તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
રાજકોટની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસીસી નજીક મોડી રાત્રે કાળમુખો ટ્રક રિક્ષાને ભરખી ગયો
યુનિવર્સલ ટેક્નોકાસ્ટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત: રિક્ષામાં સવાર ચારમાંથી ત્રણના દમ તૂટ્યા, એક ગંભીર: અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો

રાજકોટ: રાજકોટ નજીક આવેલી મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર ૩ પાસે આજે એક કાળજું ધ્રુજાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. મેટોડા જીઆઈડીસી ગેટ નંબર ૩ પર આવેલી યુનિવર્સલ ટેક્નોકાસ્ટ કંપની પાસે એક ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષામાં કુલ ચાર મુસાફરો સવાર હતા, જેમાંથી ત્રણ લોકોએ ગંભીર ઈજાઓને કારણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતમાં ઘવાયેલી ચોથી વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે: અકસ્માતની જાણ થતા જ રાજકોટના એસ.પી. વિજયસિંહ ગુર્જર તેમજ ડી.વાય.એસ.પી. કે. જે. ઝાલા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમની સાથે મેટોડા જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની અને ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે. અહેવાલ: બી. એમ. ગોસાઈ (ખીરસરા, અકિલા રાજકોટ)
(12:07 AM IST)










