<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ભાજપના સ્‍થાપનાકાળના આદર્શો અને વર્તમાન સ્‍થિતિ અંગે કાર્યકરોમાં ઉઠતો ભારે અસંતોષ

અથવા જૂના અને નિષ્‍ઠાવાન કાર્યકરોની ઉપેક્ષા તથા પક્ષના બદલાતા સ્‍વરૂપ અંગે ગંભીર સવાલો

રાજકોટ, તા. ૨ : ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્‍થર સમાન ગણાતા આદર્શો અને વર્તમાન કાર્યપદ્ધતિ વચ્‍ચે સર્જાયેલા અંતરને લઈને પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચા જાગી છે. રાષ્ટ્રવાદની વિચારધારા સાથે સિચાયેલો આ પક્ષ આજે તકવાદી અને જૂથવાદ જેવી પરિસ્‍થિતિઓનો સામનો કરી રહ્યો હોય તેવું જણાય છે.

‘કોંગ્રેસ મુક્‍ત ભારત'ના સંકલ્‍પ સાથે શરૂ થયેલી સફર આજે પક્ષમાં મોટી સંખ્‍યામાં અન્‍ય પક્ષોમાંથી આવેલા નેતાઓના કારણે 'કોંગ્રેસ યુક્‍ત ભાજપ' બની રહી હોવાની લાગણી દૂભાયેલા કાર્યકરો વ્‍યક્‍ત કરી રહ્યા છે.

ભૂતકાળનો સંઘર્ષ અને સ્‍થાપકોનું યોગદાન

વર્ષ ૧૯૮૦માં પંચનિષ્ઠા અને એકાત્‍મ માનવવાદના વિચારો સાથે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્‍ણ અડવાણી જેવા દિગ્‍ગજ નેતાઓએ ભાજપની સ્‍થાપના કરી હતી. ગુજરાતમાં પક્ષને વટવૃક્ષ બનાવવા માટે કેશુભાઈ પટેલ, શંકરસિહ વાઘેલા, ચીમનભાઈ શુક્‍લ, અનંતભાઈ દવે, એ.કે. પટેલ, કાશીરામ રાણા અને સૂર્યકાંતભાઈ આચાર્ય જેવા અનેક નિષ્ઠાવાન નેતાઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. રાજકોટમાં જનકભાઈ કોટક, જીતુભાઈ શાહ અને કાંતિભાઈ વૈદ્ય જેવા કાર્યકરોએ પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો હતો.

વર્તમાન સ્‍થિતિ અને

કાર્યકરોની ઉપેક્ષા

આજે પક્ષમાં એવો મત પ્રવર્તી રહ્યો છે કે પચાસ હજારથી વધુ સત્તાલાલચુ અન્‍ય પક્ષના લોકો ભાજપનો ખેસ પહેરીને નેતૃત્‍વ કરી રહ્યા છે, જ્‍યારે પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરો આજે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તાજેતરમાં જીતુભાઈ શાહ, રમેશભાઈ દોમડીયા અને મનુભાઈ જોબનપુત્રા જેવા સમર્પિત કાર્યકરોની વિદાય વેળાએ પક્ષના વર્તમાન હોદ્દેદારો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા છે. જૂના કાર્યકરોની સુખ-દુઃખમાં પૃચ્‍છા કરવાનો સમય પણ વર્તમાન નેતાઓ પાસે નથી, જે પક્ષના ‘કોંગ્રેસીકરણ' તરફ ઈશારો કરે છે.

વહીવટી અને સામાજિક પ્રશ્નો

રાજકોટના સ્‍થાનીય પ્રશ્નો અંગે પણ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્‍લા બે વર્ષમાં શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ, નશીલા પદાર્થોનું વેચાણ અને અનૈતિક પ્રવૃત્તિઓમાં થયેલો વધારો ચિતાનો વિષય બન્‍યો છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને સામાન્‍ય જનતા પર ઝીંકવામાં આવતા વેરાના બોજ સામે મધ્‍યમ વર્ગમાં ત્રાહિમામ પોકારી ઉઠ્‍યો છે.

તાજેતરના બજેટમાં પણ ગરીબ કે મધ્‍યમ વર્ગની જરૂરિયાતોને બદલે માત્ર મોટા આંકડાઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને કેન્‍દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્‍યું હોવાની ટીકા થઈ રહી છે. અંત્‍યોદયની વાત કરતો પક્ષ આજે જાણે માત્ર કોર્પોરેટ સંસ્‍કૃતિ તરફ વળી રહ્યો હોય તેમ જણાય છે.

(11:34 AM IST)