નવા ચહેરાઓને તક મળે તેવી શક્‍યતા છે.

વોર્ડ નં. ૬માં હાલના કોર્પોરેટરો શ્રીમતી દેવુબેન મનસુખભાઈ જાદવ, શ્રીમતી મંજુબેન ઘનશ્‍યામભાઈ કુગશીયા, પરેશભાઈ પીપળીયા અને ભાવેશભાઈ દેથરીયા છે.

બક્ષીપંચની વાત કરીએ તો આ વોર્ડમાં પ્રથમ ક્રમે કોળી, પ્રજાપતિ, આહિરનો સમાવેશ થાય છે. પરંતું પક્ષ બે ટર્મની પોલીસી બનાવે તો આ વખતે ભાવેશ દેથરીયા અને ગત ટર્મમાં તેમના પત્‍ની હેતલબેન દેથરીયા ચૂંટણી લડયા હતા, પરંતુ શહેર ભાજપના મહામંત્રી પ્રજાપતિ સમાજમાંથી આવતા હોવાથી પ્રજાપતિ અને બક્ષીપંચ મોરચાના મહામંત્ર પણ પ્રજાપતિ સમાજમાંથી આવતા હોય પ્રજાપતિનું સમીકરણ બેસાડવું અઘરૂ છે.

આ ઉપરાંત હાલના શહેર ભાજપણ ઉપપ્રમુખ ગેલાભાલઇ રબારી તેમજ તેમના પત્‍ની પણ ભુતકાળમાં ચૂંટણી લડી ચૂક્‍યા છે. એટલે માલધારી સમાજમાંથી પુરુષ અને કોળી સમાજની મહિલા, ૧ પટેલ અને ૧ દલિતને ટિકિટ મળે તેવી સંભાવના જોવાઇ રહી છે.

રાજકીય વિશ્‍લેષકોના મતે ભાજપનું બુથ લેવલનું આયોજન હંમેશા મજબૂત હોય છે, પરંતુ આ વખતે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલા વાયદાઓ પૂર્ણ ન થતા લોકોમાં ભારે અસંતોષ છે. વોર્ડ નંબર ૬ની સ્‍થિતિ પર નજર કરીએ તો, અહીંના નગરસેવકો દ્વારા પ્રજાલક્ષી નક્કર કામો કરવામાં આવ્‍યા ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્‍યું છે. આ સંજોગોમાં પક્ષ આ વોર્ડમાં તમામ જૂના ચહેરાઓને બદલીને 'નો-રિપીટ' ફોર્મ્‍યુલા અમલમાં મૂકે તેવી પૂરેપૂરી શક્‍યતા ચર્ચાઈ રહી છે.

નવું રોસ્‍ટર અને જ્ઞાતિ સમીકરણોઃ વોર્ડ નંબર ૬માં રોસ્‍ટર મુજબ બેઠકોની ફાળવણી નીચે મુજબ કરવામાં આવી છે.

*પ્રથમ બેઠક : અનુસૂચિત જાતિ (મહિલા અનામત)

* બીજી બેઠક : સામાન્‍ય મહિલા

* ત્રીજી બેઠક : પછાત વર્ગ (ઓ.બી.સી.)

* ચોથી બેઠક : સામાન્‍ય (જનરલ)

સુવિધાઓનો અભાવ અને વિરોધ પક્ષોની સ્‍થિતિ

સંત કબીર રોડ અને તેની આસપાસના વિસ્‍તારોમાં રસ્‍તાઓની હાલત અત્‍યંત બિસ્‍માર છે. આંગણવાડી અને સ્‍ટ્રીટ લાઈટ જેવા પાયાના પ્રશ્નો માટે સ્‍થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં મોટાભાગે નગરસેવકોની નિષ્‍ક્રિયતાને કારણે કોઈ ઉકેલ આવ્‍યો નથી.

બીજી તરફ, વોર્ડ નંબર ૬માં આમ આદમી પાર્ટી સક્રિય થતા કોંગ્રેસના મતોમાં ગાબડું પડે તેવી ભીતિ સેવાઈ રહી છે, જે ભાજપને અનાયાસે ફાયદાકારક છે. ભાજપ પાસે શિસ્‍તબદ્ધ કાર્યકરોનું બળ છે, જ્‍યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે જનતાનો વિશ્વાસ જીતી શકે તેવા કદાવર સ્‍થાનિક નેતાઓની ખોટ વર્તાઈ રહી છે.

વોર્ડ નંબર ૬ અત્‍યંત સંવેદનશીલ હોવાની સાથે ત્‍યાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવામાં પણ વર્તમાન સત્તાધીશો નિષ્‍ફળ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ આ અસંતોષને ખાળવા માટે કેવા મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારે છે.

(3:58 PM IST)