તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 6th March 2026
ઉનાળાના પ્રારંભે જ એસ.ટી બસપોર્ટ પરના પાણીના તમામ પરબો બંધ
પાણીના પરબો બની ગયા શોભાના ગાંઠિયા : બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા આપવાના બણગા ફુંકનારા કયાં ખોવાય ગયા? : પાણી વેચતા ધંધાર્થીઓને ખટાવવાનો ખેલ તો નથીને? એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, એસ.ટીના એમડી, વિભાગીય નિયામકને લેખિત રજુઆત

રાજકોટ તા. ૬ : ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ વાગડિયા, જેન્તીભાઈ હિરપરા, પ્રતાપભાઈ વાળા, એસ. પી રાજાણીની સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. રાજકોટના ઢેબર રોડ પર આવેલા એસ.ટી બસપોર્ટ પર રોજિંદા અંદાજે ૬૦,૦૦૦ મુસાફરોની અવરજવર રહે છે. તેમ છતા મુસાફરોને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સવલતો આપવામાં તંત્ર વામણું પુરવાર થઇ રહ્યુ છે. છેલ્લા બે વર્ષમાં ૩૮% જેવો ભાવ વધારો રાજ્યના રોજબરોજ અપડાઉન કરતા ૨૯ લાખ મુસાફરો ઉપર ઠોકી બેસાડવામાં આવ્યો. એસ.ટી.માં અપડાઉન કરતા મુસાફરોમાં ૩૦ દિવસની મુસાફરી ૧૫ દિવસનુ ભાડું વધારીને ૧૮ દિવસનું ભાડું કરી દેવામાં આવેલ છે. જે પગલે રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. ભાડા વધારાના પગલે મુસાફરોમાં પણ વ્યાપકપણે રોષ જોવા મળે છે. એજ રીતે હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂકયો છે. રાજકોટમાં ૪૦ ડિગ્રી તાપ બપોરના સમયે શરૂ થઈ ગયો છે તેમછતા રાજકોટ એસ.ટી બસપોર્ટ પર દશેરાના દિવસે ઘોડું દોડતું બંધ થયું હોય તેમ ઉનાળાના પ્રારંભે જ પાણીના ધાંધિયા સર્જાયા છે. હજારો મુસાફરોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ છે.
તા. ૨૭ ફેબ્રુઆરીના બસપોર્ટની સમિતિ દ્વારા મુલાકાત લેવામાં આવતા પ્લેટફોર્મ નંબર ૬ ની સામે નું પાણીના પરબ માં ચાર નળ પૈકી એક પણ નળમાં પાણીનું ટીપું આવતું ન હતું. તત્કાલીન સમયે વિભાગીય નિયામકને ટેલિફોનિક ફરિયાદ કરી ત્યારબાદ પાણી શરૂ કરાયું. એજ રીતે તા.૫ માર્ચના ફરી ફરિયાદ મળી કે એસ.ટી બસપોર્ટના પાણીના તમામ પરબોમાં પાણી આવતું નથી. જેમાં પ્લેટફોર્મ નંબર ૬, ૧૫, ૨૧ અને એડવાન્સ બુકિંગની બારી પાસે રહેલા પાણીના પરબોમાં ખરાઈ કરવામાં આવતા બસપોર્ટમાં આવેલા તમામ પાણીના પરોબોમાં એક ટીપું પાણી આવતું ન હતું. એટલુ જ નહીં, પાણીની એક પણ પરબ પર પાણી બંધ છે એ પ્રકારના બોર્ડ પણ લગાવેલ ન હતા. જે પગલે મુસાફરોને આમથી તેમ પાણી માટે ભટકવું પડતું હતું અને ભોઠા પડવું પડતું હતુ. જે પગલે પુનઃ રાજકોટના વિભાગીય નિયામકને ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. રાજકોટ બસપોર્ટ પીપીપી ધોરણે ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચે એગ્રીમેન્ટમાં થયેલ જોગવાઈ અનુસાર તમામ વોટર કુલરો તેમજ આર ઓ પ્લાન્ટ/પ્યોરીફીકેશન પ્લાન્ટ વિગેરે સતત ચાલુ રહે અને મુસાફરોને ઠંડા પાણીની સુવિધા આપવી એ કોન્ટ્રાક્ટરની પ્રાથમિક ફરજ બને છે. તેમ છતાં તમામ પાણીના પરબો જ્યારે બંધ હોય અને પાણીનું એક ટીપું પણ આવતું ન હોય ત્યારે વખતો વખત પાણી બંધ કરી દેવામાં આવે તો બસપોર્ટમાં મસ મોટું કૌભાંડ ચાલી રહેલું હોવાની આશંકા ઊભી થતી હોવાનું મુસાફર હિતરક્ષક સમિતિની યાદીમાં જણાવાયુ છે. પાણીના પરબો બંધ રાખે તો બસપોર્ટમાં અધિકારીઓની મીઠી નજર હેઠળ મીનરલ પાણીનો વેપાર કરનારાઓના ધંધા પણ ચાલતા રહે એવું કારસ્તાન ચાલતુ હોવાનો મુસાફરોમાં ગણગણાટ ઉભો થયાનું સમિતિની યાદીમાં જણાવાયુ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઉનાળાની ગરમીના સમયમાં પીવાના પાણીના ધાંધિયા સર્જાયા હતા. તત્કાલીન સમયે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ડેપો મેનેજરશ્રીને વખતો વખત લેખિત રજૂઆતો કરી હતી અને પાણીની મિનરલ બોટલો અર્પણ કરી હતી. તેમ છતાં આ વર્ષે પણ એની એ જ હાલત છે. વર્ષ ૨૦૨૦ માં જ્યારે આ બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તત્કાલીન સમયે એસ.ટી.ના અધિકારીઓ અને ધારાસભ્યો, મેનેજર ડિરેક્ટર, જનરલ મેનેજર ઉપસ્થિત શાસકપક્ષના આગેવાનોએ બણગાં ફુકયા હતા કે હજારો મુસાફરોને રાજકોટમાં આવે તો એરપોર્ટ જેવી સુવિધા અપાશે. પરંતુ અહીં તો મુસાફરોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે.
જ્યારે કોઈ કારણોસર પાણીના પરબો બંધ હોય ત્યારે પાણીના કેરબા કે પાણીની નાંદની વ્યવસ્થા કરવા માટે લેખિત રજૂઆત ગત વર્ષે પણ કરવામાં આવી હતી પરંતુ તેનું અમલીકરણ પણ કરવામાં આવતું ન હોવાનું મુસાફર હિતરક્ષક સમિતિએ જણાવ્યુ છે. પાણીની પરબમાં ફોલ્ટ દરમિયાન એસ.ટી.ની પાણી પાવાની દાનત ન હોય તો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિને લેખિતમાં જાણ કરે તો પાણીની નાદ અને પાણીના કેરબાની વ્યવસ્થા કરવાની સંપૂર્ણ તૈયારી સમિતિએ પણ દર્શાવી છે. ઉનાળાના પ્રારંભે થયેલા પાણીના ધાંધિયા અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને, રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને, રાજ્યના એસ.ટી.ના એમડીને અને વિભાગીય નિયામક શ્રી રાજકોટના સિનિયર ડેપો મેનેજરની બેદરકારી અને લાપરવાહીના પગલે સર્જાતા પાણીના ધાંધિયા અંગે સમિતિની લેખિત રજૂઆતો અને એસ.ટી બસપોર્ટના સીસી ફૂટેજ મેળવી જવાબદારો સામે કડક પગલાં ભરવા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)ના આગેવાનોએ લેખિતમાં રજૂઆત કરી છે.
(2:47 PM IST)










