તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th March 2026
રાજકોટઃ ૭૨ બેઠકો પર નવા અને જૂના ચહેરાઓ તથા જૂથવાદ વચ્ચે પ્રદેશ નેતાગીરીનો કડક મિજાજ જારી રહેશે? નવા પ્રભારી અનિરૂદ્ધ દવેની ભૂમિકા ઉપર સૌની મીટ
રોસ્ટર પદ્ધતિ અને અદ્રશ્ય લહેરનો પડકારઃ રાજકોટમાં આયાતી ભલામણોને બદલે ‘ક્લીન ઈમેજ' ધરાવતા વિજેતા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળાશે? આખો વોર્ડ જીતાડી શકે તેવો એક ચહેરો અચૂક મૂકવો પડશે

રાજકોટ તા. ૫ : મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપમાં ૭૨ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અત્યંત જાટિલ બની છે. રોસ્ટર પદ્ધતિ અને શાસન વિરોધી અદ્રશ્ય લહેરને ખાળવા માટે પક્ષ આ વખતે વ્યક્તિગત પ્રભાવ ધરાવતા અને આખો વોર્ડ જીતાડી શકે તેવા 'સ્વચ્છ' ચહેરાઓને મેદાનમાં ઉતારે તેવી લાગણી પ્રવર્તે છે. જૂથવાદ અને લોબિગને ડામવા માટે પ્રદેશ નેતાગીરી મક્કમ છે, જેમાં પ્રભારી અનિરૂદ્ધભાઈ દવેની ભૂમિકા મહત્વની રહેશે. જો સ્થાનિક સંગઠન મજબૂત પેનલ બનાવવામાં નિષ્ફળ રહેશે, તો પ્રદેશ કક્ષાએથી કડક નિર્ણયો લેવાય તેવી પૂરી શક્યતા છે.
આ વખતની ચુંટણીમાં રોસ્ટર પદ્ધતિ લાગુ થાય છે, તે જોતાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે રાજકોટના તમામ અઢાર વોર્ડમાં પાર્ટીને ટિકિટ ફાળવણીમાં ભારે મથામણ કરવી પડશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ચૂંટણી જીતવા માટે નરેન્દ્રભાઈનો ચહેરો ભાજપ પાસે હંમેશાં પ્રથમ ક્રમે રહેલો છે. જોકે, આ ઉપરાંત ગુજરાત સરકારના ઢગલાબંધ વિકાસ કાર્યો પણ એક મહત્વનું પરિબળ બની રહેશે. સાથોસાથ, ભાજપ શાસન વિરુદ્ધ લોકોમાં જોવા મળતી અદ્રશ્ય લહેરને પણ અવગણી શકાય નહીં.
આ સંજોગોમાં તમામ અઢારેય વોર્ડમાં આખો વોર્ડ જીતાડી શકે તેવો મજબૂત, સ્વચ્છ અને લોકોમાં લોકપ્રિયતા ધરાવતો કમ સે કમ એક ચહેરો મેદાનમાં ઉતારવો અનિવાર્ય જણાય છે. આ ચહેરો વોર્ડની ચારેય બેઠકો જીતાડી શકે તેવો હોવો ખૂબ જ જરૂરી છે. નહીંતર, પરિણામો ખરાબ અને અણધાર્યા પણ આવી શકે છે. કારણ કે, જો વોર્ડમાં એક મજબૂત ચહેરો મૂકવામાં ન આવે, તો અન્ય ઉમેદવારો માત્ર પોતાના વ્યક્તિગત વિજય માટે જ દોડે તે સ્વાભાવિક છે.
રાજકીય પંડિતો એવા સમીકરણો માંડી રહ્યા છે કે રાજકોટ ભાજપમાં ભૂતકાળમાં જેવો જૂથવાદ જોવા મળ્યો હતો, જો તેવો જ જૂથવાદ આ વખતે ટિકિટ વહેંચણીમાં જોવા મળશે, તો પરિણામો પર તેની ગંભીર અસર પહોંચે તો નવાઈ નહીં. જોકે, આ વખતે પ્રદેશ નેતાગીરી ખૂબ જ આકરા મિજાજમાં છે. એટલે કે તેઓ શહેરની ટિકિટ વહેંચણીમાં કોઈ પણ પ્રકારની ગરબડ ચલાવી લેવાના મૂડમાં નથી અને અહીં કોઈ ભલામણો કે દબાણ ખાસ કામ નહીં આવે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
આ બધા વચ્ચે શહેર પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો અને પક્ષના રાજકોટ શહેરના હોદ્દેદારોએ નામોની નવી પેનલો તૈયાર કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડશે તે નિヘતિ છે. નહીંતર, શહેર હોદ્દેદારોનું પ્રાથમિક લિસ્ટ જે રીતે ફગાવી દેવાયું હતું, તેનું જ પુનરાવર્તન ઉમેદવારોના નામોની પેનલો સાથે થાય તો કોઈ નવાઈ નહીં.
આ ઉપરાંત, આ વખતે એક નવી બાબત એ પણ ધ્યાન ખેંચે તેવી છે કે રાજકોટ ભાજપની ૭૨ બેઠકો (ઉમેદવારો) ની પસંદગી સમયે પ્રભારી તરીકે પક્ષના મહામંત્રી શ્રી અનિરૂદ્ધભાઈ દવેની ઉપસ્થિતિ મહત્વનો ભાગ ભજવશે. પેનલો નક્કી કરવામાં તેમની ભૂમિકા અને ચકાસણી પણ સર્વોચ્ચ રહેશે તે નિર્વિવાદ છે. (૪૦.૩૦)
(2:45 PM IST)










