તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
ફેસબૂક ફ્રેન્ડે પોલીસ તરીકેની ઓળખ આપી ૩૪ વર્ષિય યુવતિને ફસાવીઃ લગ્નની લાલચ દઇ વારંવાર દેહ પીંખ્યો
પોતાને અમિતસિંગ પ્રભાતસિંગ ચોહાણ તરીકે ઓળખાવનાર શખ્સે યુવતિના ઘરે જ વારંવાર દેહસંબંધ બાંધ્યાઃ લગ્નનું કહેતાં ભાગી ગયોઃ ફેસબૂક આઇડીને આધારે પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરાએ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૬: સોશિયલ મિડીયા દ્વારા સગીરાઓ, યુવતિઓ અને પરિણીતાઓ સાથે મિત્રતા-ફ્રેન્ડશીપના નાટક કરી તેણીને મોહજાળમાં ફસાવી દૂષ્કર્મ આચરી લેવામાં આવતું હોવાની અવાર-નવાર બની રહેલી ઘટનાઓ વચ્ચે રાજકોટ શહેરમાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શેહરમાં રહેતી ૩૪ વર્ષની અપરિણીત યુવતિ સાથે એક શખ્સે આઠેક મહિના પહેલા ફેસબૂક મારફત સંપર્ક કરી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેણીને ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી બાદમાં પોતે પ્રેમ કરે છે, કુંવારો છે, લગ્ન કરશે તેવા વચનો આપી યુવતિના ઘરે જ વારંવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં. જો કે હવે યુવતિએ લગ્ન કરી લેવાનું કહેતાં આ શખ્સ તેને તરછોડીને ભાગી ગયો હતો. આ શખ્સ પોતે પોલીસ કર્મચારી છે તેવું આ યુવતિને કહેતો હતો. તેની ફેસબૂક આઇડીને આધારે તેને શોધી કાઢવા તપાસ શરૂ થઇ છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં પ્ર.નગર પોલીસે ભોગ બનનાર યુવતિ કે જે ખાનગી નોકરી કરે છે અને ૩૪ વર્ષની છે તેમજ બીજા રાજ્યની વતની છે તેણીની ફરિયાદને આધારે અમિતસિંગ પ્રભાતસિંગ ચોૈહાણ નામના શખ્સ વિરૂધ્ધ બીએનએસની કલમ-૬૯ મુજબ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી લીધાનો ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે બીજા રાજ્યની વતની છે અને હાલ રાજકોટમાં રહી નોકરી કરે છે. પોતે સોશિયલ મિડીયા ફેસબૂકનો ઉપયોગ કરે છે. આઠેક મહિના પહેલા ગત મે મહિનામાં પોતે ફેસબૂક સર્ચ કરી રહી હતી ત્યારે એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે અમિતસિંગ પ્રભાતસિંગ ચોૈહાણના નામની હતી.
યુવતિએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એસેપ્ટ કરી હતી. સામેથી અમિતસિંગે પોતે પોલીસ કર્મચારી છે તેવી ઓળખ આપી હતી. આ પછી બંને વચ્ચે મેસેજથી વાતચીત શરૂ થઇ હતી. એ પછી અમિતસિંગે પોતે અપરિણીત છે અને તેણીને ખુબ પસંદ કરે છે, પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે તેવી વાતો કરી હતી અને તેણીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આ પછી અમિતસિંગે લગ્નનું વચન આપીને યુવતિના ઘરે આવ-જા ચાલુ કરી હતી અને તેણી સાથે શરીર સંબંધ બાંધવાનું ચાલુ કર્યુ હતું. યુવતિએ શરૂઆતમાં ઇન્કાર કરતાં આપણે લગ્ન કરી જ લેવાના છે એવી વાત કરી હતી. આથી તેના પર તેણીએ વિશ્વાસ મુક્યો હતો. આ રીતે આ શખ્સે મે મહિનાથી લઇ ફેબ્રુઆરી સુધી અવાર-નવાર દેહ સંબંધ બાંધી લીધા હતાં. પરંતુ હવે યુવતિએ લગ્ન કરી લેવાનું કહેતાં તેણે ના પાડી દીધી હતી. હવે આ યુવકનો સંપર્ક જ થતો ન હોઇ પોતાની સાથે ખોટુ થયાનું જણાતાં યુવતિ પોલીસ સ્ટેશને પહોંચી હતી. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ શખ્સે યુવતિને પોતે રાજકોટનો વતની છે અને પોલીસમાં છે તેવી વાત કરી હતી. ખરેખર આ શખ્સ ક્યાં રહે છે? કોણ છે? તેની તપાસ શરૂ થઇ છે. (૧૪.૮)
(2:55 PM IST)










