<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મિત્રની માથાકુટમાં વચ્‍ચે પડતાં થયેલા ખૂની હુમલામાં ઘાયલ હૈદર અંસારીનું મોતઃ બનાવ હત્‍યામાં પલ્‍ટાયો

કોઠારીયા સોલવન્‍ટ ગુલાબનગરમાં કેજીએન ચીકન નામની દૂકાને પાંચ દિવસ પહેલા હત્‍યાની કોશિષની ઘટના બની હતી : ૨૬મીએ મૃતક હૈદરના ભાઇ ફૈઝાનનો મિત્ર આશીફ આરોપી રાહુલનું બાઇક લઇ ગોંડલ નમાઝ પઢવા ગયો હોઇ ત્‍યાંથી પરત આવવામાં મોડુ થતાં રાહુલ પરેશા, તેના બે ભાઇઓ મહેશ, હરેશ અને ઇમરાને હુમલો કર્યો હતોઃ યુવાન દિકરાની હત્‍યાથી પરિવારમાં માતમ : આજીડેમ પોલીસે બનાવને દિવસે જ મુખ્‍ય આરોપી હરેશ, ઇમરાન, મહેશને પકડી લીધા હતાં: રાહુલની શોધખોળ

રાજકોટ તા. ૩: શહેરના કોઠારીયા સોલવન્‍ટ ગુલાબનગરમાં કેજીએન ચીકન નામે નોનવેજની દૂકાન ચલાવતાં બરકતીનગરના હૈદર ઇસ્‍માઇલભાઇ અંસારી (ઉ.વ.૨૩) નામના યુવાન પર ૨૬મીએ ગુલાબનગરના ત્રણ સગા ભાઇઓ સહિત ચાર જણાએ હુમલો કરી ધોકાથી ગંભીર ઇજા પહોંચાડતાં આજીડેમ પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતો. સારવારમાં હૈદરનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. હૈદર અને તેના ભાઇ ફૈઝાનનો મિત્ર આશીફ આરોપીઓ પેૈકીના હરેશનું બાઇક લઇ રમઝાન માસ નિમીતે ગોંડલ નમાઝ પઢવા ગયો હોઇ ટ્રાકિફને કારણે પાછુ આવવામાં મોડુ થતાં રાહુલ સહિતનાએ આશીફ સાથે ઝઘડો કર્યો હતો. આ વખતે હૈદર અને તેનો ભાઇ ફૈઝાન વચ્‍ચે પડતાં હૈદરને ગંભીર ઇજા પહોંચાડાઇ હતી. જે જીવલેણ નીવડી છે.

આ બનાવમાં આજીડેક પોલીસે કોઠારીયા સોલવન્‍ટ બરકતીનગર શેરી નં. ૧૧માં બાલાજી એપાર્ટમેન્‍ટવાળી શેરીમાં રહેતાં ફૈઝાન ઇસ્‍માઇલભાઇ અંસારી (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી હરેશ મનુભાઇ પરેશા (ગુલાબનગર-૧૪), મહેશ મનુભાઇ પરેશા (ગુલાબનગર-૧૪), ઇમરાન હાસમભાઇ કાદરી (પંચશીલ સોસાયટી ગોંડલ રોડ), તથા રાહુલ મનુભાઇ પરેશા (ગુલાબનગર) સામે ગુનો નોંધી રાહુલ સિવાયના ત્રણેયને પકડી લીધા હતાં. રાહુલ હજુ ફરાર હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

ફૈઝાને ફરિયાદમાં જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મારા મોટા ભાઇ હૈદરભાઇ ગુલાબનગર-૨ કોઠારીયા સોલવન્‍ટ ખાતે કેજીએન ચીકન નામે નોનવેજની દુકાન ચલાવે છે. ૨૬/૨ના સાંજે આઠેક વાગ્‍યે હું અને મારો ભાઇ હૈદર તથા મિત્ર આશીફ એમ ત્રણેય અમારી દુકાને હતાં ત્‍યારે રાહુલ, ઇમરાન આવ્‍યા હતાં અને મારા મિત્ર આશીફને કહેવા લાગેલા કે પરમ દિવસે તું મોટરસાઇકલ લઇ ગયો ત્‍યારે મોડુ કેમ પાછુ આપ્‍યું? તેમ કહી આશીફને ગાળો દેવા માંડયા હતાં. આશીફ રમઝાન મહિનો ચાલતો હોઇ રાહુલનું બાઇક લઇને ગોંડલ નમાઝ પઢવા ગયો હતો. ત્‍યાંથી પરત આવતી વખતે ટ્રાફિકને કારણે મોડુ થઇ ગયું હોઇ આ તકરાર થઇ હતી.

દરયિમાન અમારા મિત્ર આશીફ સાથે ઝઘડો થતો હોઇ હું અને મારો ભાઇ હૈદર વચ્‍ચે પડયા હતાં અને રાહુલ, ઇમરાનને માથાકુટ નહિ કરવા સમજાવ્‍યા હતાં. આથી બંને જતાં રહ્યા બાદ ઇમરાન છરી લઇને આવ્‍યો હતો અને આશીફને મારવાની ધમકી આપી હતી. આથી અમે બંને ભાઇઓ ઇમરાનને પકડીને સમજાવતાં હતાં. ત્‍યાં રાહુલના બીજા બે ભાઇ મહેશ, હરેશ ધોકા લઇને આવી ગયા હતાં અને ગાળાગાળી ચાલુક રી હતી. ત્‍યાં મારા પિતા પણ આવી ગયા હતાં. આ વખતે હરેશે મને માથામાં ફડાકો મારી દીધો હતો અને મહેશ, રાહુલે મારા ભાઇ હૈદરને ધોકાના ઘા માર્યા હતાં.  મારા પિતા વચ્‍ચે પડતચાં  તેને પણ મારકુટ કરી હતી.

આ દરમિયાન હરેશે મારા ભાઇ હૈદરને ધોકાના ઘા મારતાં જમણા કાન ઉપર માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તે ચક્કર ખાઇ પડી ગયો હતો. માણસો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. મારા ભાઇ હૈદરને બેભાન હાલતમાં અમે હોસ્‍પિટલમાં ખસેડયો હતો. ત્‍યાં તબિબે રિપોર્ટ કરતાં ખોપરીમાં મલ્‍ટીપલ ફ્રેકચર હોવાનું ખુલ્‍યું હતું. મારા ભાઇને મારી નાંખવાના ઇરાદે હુમલો થયો હતો. તેમ વધુમાં ફૈઝાને કહેતાં પીઆઇ એ. બી. જાડેજા, લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા સહિતે હત્‍યાની કોશિષનો ગુનો નોંધી ત્રણ આરોપી મહેશ, ઇમરાન, હરેશને પકડી લીધા હતાં. આ ત્રણેય જેલમાં છે. રાહુલ હજુ ફરાર છે. સારવારમાં ગત રાતે હૈદરે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. રમઝાન મહિનામાં જ યુવાન આશાસ્‍પદ દિકરાની હત્‍યાથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હત્‍યાનો ભોગ બનનાર હૈદર બે ભાઇમાં મોટો હતો. તેને સંતાનમાં બે મહિનાની પુત્રી અને દોઢ વર્ષનો પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે

(2:04 PM IST)