<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

પંચાયત ચોકમાં કૈલાસ ફરસાણ એન્‍ડ સ્‍વીટ્‍સમાં મધરાતે આગ લાગતાં આખી દૂકાન બળી ગઇ

શોર્ટ સરકિટ કારણભુતઃ દુકાન માલિક રજનીકાંત સગાણીના કહેવા મુજબ પાંચેક લાખની નુકસાની

ફરસાણની દુકાનમાં મધરાતે આગ ભભૂકતા ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી તેના દ્રશ્‍યો જોઇ શકાય છે (તસ્‍વીઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૩: આગની વધુ એક ઘટના રાતે બની હતી. યુનિવર્સિટી રોડ પંચાયત ચોકમાં આવેલી ફરસાણની દુકાનમાં આગ ભભૂકતા ફાયર બ્રિગેડની ટીમે પહોંચી આગ કાબુમાં લીધી હતી. જો કે આગમાં આખી દુકાન સળગી જતાં લાખોનું નુકસાન થયું હતું. રાતે સવા ત્રણેક વાગ્‍યે આ બનાવ બન્‍યો હતો. વિજ શોર્ટ સરકિટને કારણે આગ લાગ્‍યાનું દુકાનના માલિકે જણાવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ પંચાયત ચોકમાં આવેલી કૈલાસ ફરસાણ એન્‍ડ સ્‍વીટ્‍સ નામની દૂકાનમાં રાતે સવા ત્રણેક વાગ્‍યે આગ ભભૂકતાં રજનીકાંતભાઇ પ્રવિણચંદ્રભાઇ સગાણીએ જાણ કરતાં ફાયર બ્રિગેડના તેજસભાઇ, અનિલભાઇ, નવજીતસિંહ, જીગરદાન, રાજેશભાઇ લાલજીભાઇ સહિતે પહોંચી આગ કાબુમાં લીધી હતી. જો કે એ પહેલા મોટી નુકસાની થઇ ચુકી હતી. ત્રીસથી છત્રીસ મિનીટની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

આગ વખતે દુકાનમાં ત્રણ એલપીજી ગેસના સિલીન્‍ડર હતાં જે સમયરસર બહાર કાઢી લેવાયા હતાં. બે માળની આ દૂકાનમાં આગને કારણે ઇલેક્‍ટ્રીક વાયરીંગ, કોમ્‍પ્‍યુટર, દુકાનનો તમામ સામાન બળી ગયા હતાં. દુકાન માલિકના કહેવા મુજબ અંદાજે ચારથી પાંચ લાખની નુકસાની થઇ છે. આગ શોર્ટ સરકિટથી લાગી હતી. કોઇ જાનહાની થઇ નથી. 

(2:03 PM IST)