News of Friday, 6th March 2026
મનપા લોબીમાં શહેર ભાજપના બે હોદેદારોની લટારઃ ચૂંટણી પહેલા સૂચક એન્ટ્રી
ગઈકાલે કોર્પોરેશનની અંતિમ સ્ટેન્ડીંગ સમયે મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા તથા મંત્રી ગેલાભાઇ રબારીએ કરેલ મુલાકાતથી ચર્ચા

રાજકોટ તા. ૬: મનપાની ગઈકાલે છેલ્લી સ્ટેન્ડીંગ મળેલ તથા વર્તમાન શાસકોની ટર્મ પણ તા. ૧૧ માર્ચના રોજ પૂરી થવાની છે, ત્યારે ભાજપ મોવડી મંડળ દ્વારા નવનિયુક્ત શહેર ભાજપના બે હોદ્દેદારોને કોર્પોરેશનમાં મોકલ્યા હોવાની ખબર વાયુવેગે પ્રસરી જતા અનેક ચર્ચા-પ્રશ્નો થવા લાગ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા તથા મંત્રી ગેલાભાઈ રબારી છેલ્લી સ્ટેન્ડીંગ સમયે મનપા પરિસરમાં મુલાકાતે આવ્યા હતા. વર્ષોબાદ સ્ટેન્ડીંગ સમયે શહેર ભાજપ પ્રમુખ સિવાયના હોદ્દેદાર દેખાતા મનપા લોબીમાં આヘર્ય સર્જાયું હતું.
જાણવા મળતી વિગતો પ્રમાણે પ્રદેશના આદેશ બાદ જ બંને હોદ્દેદારો મનપામાં મુલાકાત માટે ગયા હોય તેવી સંભાવનાઓ છે, ઉપરાંત કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને પણ આ મુલાકાત હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બંને હોદ્દેદારોએ મનપા લોબીમાં ચક્કર મારી ઓળખીતાઓ સાથે પ્રાથમિક વાતચીત કર્યાનું પણ જાણવા મળ્યું છે. આ મુલાકાતથી જુના જોગીઓ અને હાલની પરિસ્થિતિથી નારાજ નિષ્ઠાવાન કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો છે.
વલ્લભભાઈ તથા ગેલાભાઈ બંને જુના કાર્યકરો હોવાથી તેઓ કાર્યકર્તાઓના રોષને સારી રીતે સમજી અને તેનું નિરાકરણ કરી શકે તેવી લાગણી પણ પ્રવર્તી રહી છે. આમ ચૂંટણી પહેલા શહેર ભાજપ મહામંત્રી અને મંત્રીની કોર્પોરેશનમાં મુલાકાતથી નવા સમીકરણો ઉભા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
(3:08 PM IST)










