<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

રાજકોટમાં ધુળેટીનો ફાગણ ‘ધગધગ્યો’: રંગોની મસ્તી વચ્ચે પારો 38.6 ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીમાં શેકાયા

સૂર્યદેવે પણ રમી ‘અગન-ધુળેટી’: બપોરે 2:30 વાગ્યે આકાશમાંથી વરસ્યા અગનગોળા, કલર ઉડે તે પહેલાં જ પરસેવે રેબઝેબ થયા રાજકોટવાસીઓ

રાજકોટ:
રંગોના પર્વ ધુળેટીએ આજે રાજકોટમાં બેવડી અસર જોવા મળી હતી. એકતરફ લોકો અબીલ-ગુલાલની છોળો ઉડાડી રહ્યા હતા, તો બીજી તરફ સૂર્યનારાયણે પણ પોતાનો આકરો મિજાજ બતાવ્યો હતો. આજે બપોરે 2:30 વાગ્યે શહેરનું તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ધુળેટીની મજા ગરમીમાં ફેરવાઈ ગઈ હતી.
સામાન્ય રીતે ધુળેટીના દિવસે લોકો રસ્તાઓ પર ટોળા વળીને રમતા હોય છે, પરંતુ આજે કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે લોકોએ ઘરમાં ભરાઈ રહેવાનું અથવા સ્વિમિંગ પૂલમાં જવાનું વધુ પસંદ કર્યું હતું. બપોરે અઢી વાગ્યાના સુમારે આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવો અનુભવ થતો હતો. ગરમ પવનોને કારણે ધુળેટીના રંગો પણ શરીર પર સુકાઈ ગયા હતા.

  આકરા તાપથી બચવા લોકોએ કોરા રંગોને બદલે પાણીથી રમવાનું વધુ પસંદ કર્યું.
  રંગે રમીને થાકેલા લોકો ઠંડક મેળવવા શેરડીના રસ અને ઠંડાપીણાની મોજ માણી હતી.

(3:15 PM IST)