<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

અદાણી પોર્ટમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્‍યોઃ ૪૫ લાખના સ્‍ક્રેપ સાથે ત્રણને રાજકોટ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા

કસ્‍ટમ્‍સ દ્વારા ૨૦૧૭થી સીઝ કરાયેલા કન્‍ટેનરમાંથી ચોરી થતાં મુંદ્રા પોલીસમાં ગુનો નોંધાયો હતો પોર્ટના જ બે કર્મચારીઓ પ્રીતેશ રામાણી, યુવરાજસિંહ ઝાલાએ કોપર-એલ્‍યુમિનીયમનો સ્‍ક્રેપ ચોરી રાજકોટના જેતારામના ટ્રકમાં ભરી લીધો હતોઃ વેંચે એ પહેલા મોરબી રોડની હોટેલ પાસેથી પકડાઇ ગયાઃ ટ્રક સહિત ૫૭ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ કરણભાઇ કોઠીવાર, અરવિંદભાઇ ફતેપરાની બાતમી ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ચુડાસમાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૫: કચ્‍છના મુંદ્રા ખાતે આવેલા અદાણી એક્‍ઝીમ યાર્ડ-પોર્ટ ખાતે સીઝ કરીને રખાયેલા કન્‍ટેનરમાંથી લાખાના કોપર-એલ્‍યુમિનીયમની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાંચે ઉકેલી  રાજસ્‍થાન, મુંદ્રા અને લખતરના ત્રણ શખ્‍સોને પકડી લઇ ૪૫ લાખનો ભંગાર, દસ લાખો ટ્રક, કન્‍ટેનર મળી ૫૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

 ચોરીના આ બનાવમાં મુળ કેરાલાના અને હાલ મુંદ્રા કચ્‍છ ખાતે રહી સાડા ત્રણ વર્ષથી અદાણી એક્‍ઝીમ યાર્ડમાં ડે. જનરલ મેનેજર તરીકે નોકરી કરતાં અભિનેશ સ્‍વ.આનંદન મીનનગટ (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી મુંદ્રા પોલીસે ગુનો નોંધ્‍યો હતો. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે એક્‍ઝીમ યાર્ડમાં એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટ કાર્ગોનું ક્‍લીયરન્‍સ કરવાનું મારુ કામ છે. અહિ ૨૦૧૭થી રૂદ્ર એલોયસ પાર્ટીના સ્‍ક્રેપ-ભંગાર ઇમ્‍પોર્ટ કરેલા ૭ કન્‍ટેનરો કસ્‍ટમ્‍સના એસઆઇબી દ્વારા મીસ ડીકલેરેશન કાર્ગો હોવાથી સીઝ કરેલા હોઇ આ કન્‍ટેનરો મારી દેખરેખ હેઠળ રાખેલ છે. તા. ૧/૩ના રોજ અમારી સાથે નોકરી કરતાં સિસ્‍ટમ ચેકર અનુપ મામનાનીએ ફોન કરી જાણ કરેલી કે સિસ્‍ટમ ચેક કરતાં તા. ૨૮/૨/૨૬ના રોજ કન્‍ટેનર નંબર એએસટીયુ-૯૦૦૦૩૦૭માં મુવમેન્‍ટ થયેલી છે. આથી હું તુરત પોર્ટ ખાતે પહોંચ્‍યો હતો. કન્‍ટેનરને શીલ લાગેલ ન હોઇ અંદર તપાસ કરતાં કોપર એલ્‍યુમીનીયમનો ભંગાર હતો તેમાંથી ૧૦ ટન જેટલો સ્‍ક્રેપ ગાયબ જણાયો હતો. આથી ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી.

આ ગુનો રાજકોટ ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ. કરણભાઇ કોઠીવાર, કોન્‍સ. અરવિંદભાઇ ફતેપરાની બાતમી પરથી ઉકેલાઇ ગયો છે. રાજકોટ-મોરબી હાઇવે પર શિવ શક્‍તિ હોટેલ પાસેના રોડ પરથી ટ્રક જીજે૧૨બીવી-૭૧૩૧ અને પાછળના કન્‍ટેનરમાંથી રૂા. ૪૫,૦૦,૦૦૦નો એલ્‍યુમિનિયમ અને કોપરનો વાયરનો ભંગાર મળી આવ્‍યો હતો. ટ્રકમાં રહેલા ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ જેતારામ પોકરરામ બલીયારા (ઉ.વ.૫૦-રહે. હાલ ધવલ એગ્રો એક્‍સપોર્ટ કંપની મારવાડી કોલેજ  પાસે રાજકોટ, મુળ ખારાપાર જી. બોલતરા રાજસ્‍થાન) અને સાથેના બે શખ્‍સોએ પોતાના નામ પ્રીતેશ અમૃતલાલ રામાણી (ઉ.વ.૨૮-રહે. ઘનશ્‍યામનગર-૧, હનુમાન મંદિર પાસે મુંદ્રા કચ્‍છ, મુળ મોટી ભુજપર તા. મુંદ્રા) અને યુવરાજસિંહ નટુભા ઝાલા (ઉ.વ.૩૨-રહે. બાપા સિતારામનગર શક્‍તિસિંહના મકાનમાં ભાડેથી મુંદ્રા, મુળ મોઢવાણ તા. લખતર સુરેન્‍દ્રનગર) જણાવ્‍યા હતાં. પોલીસે કોપર-એલ્‍યુમિનીયમ સ્‍ક્રેપના બીલ આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કર્યા બાદ ત્રણેયએ આ માલ મુંદ્રા અદાણી પોર્ટના કન્‍ટેનરમાંથી ચોરાયેલો હોવાનું કબુલતાં ત્રણેયને અટકાયતમાં લઇ ૪૫  લાખનો સ્‍ક્રેપ, ૧૦ લાખનો ટ્રક, ૨ લાખનું કન્‍ટેનર મળી ૫૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે અને મુંદ્રા પોલીસને જાણ કરી છે

આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા ટીમના પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ યશવંતભાઇ ભગત, હેડકોન્‍સ. કરણભાઇ કોઠીવાર, કિશનભાઇ પાંભર, કોન્‍સ. સજયભાઇ અલગોતર, અરવિંદભાઇ ફતેપરા અને મહાવીરસિંહ જાડેજાએ કરી હતી.

(4:06 PM IST)