<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

મેટોડામાં ટ્રકની ઠોકરે રિક્ષાનો બૂકડોઃ ‘જમવા' જઇ રહેલા બે સગા ભાઇ સહિત ૪ ‘કાળનો કોળીયો'

ધુળેટી પર્વની આગલી રાતે બનેલી ગોઝારી ઘટનાઃ ત્રણ પરિવારો માટે રંગોનું પર્વ શોકનું પર્વ બની ગયું મુળ સુરેન્‍દ્રનગરના બે ભાઇઓ વિશાલ અને વિજય વરાણીયા મેટોડા રહી કલરકામ કરતાં હતાં: આ બંને અને રાજસ્‍થાનના અતુલ શહરીયાના ઘટના સ્‍થળે જ મોતઃ રિક્ષાચાલક મેટોડા અંધરેી વિસ્‍તારના સુનિલ વરાણીયાનું રાજકોટમાં મૃત્‍યુઃ ટ્રક મુકી ભાગેલા ચાલકને પકડી લેવાયો વિશાલ અને વિજય પરિવારનો આધાર સ્‍તંભ હતાં: મોટો ભાઇ પરિણીત હતો

ગોઝારા ટ્રકની ઠોકરે ચડેલી રિક્ષાનો બૂકડો બોલી જતાં ત્રણના ઘટના સ્‍થળે અને એક યુવાનનું સારવારમાં મૃત્‍યુ થયું હતું. જેમાં બે સગા ભાઇઓ પણ હતાં. તસ્‍વીરો અકસ્‍માતની ભયાનકતા દર્શાવે છે. મૃતકોના ફાઇલ ફોટો અને વિલાપ કરતાં સ્‍વજનો પણ જોઇ શકાય છે (તસ્‍વીરઃ બી. એમ. ગોસાઇ-ખીરસરા)

રાજકોટ તા. ૫: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ પાસે ધુળેટી પર્વની આગલી રાતે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ટ્રકે રિક્ષાને ઉલાળી દેતાં રિક્ષાનો બૂકડો બોલી જતાં મુસાફર તરીકે બેઠેલા મુળ રાજસ્‍થાનના એક યુવાન અને મુળ સુરેન્‍દ્રનગરના બે સગા ભાઇઓ સહિત ત્રણના ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતાં. જ્‍યારે રિક્ષાચાલક મેટોડાના યુવાનને ગંભીર ઇજા સાથે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું મોત થતાં મૃત્‍યુઆંક ચાર થયો હતો. આ બધા જમવા માટે હોટલ તરફ જઇ રહ્યા હતાં ત્‍યારે ટ્રક કાળ બનીને ત્રાટક્‍યો હતો. અકસ્‍માત સર્જી ટ્રક મુકીને ભાગી ગયેલા ચાલકને મેટોડા પોલીસે કલાકોમાં શોધી લઇ કાર્યવાહી કરી હતી. બનાવથી મૃતકોના સ્‍વજનોની હોળી-ધુળેટી પર્વની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર ૩ પાસે મંગળવારે રાતે એક ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને રિક્ષા વચ્‍ચે થયેલી જોરદાર ટક્કરમાં રિક્ષાચાલક સહિત કુલ ૪ વ્‍યક્‍તિઓના કરૂણ મોત નિપજ્‍યા હતાં. ત્રણ મૃતકો કંપનીમાં કલરકામ કરતાં હતાં અને એક રિક્ષાચાલક હતો. બધા જમવા માટે જતાં હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો.

વધુ માહિતી મુજબ મેટોડા જીઆઇડીસીના ગેઇટ નંબર ૩માં શ્રી રામ હોસ્‍પિટલ તરફથી જતી રિક્ષા નંબર જીજે૦૩બીએક્‍સ-૫૬૫૬ બહાર નીકળી રહી હતી એ જ સમયે સામેથી આવતી ટ્રક નંબર જીજે૦૩બીવાય ૮૮૮૯ના ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવી દીધી હતી. અકસ્‍માત એટલો ભયાનક હતો કે રિક્ષાનો કચ્‍ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.  આ ગંભીર ઇજાને પગલે ત્રણ યુવાનોના ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતાં. હતભાગી મૃતકોમાં ં વિજય શિવાભાઈ ગાંગડિયા (ઉ.વ.૨૨, રહે. રોટરી ક્‍લબ પાસે, મેટોડા મુળ ઝીંઝુડા-સુરેન્‍દ્રનગર), તેનો મોટો ભાઇ વિશાલ શિવાભાઈ ગાંગડિયા  (ઉ.વ.૨૭-રહે. રોટરી ક્‍લબ પાસે, મેટોડા) અને અતુલ કલ્‍યાણભાઇ શહરીયા (ઉ.વ.૩૨-રહે. મેટોડા ગેઇટ-૩ અંધેરી વિસ્‍તાર, મુળ રાજસ્‍થાન)નો સમાવેશ થતો હતો. જ્‍યારે રિક્ષાચાલક સુનિલ અળસીભાઈ વરાણીયા (ઉ.વ.૨૭-રહે. મેટોડા અંધેરી વિસ્‍તાર)નું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

કાળનો કોળીયો બનેલા બે સગા ભાઇઓ વિશાલ અને વિજય બંને કલરકામ કરી ગુજરાન ચલાવતાં હતાં. મુળ સુરેન્‍દ્રનગરના વતની હતાં. જ્‍યારે સુનિલ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં બે પુત્રી છે. પોતે ત્રણ ભાઇ બહેનમાં મોટો અને પરિવારનો આધાર હતો. મૃત્‍યુ પામનાર રાજસ્‍થાની યુવાન અતુલ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તે મેટોડા પરિવાર સાથે અંધેરી વિસ્‍તારમાં રહી કંપનીમાં નોકરી કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. સગાના કહેવા મુજબ બધા રિક્ષામાં બેસી જમવા જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

અકસ્‍માત સર્જનાર ટ્રક ચાલકનું નામ બંસી ભારતી બટુક ભારતી ગોસ્‍વામી સામે મેટોડા પોલીસે કાર્યવાહી કરી છે. તે ઓખાનો રહેવાસી છે. ટ્રકમાં સળીયા ભરી મોરબી તરફથી તે મેટોડા આવ્‍યો હતો. ટ્રક મુકી ભાગી ગયા બાદ પોલીસે તેને પકડી લીધો હતો.

ઘટનાની જાણ થતાં એસપી વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી કે. જે. ઝાલા, પીઆઈ શર્મા સહિતનો પોલીસ સ્‍ટાફ દોડી ગયો હતો અને કાર્યવાહી કરી હતી. એએસઆઇ ડી. વી. લુણાગરીયા સહિતના સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

દરમિયાન મેટોડાથી બી. એમ. ગોસાઇના જણાવ્‍યા મુજબ બે સગા ભાઇઓ વિશાલ અને વિજય ગાંગડીયા પરિવારનો આધારસ્‍તંભ હતાં. બંનેથી મોટા એક બહેન છે. મોટો ભાઇ વિશાલ પરિણીત હતો. બંને ભાઇઓની એક સાથે અંતિમયાત્રા નીકળી ત્‍યારે કલ્‍પાંત સર્જાયો હતો.

(2:01 PM IST)