<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મનપા ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ સજ્જ : દરેક વોર્ડમાં ચાર પ્રમુખોની નિમણૂંક સાથે નવો વ્‍યૂહ

બુથ લેવલે સક્રિયતા વધારવા કોંગ્રેસનો માસ્‍ટર પ્‍લાન : મોટી સભાઓના બદલે ક્‍લસ્‍ટર મીટિંગ પર ભાર

રાજકોટ : રાજકીય ફલક પર હંમેશા ભાજપનું વર્ચસ્‍વ જોવા મળતું હોય છે, જેની પાછળનું મુખ્‍ય પરિબળ તેમની બુથ લેવલની સક્રિયતા માનવામાં આવે છે. ત્‍યારે હવે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાના બુથ લેવલના કાર્યકરોને વધુ વેગવંત બનાવવા કમર કસી રહ્યા છે. મનપાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્‍યારે કોંગ્રેસે આ વખતે ભાજપને હંફાવવા માટે એક નવી અને આક્રમક રણનીતિ તૈયાર કરી છે.

જાણકારોનું માનવું છે કે જો આ રણનીતિનો ચુસ્‍ત અમલ થશે, તો કોંગ્રેસને ચોક્કસપણે મોટો ફાયદો થઈ શકે તેમ છે.

અત્‍યાર સુધીની ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપની ગતિ સામે ટકી શકતા ન હોવાથી પરાજયનો સામનો કરવો પડતો હતો. પરંતુ આ વખતે કોંગ્રેસના આંતરિક સૂત્રો મુજબ પક્ષ દ્વારા પાયાના સ્‍તરે મોટા ફેરફારો કરવામાં આવ્‍યા છે.

વોર્ડ સ્‍તરે નવું માળખું અને જવાબદારીઓઃ કોંગ્રેસ દ્વારા દરેક વોર્ડને ચાર હિસ્‍સામાં વહેંચી દેવામાં આવ્‍યો છે અને આ ચારેય ભાગમાં અલગ-અલગ ચાર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ ચારેય પ્રમુખોએ સીધું રિપોર્ટિગ વોર્ડ પ્રમુખને કરવાનું રહેશે. આ ઉપરાંત

જ્જ દરેક મતદાન કેન્‍દ્ર દીઠ એક પ્રમુખની વરણી કરવામાં આવી છે, કારણ કે એક કેન્‍દ્ર હેઠળ આશરે પાંચથી છ બુથ આવતા હોય છે.

જ્જ દરેક વ્‍યક્‍તિગત બુથ માટે પણ અલગ પ્રમુખની નિમણૂક કરાઈ છે, જેમનું સીધું મોનિટરિગ પ્રદેશ કક્ષાએથી કરવામાં આવશે.

જ્જ બુથ પ્રમુખોને સતત જનસંપર્કમાં રહેવાની સૂચના અપાઈ છે અને તેમની જવાબદારીઓ પણ સ્‍પષ્ટપણે નક્કી (ફિક્‍સ) કરી દેવામાં આવી છે.

પ્રચાર પદ્ધતિમાં મોટો ફેરફાર : પહેલા કોંગ્રેસ દ્વારા વોર્ડમાં માત્ર એક કે બે મોટી સભાઓ કરીને સંતોષ માની લેવામાં આવતો હતો, પરંતુ હવે રણનીતિ બદલાઈ છે. હવે મોટી સભાઓની સાથે-સાથે નાના-નાના જૂથોને સાંકળીને ‘ક્‍લસ્‍ટર મીટિગ'નું આયોજન કરવામાં આવશે. આનાથી વોર્ડના એકલ-દોકલ વિસ્‍તારોને બદલે મહત્તમ વિસ્‍તારોને આવરી લેવાશે અને લોકોના પાયાના પ્રશ્નોને યોગ્‍ય વાંચા આપી શકાશે. મતદારોને મતદાન મથક સુધી લાવવા પર ભારઃ ભૂતકાળમાં કાર્યકરોની નિષ્‍ક્રિયતા હારનું મોટું કારણ બની હતી, જેને દૂર કરવા માટે આ વખતે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્‍વ સીધું જ મેદાનમાં ઉતર્યું છે. નેતૃત્‍વ દ્વારા તમામ પ્રમુખો અને આગેવાનો સાથે સીધો સંપર્ક સાધીને તેમની કામગીરીમાં આવતા અવરોધોને દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.

ખાસ કરીને કોંગી મતદારોમાં જાગૃતિ લાવવા અને તેમને મતદાન મથક સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રયત્‍નો હાથ ધરવામાં આવશે. અગાઉના સમયમાં ન જેવી સરસાઈથી થતી હારને ટાળવા માટે શરૂઆતથી જ મતદારોને પ્રેરિત કરવાની જવાબદારી બુથ લેવલની ટીમને સોંપાઈ છે. પ્રદેશ કક્ષાએથી પણ દરેક કાર્યકરની કામગીરીની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જેથી આ વખતે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવીને ચૂંટણી મેદાનમાં ઉતરશે તેવું સ્‍પષ્ટ દેખાઈ રહ્યું છે.

(11:36 AM IST)