<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

બિન-શૈક્ષણીક ભરતી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા NSUIની માંગઃ આંદોલનની ચીમકી

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી-ગુજરાત યુનિવર્સીટીમાં

રાજકોટ, તા. ૩: ગુજરાત પ્રદેશ NSUI હંમેશા વિદ્યાર્થીઓના હિત અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે કાર્યરત છે. હાલમાં જ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી બિન-શૈક્ષણિક સ્‍ટાફની ભરતી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ તરફથી ગંભીર ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીએ એક યાદીમાં જણાવ્‍યું છે કે યુનિવર્સિટી દ્વારા વિવિધ વર્ગ-૩ની જગ્‍યાઓ માટેની ‘પરીક્ષા-A' તારીખ ૧૫ માર્ચ ૨૦૨૬ (રવિવાર) ના  નિર્ધારિત કરવામાં આવી છે. તે જ દિવસે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ સિનિયર ક્‍લાર્ક અને જુનિયર ક્‍લાર્ક જેવી જગ્‍યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં હજારોની સંખ્‍યામાં એવા ઉમેદવારો છે જેમણે બંને યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા છે. રાજકોટ અને અમદાવાદ વચ્‍ચેના અંતરને જોતા એક જ દિવસે બંને શહેરોમાં પહોંચીને પરીક્ષા આપવી ઉમેદવારો માટે અશકય છે. વિદ્યાર્થીઓ લાંબા સમયથી સરકારી અને અર્ધ-સરકારી ભરતીઓની રાહ જોતા હોય છે. આ પ્રકારના અસમંજસભર્યા આયોજનને કારણે વિદ્યાર્થીઓને કોઈપણ એક પરીક્ષાની તક જતી કરવી પડશે, જે તેમની મહેનત અને આશા પર પાણી ફેરવવા સમાન છે. વિદ્યાર્થીઓના વ્‍યાપક હિતને ધ્‍યાનમાં રાખીને, ગુજરાત પ્રદેશ NSUI ની અપીલ છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનારી ૧૫ માર્ચ ૨૦૨૬ ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે અથવા અન્‍ય કોઈ યોગ્‍ય વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવે, જેથી ગુજરાતના કોઈ પણ હોનહાર ઉમેદવારે તક ગુમાવવી ન પડે.

જો આ બાબતે સત્‍વરે હકારાત્‍મક નિર્ણય લેવામાં નહીં આવે, તો વિદ્યાર્થીઓના ન્‍યાય માટે NSUI દ્વારા ગાંધી ચીંધ્‍યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેમ એક યાદીમાં ગુજરાત NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીએ જણાવ્‍યું છે.

(2:55 PM IST)