<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

લોહાણાપરાના હર્ષિતભાઇ કાગડા સાથે પિત્તળના ભંગારના સોદાના નામે ૭.૨૩ લાખની ઠગાઇ

ડેલે આવેલા યાજ્ઞિક પટેલ નામના શખ્‍સે સોદો કર્યો, ડ્રાઇવર આસિફે ગાડી ભરી લીધીઃ આંગડીયા પેઢીના કર્મચારીના નામે ફોન કરી પેમેન્‍ટ આવી ગયું એવુ કહ્યું: વેપારી પેમેન્‍ટ લેવા ગયા ત્‍યાં પાછડથી ડ્રાઇવર ગાડી લઇ છૂઃ એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૭: શહેરના ૧૫૦ ફુટ રિંગ રોડ પર રહેતા અને લોહાણાપરા વિસ્‍તારમાં પીતળના ભંગારનો ડેલો ધરાવતા વેપારી સાથે આયોજનબધ્‍ધ રીતે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવ બન્‍યો છે. મોરબીમાં ભઠ્ઠી ધરાવતા હોવાની ઓળખ આપી એક શખ્‍સે વેપારી પાસેથી લાખો રૂપિયાનો પીતળનો ભંગાર મંગાવ્‍યો હતો અને પેમેન્‍ટ આંગડિયા પેઢીમાં જમા થઈ ગયાનો બનાવટી ફોન કરાવીને માલ ભરેલી ગાડી ભગાડી મુકી હતી.  વેપારીએ પોલીસને જાણ કરતાં કાર્યવાહી થઇ છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે આફ્રિકા કોલોની-૪ રામ વિલા ફલેટ નં. ૫૦૧ ખાતે રેહતાં હર્ષિતભાઇ અશ્વીનભાઇ કાગડા (ઉ.વ.૩૫) નામના વેપારીની ફરિયાદ પરથી યાજ્ઞિક પટેલ અને જીજે૦૩સીયુ-૦૯૨૧ના ચાલક સામે ૭,૨૩,૦૦૦નો પિત્તળનો ભંગાર છેતરપીંડીથી લઇ જવા સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વધુ વિગત મુજબ વેપારી હર્ષિતભાઈ લોહાણાપરામાં પિત્તળના ભંગારનો ડેલો ધરાવે છે. તેમના ડેલા પર અગાઉ એકાદ વર્ષ પહેલા યાજ્ઞિક પટેલ નામનો શખ્‍સ આવ્‍યો હતો અને તેણે પોતાની ઓળખ મોરબીમાં પીતળ ગાળવાની ભઠ્ઠી ધરાવતા હોવાની આપી હતી. ગત તા. ૨૪/૦૨ના રોજ યાજ્ઞિકે વેપારીને ફોન કરી પીતળના ભંગારની જરૂરિયાત હોવાનું જણાવી ઓર્ડર આપ્‍યો હતો. બીજા દિવસે વેપારીએ ૧૦૨૪.૫૦૦ કિલો પીત્તળનો જથ્‍થો તૈયાર રાખ્‍યો હતો, જેનો કુલ ભાવ રૂ. ૭,૨૩,૨૦૦  નક્કી કરવામાં આવ્‍યો હતો. યાજ્ઞિકે આ પેમેન્‍ટ ગોંડલ રોડ પર આવેલી કનુ કાંતિલાલ આંગડિયા પેઢીમાં મોકલાવી આપવાનો વાયદો કર્યો હતો.

બપોરના સમયે યાજ્ઞિકે મોકલેલી મહિન્‍દ્રા માલવાહક ગાડી નંબર જીજે૦૩સીયુ-૦૯૨૧  વેપારીના ડેલા પર પહોંચી હતી, જેમાં વેપારીએ માલ ભરી આપ્‍યો હતો. વેપારીએ શરત રાખી હતી કે પેમેન્‍ટ મળે પછી જ ગાડી અહીંથી જવા દેશે. દરમિયાન સાડા ત્રણ વાગ્‍યાની આસપાસ વેપારી પર એક અજાણ્‍યા નંબર પરથી ફોન આવ્‍યો હતો અને સામેની વ્‍યક્‍તિએ પોતે કનુ કાંતિલાલ આંગડિયા પેઢીમાંથી બોલતા હોવાનું કહીને રૂ. ૭.૨૩ લાખનું પેમેન્‍ટ આવી ગયાનું જણાવ્‍યું હતું. વેપારી જ્‍યારે આંગડિયા પેઢી પર પેમેન્‍ટ લેવા પહોંચ્‍યા ત્‍યારે જાણવા મળ્‍યું કે આવું કોઈ પેમેન્‍ટ આવ્‍યું નથી અને પેઢીમાંથી કોઈએ ફોન પણ કર્યો નથી.

વેપારી તાત્‍કાલિક પેઢી પરથી પાછા ડેલા પર આવ્‍યા તો ત્‍યાંથી માલ ભરેલી ગાડી નીકળી ગઈ હતી. ડ્રાઇવર આસિફ રાવકુડા અને મુખ્‍ય સુત્રધાર યાજ્ઞિક પટેલના ફોન કરતા પહેલા તો તેમણે ફોન ઉપાડ્‍યા નહોતા અને બાદમાં સ્‍વીચ ઓફ કરી દીધા હતા. દોઢ કલાક બાદ ડ્રાઇવરે ફોન ઉપાડીને એવું બહાનું કાઢયું હતું કે તેણે નીકાવા પાસે યાજ્ઞિક પટેલને માલ બીજી રિક્ષામાં ભરાવી દીધો છે અને તેઓ જામનગર બાજુ ગયા છે. પોતાની સાથે થયેલી આ સુનિયોજિત છેતરપિંડી અંગે હર્ષિતભાઈએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીઆઇ બી. વી.સ બોરીસાગરની રાહબરીમાં હેડકોન્‍સ. વાય. એમ. ગોહિલે ગુનો દાખલ કરી આંગડિયા પેઢીના નામે આવેલા ફેક કોલ અને ગાડીના નંબરના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

(2:12 PM IST)