તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 7th March 2026
મારા છોકરાઓ વિરૂધ્ધની ફરિયાદ પાછી નહિ ખેંચો તો ઝેર પી જઇશઃ રાજુભાઇને સગા બહેનની ધમકી
રૈયાધાર ઇન્દિરાનગરના પ્રોૈઢના ઘરે આવી બહેને માથાકુટ કરીઃ યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૭: શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતાં પ્રોૈઢને અગાઉની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના સગા બહેને માનસિક રીતે હેરાન કરી ગંભીર ધમકી આપતાં ચર્ચા જાગી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર ઇન્દિરાનગર-૧૨માં રહેતાં રાજુભાઇ પ્રેમજીભાઇ મુછડીયાની ફરિયાદ પરથી વેજાગામમાં રહેતાં તેમના બહેન શાંતાબેન હમીરભાઇ મેરીયા સામે ગુનો દાખલ કર્યો છે. રાજુભાઈએ આક્ષેપ કર્યો છે કે તેમની બહેન દ્વારા અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તેમને અવારનવાર માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને ગંભીર ધમકીઓ આપવામાં આવી રહી છે. તા.૬ના સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં રાજુભાઈ જ્યારે તેમના પત્ની નાથીબેન સાથે ઘરે હતા, ત્યારે વેજાગામ ખાતે રહેતી તેમની નાની બહેન કાન્તાબેન અચાનક તેમના ઘરે આવી પહોંચયા હતાં અને ઉગ્ર દલીલો શરૂ કરી હતી અને કહ્યું હતું કે-તમે મારા દીકરાઓ વિરૂધ્ધ જે પોલીસ ફરિયાદ કરી છે તે તાત્કાલિક પાછી ખેંચી લો અને સમાધાન કરી નાખો. જ્યારે રાજુભાઈએ સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડી ત્યારે કાન્તાબેને તેમને ડરાવવા માટે જો તમે ફરિયાદ પાછી નહીં ખેંચો તો હું ઝેરી દવા પી જઈશ તેવી આત્મહત્યાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રાજુભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેમની બહેન અગાઉ પણ અનેકવાર આ બાબતે દબાણ કરવા આવી ચુકી છે. આ ઉપરાંત તેમને કાન્તાબેનના સાસરીયા પક્ષ તરફથી પણ પોતાના આખા પરિવાર પર જોખમ હોવાનો સતત ડર રહેતો હતો. ગબહેને ઘરમાં આવીને ધમાલ મચાવતા અને ધમકી આપતા ગભરાઈ ગયા હતા અને તુરંત ૧૧૨ નંબર પર ડાયલ કરી પોલીસની મદદ માંગી હતી. પોલીસની ગાડી ઘરે આવતા મામલો થાળે પડ્યો હતો. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ મુકેશભાઇ ચરમટાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:35 PM IST)










