<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર ૧૦માં ભાજપના ચારેય વર્તમાન કોર્પોરેટરો બદલાશે ?

હુતાશણીની ઝાળ પછી રાજકીય પંડિતોનો વરતારો: નવા સમીકરણો અને આંતરિક જૂથવાદથી ભાજપના ગઢમાં ગાબડાં પડવાની શક્યતા નકારી શકાય નહીં

રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં વાગવાની લગભગ સર્વત્ર સંભાવના જોવા મળે છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી માટે ગણિત માંડી રહ્યા છે. 

રાજકોટના વોર્ડ નંબર ૧૦ની વાત કરીએ તો આ વોર્ડ ભાજપનો મજબૂત ગઢ ગણાય છે. આ જ વોર્ડમાંથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી, બીનાબેન આચાર્ય, ડૉ. જૈનમ ઉપાધ્યાય, મોહનભાઇ કુંડારિયા અને કાશ્મીરાબેન નથવાણી જેવા દિગ્ગજ આગેવાનો પ્રદેશ કક્ષાએ તેમજ મેયર પદે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જોકે, વર્તમાન રાજકીય વાતાવરણ જોતાં આ ચૂંટણીના પરિણામો કંઈક અલગ જ દિશામાં જાય તેવા અણસાર છે. હુતાશણીની ઝાળ જોયા બાદ રાજકીય પંડિતો નવો વરતારો આપી રહ્યા છે કે આ વોર્ડમાં ચારેય નવા ચહેરાઓ જોવા મળી શકે છે.

વોર્ડ નંબર ૧૦માં નવા રોસ્ટર અને સમીકરણો મુજબ એક બેઠક સામાન્ય પુરુષ, એક બક્ષીપંચ (ઓબીસી) પુરુષ અને બે બેઠક સામાન્ય મહિલા માટે ફાળવાઈ છે. આ ફેરફારને કારણે ચારેય વર્તમાન કોર્પોરેટરોની  'પૂર્વ કોર્પોરેટરો' બની જવાની પૂરી શક્યતાઓ પૂરેપૂરી હોવાનો ચર્ચા રહ્યું છે. 

વર્તમાન કોર્પોરેટર શ્રી નિરુભા વાઘેલાની બે ટર્મ (એક ટર્મ જૂના વોર્ડ નંબર ૨૩માં અને એક ટર્મ વોર્ડ નંબર ૧૦માં) પૂર્ણ થઈ ચૂકી છે. તેવી જ રીતે જ્યોત્સનાબેન ટીલાળાની પણ બે ટર્મ પૂરી થઈ ગઈ છે. ત્યારે બે ટર્મવાળી જો વાત લાગુ પડે તો આ બંને ઉમેદવારો ની જગ્યાએ નવા ઉમેદવારો આવે. જ્યારે રાજેશ્વરીબેન ડોડીયાવાળી બેઠક ઓબીસી પુરુષ માટે અનામત થતાં ત્યાં આપોઆપ નવા ઉમેદવાર આવી જશે.

મહદ અંશે એવું જોવા મળે છે કે ચૂંટણી અને સંગઠનની પ્રક્રિયા નજીક આવતાં જ ભાજપ હંમેશા છેલ્લા ત્રણ વખતથી 'સક્રિય સભ્ય' હોવાનું ગાણું ગાતો હોય છે, પરંતુ અંતે માનીતાઓને જ હોદ્દા અને ટિકિટની ફાળવણી કરવામાં આવતી હોવાથી પાયાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા સમીકરણો અનુસાર આ વોર્ડમાં એક બ્રાહ્મણ અથવા લોહાણા પુરુષ, એક કાઠી પુરુષ, એક લેઉવા પટેલ મહિલા અને એક કડવા પટેલ મહિલાને ટિકિટ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ નકારી શકાય નહીં. 

 

ચેતન સુરેજા માટે 'ઘરના 

જ ઘાતકી' થવાનો ઘાટ

ચર્ચાથી કાનાફુસી મુજબ વર્તમાન કોર્પોરેટર ચેતન સુરેજા છેલ્લા ત્રણ વખતથી પક્ષના સક્રિય સભ્ય ન હોવા છતાં, તાકાતવાન  બિલ્ડર હોવાના નાતે તેમને ટિકિટ અપાઈ રહી હોવાનું કાર્યકર્તાઓમાં મનાય છે. મોટાભાગે તેઓ કડવા પટેલ સમાજની કોઈ સંસ્થા સાથે પણ સંલગ્ન ન હોવાથી, ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય એવા કડવા પટેલના જ અન્ય પાયાના કાર્યકર્તાને ટિકિટ અપાવવા માટે એક મોટું જૂથ સક્રિય થયું હોવાની વાત પણ જોવા મળે છે. આમ, ચેતન સુરેજા માટે પોતાના જ પક્ષના લોકો વિરોધમાં ઊભા છે અને તેમના માટે 'ઘરના જ ઘાતકી' થાય તેવી સ્થિતિનું સ્પષ્ટ નિર્માણ થયું છે.

 

ભાજપના ગઢમાં ગાબડાં 

પડવાની શક્યતા ચર્ચાવા લાગી

જો આ વોર્ડમાં ભાજપ પોતાના જૂના અને સક્રિય કાર્યકર્તાઓને ટિકિટ નહીં આપે અને જૂથવાદ વધુ વકરશે, તો મનસુખ કાલરીયા જેવા મજબૂત નેતા મેદાન મારી જશે અને ભાજપના ગઢમાં મોટું ગાબડું પડી શકે છે. વિકાસના મોરચે પણ સ્થાનિકોમાં અસંતોષ જોવા મળે છે; માળખાકીય સુવિધાઓ સિવાય પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યાની લોકમુખે ચર્ચા છે. આ ઉપરાંત, આગામી ચૂંટણીમાં આ વિસ્તારમાં 'પ્રોટેક્શન મની'નો મુદ્દો પણ જોરશોરથી ઉછળે તેવી પૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે.

(5:44 PM IST)