<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

રાજકોટમાં કોંગ્રેસનો નગારે ઘાઃ જોરશોરથી સક્રિય

ગુરૂ-શુક્રવારે ચૂંટણી લડવા ઇચ્‍છુકોનો મેળોઃ પુરી તાકાતથી લોકપ્રશ્નો ઉઠાવશેઃ ભાજપનું કુશાસન સહય નથીઃ રાજદીપસિંહ સહિતના આગેવાનોની પ્રેસ કોન્‍ફરન્‍સમાં ઘોષણા

પત્રકાર પરિષદમાં કોંગ્રેસના તેનાઓ રાજદીપસિંહ જાડેજા, વશરામભાઇ સાગઠિયા, મહેશભાઇ રાજપૂત, ડો. હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી વગેરે નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)(૬.૧૮)

રાજકોટ, તા. ૩: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.

આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્‍યો છે. ચૂંટણી લડવા ઇચ્‍છુક ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ સ્‍વીકારવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે, જેના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને મજબૂત રણનીતિ સાથે કોંગ્રેસ પક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરશે. ચૂંટણી લડવા ઇચ્‍છુક દરેક ઉમેદવારને ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે અને તમામ ઉમેદવારોને સંગઠન દ્વારા વ્‍યક્‍તિગત રીતે સાંભળવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે તારીખ ૫ અને ૬ માર્ચે પ્રદેશના આગેવાનો તથા રાજકોટના પ્રભારી જેનિબેન ઠુંમર અને માનસિંગભાઈ ડોડીયાની ઉપસ્‍થિતિમાં ચૂંટણી લડવા ઇચ્‍છુક તમામ ઉમેદવારોને સાંભળવામાં આવશે. ઉમેદવારોના સૂચનો અને અભિપ્રાયો મેળવ્‍યા બાદ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરી તે યાદી પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે અને ત્‍યારબાદ અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

તારીખઃ ૫ અને ૬ ના રોજ  સર્કિટ હાઉસ ખાતે ઉમેદવારોને સાંભળવાની સમયસૂચિ નીચે મુજબ રહેશે.

તારીખ - ૫ માર્ચ સવારે ૯:૩૦ થી બપોરે ૧:૩૦ વોર્ડ નં. ૧ થી ૪ બપોરે ૩:૦૦ થી રાત્રે ૮:૦૦ વોર્ડ નં. ૫ થી ૯ તથા તારીખ - ૬ માર્ચ, સવારે ૯:૩૦ થી બપોરે ૧:૩૦,  વોર્ડ નં. ૧૦ થી ૧૪ બપોરે ૩:૩૦ થી રાત્રે ૮:૦૦ વોર્ડ નં. ૧૫ થી ૧૮ ની પ્રક્રિયા થશે.

ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે કોંગ્રેસ પક્ષ લોકોના પ્રશ્નોને કેન્‍દ્રમાં રાખીને ચૂંટણી લડશે અને શહેરના પાણી, સફાઈ, રસ્‍તા, ટ્રાફિક અને ર્પાકિંગ જેવા મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસ આપકે દ્વાર - જનતાની વેદના' કાર્યક્રમ દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં જઈ લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્‍યો હતો અને સામાન્‍ય નાગરિકોની સમસ્‍યાઓને નજીકથી સમજવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્‍યામાં નાગરિકોએ પોતાની વેદના કોંગ્રેસ સમક્ષ રજૂ કરી હતી.

તેમણે જણાવ્‍યું હતું કે રાજકોટ મહાનગરપાલિકામાં આજે સામાન્‍ય નાગરિકોના નાના નાના કામ પણ સમયસર થતા નથી અને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં પણ લોકોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં સત્તાધારી પક્ષ પ્રત્‍યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે રાજકોટની પ્રજા હવે સારી રીતે જાણે છે કે લાંબા સમયથી ચાલતા ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર હદ વટાવી ચૂકયો છે અને વિકાસના દાવાઓ વચ્‍ચે સામાન્‍ય નાગરિકોની સમસ્‍યાઓ યથાવત રહી છે. અને મહાનગરપાલિકા કમિશન મહાનગરપાલિકા બની ગઈ છે.આ વાત રાજકોટની જનતા સારી રીતે જાણે છે અને મને પૂરી ખાતરી છે કે આ વખતે કોંગ્રેસ પક્ષને પ્રજાનો આશીર્વાદ મળશે અને મહાનગરપાલિકામાં કુશાસનની જગ્‍યાએ કોંગ્રેસ પક્ષ દ્વારા સુશાસન  સ્‍થાપવામાં આવશે.

તેમણે જણાવ્‍યું હતું કે હવે સમય આવી ગયો છે કે જનતા સત્તાધારી પક્ષને યોગ્‍ય જવાબ આપે. આગામી ચૂંટણીમાં રાજકોટની પ્રજા પોતાના મતાધિકારનો યોગ્‍ય ઉપયોગ કરીને શહેરના ભવિષ્‍ય માટે યોગ્‍ય નિર્ણય લેશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે જનતા વચ્‍ચે જઈ લોકોના આશીર્વાદથી સકારાત્‍મક પરિણામ પ્રાપ્ત કરશે તેવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા સહિત વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ ઓબીસી સેલના ચેરમેન ડો. મહેશભાઈ રાજપુત, પ્રદેશ અગ્રણી ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી પ્રવક્‍તા ડો. નિદતભાઈ બારોટ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડી.પી. મકવાણા, પ્રદેશ અગ્રણી ગોપાલભાઈ અનડકડ, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્‍યરાજ વાળા, રાજકોટ શહેર nsui પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, રાજકોટ શહેર સેવાદળ પ્રમુખ રાહુલભાઈ સોલંકી, એસ.સી સેલ ચેરમેન રમેશભાઈ ડેયા,  રાજકોટ ઓ.બી.સી  સેલ ચેરમેન ભાર્ગવભાઈ પઢીયાર રાજકોટ શહેર માઈનોરીટી સેલ ચેરમેન યુનુસભાઈ જુણેજા, રાજકોટ શહેર સોશિયલ મીડિયા ચેરમેન જીગ્નેશભાઈ વાગડિયા ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:05 PM IST)