<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ખીરસરા-મોટાવડાના રસ્‍તે કારની ઠોકરે બાઇક ચડતાં મોટાવડાના અરવિંદભાઇ પાંભરનું મોત, ભાઇને ઇજા

બંને સાત હનુમાન મંદિર પાસે લગ્નપ્રસંગમાં હાજરી આપી ખેડુત પરત આવતાં હતાં ત્‍યારે બનાવઃ વૃધ્‍ધે સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં શોકઃ કુટુંબી ભાઇનો ઇજા સાથે બચાવઃ કાર મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૬: લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્‍ચેના રસ્‍તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્‍ધનું મોત થયું છે. જ્‍યારે તેમના કુટુંબી ભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો છે. બંને ભાઇઓ ખીરસરા નજીક સાત હનુમાન મંદિર પાસે સગાનો લગ્નપ્રસંગ હોઇ તેમાં હાજરી આપી ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોટાવડા ગામે રહેતાં અરવિંદભાઇ વાઘજીભાઇ પાંભર (ઉ.વ.૬૫) અને તેના કુટુંબી ભાઇ જીવનભાઇ નરસીભાઇ પાંભર (ઉ.વ.૭૦) બંને હોન્‍ડા પર બેસી ખીરસરા નજીકના સાત હનુમાન મંદિર પાસે સગાનો લગ્નપ્રસંગ હોઇ તેમાં જમણવારમાં હાજરી આપવા ગયા હતાં. ત્‍યાંથી પરત ફરતી વખતે સાંજે સાડા આઠેક વાગ્‍યે ખીરસરા-મોટાવડા વચ્‍ચેના રસ્‍તા પર હતાં ત્‍યારે એક કારના ચાલકે બાઇકને ઠોકરે લેતાં બંને ભાઇઓ ફંગોળાઇ ગયા હતાં. કારમાં પણ ભારે નુકસાની થઇ હતી.

અકસ્‍માતમાં જીવનભાઇ પાંભરનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્‍યારે અરવિંદભાઇ પાંભરને ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર મુકી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.

મૃત્‍યુ પામનાર અરવિંદભાઇ પાંભર ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મોભીના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. 

(11:30 AM IST)