<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

કુવાડવા રોડ પર પારૂલ બગીચામાં આકાશ નથવાણી પર અજાણ્‍યા શખ્‍સોનો હુમલો

અજાણ્‍યો શખ્‍સ મહિલા સદસ્‍યોની સામે જોયા કરતો હોઇ તેને ટપારતાં જતો રહ્યોઃ પછી બીજા બે શખ્‍સોને લઇને આવ્‍યો અને છરી પથ્‍થરથી તૂટી પડયાઃ સાળા અને બહેનને પણ ઇજા

રાજકોટ તા. ૩: આરટીઓ પાસે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા એક યુવક અને તેના પરિવારજનો હોળીની રાત્રે પારૂલ બગીચાના હોકર્સ ઝોનમાં ખાણીપીણીના સ્‍ટોલ પર નાસ્‍તો કરવા ગયા ત્‍યારે અજાણ્‍યા શખ્‍સો દ્વારા છરી અને પથ્‍થરો વડે હુમલો કરવામાં આવ્‍યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા સભ્‍યો સામે ટીકી ટીકીને જોવાની ના પાડતા મામલો બિચકયો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે  શ્રીરામ સોસાયટીમાં રહેતાં અને જ્‍યુબીલી શાક માર્કેટ પાસે ડુંગળી બટાટાનો વેપાર કરતાં આકાશ જયેશભાઈ નથવાણી (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે. હોળીના તહેવાર નિમિત્તે તે તેમના પત્‍નિ, બહેન, બનેવી અને ભાઈ સાથે રાત્રે બાર વાગ્‍યા આસપાસ કુવાડવા રોડ પર પારૂલ બગીચા પાસે નાસ્‍તો કરવા ગયા હતા. નાસ્‍તો કરતી વખતે બાજુના ટેબલ પર બેઠેલો એક અજાણ્‍યો યુવક પરિવારની મહિલા સભ્‍યો સામે સતત જોઈ રહ્યો હતો. આ બાબતે આકાશભાઈ અને તેમના ભાઈએ તેને ટોકતા તે યુવક ત્‍યાંથી જતો રહ્યો હતો.  થોડી જ વારમાં તે યુવક અન્‍ય બે માણસો સાથે પરત આવ્‍યો હતો અને ઝઘડો શરૂ કર્યો હતો.

બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બનતા અજાણ્‍યા શખ્‍સે તેની પાસે રહેલી છરી કાઢી હુમલો કર્યો હતો. આ હુમલામાં આકાશભાઈને ડાબા હાથના ખભાના ભાગે અને દાઢીના ભાગે છરી વાગી હતી. તેમના સાળા શુભમને ડાબા હાથની આંગળી પર ઈજા પહોંચી હતી. તેમની બહેન રૂપલબેનને પણ ઝપાઝપી દરમિયાન ડાબા હાથે છરીનો છરકો લાગ્‍યો હતો. હુમલાખોરોએ પથ્‍થરમારો પણ કર્યો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થતા ત્રણેય શખ્‍સો ત્‍યાંથી ભાગી છૂટયા હતા.

ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. અહિ આકાશભાઇને દાખલ કરાયા હતાં. બાકીનાને પ્રાથમિક સારવાર અપાઇ હતી. બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ જે. આર. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:25 PM IST)