News of Saturday, 7th March 2026
રાજકોટના ઉદ્યોગોને ગેસ પુરવઠા અંગે રાહત આપવા રમેશભાઈ ટીલાળાની રજૂઆત

રાજકોટઃ શહેર તથા આસપાસના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા PNG ગેસના પુરવઠામાં હાલ થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોને સરળતા રહે તે હેતુથી રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ કેન્દ્ર સરકાર સમક્ષ વિગતવાર રજૂઆત કરી છે. હાલ ગુજરાત ગેસ કંપની દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ઉદ્યોગોને એક્ચ્યુઅલ વપરાશના ૫૦ ટકા જેટલો ગેસ વાપરવાની મર્યાદા રાખવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનો ૨૮ દિવસનો હોવાને કારણે ઉદ્યોગોના એક્ચ્યુઅલ વપરાશમાં સામાન્ય રીતે ઘટાડો રહે છે. આ બાબતને ધ્યાનમાં લઈ ઉદ્યોગોને એક્ચ્યુઅલ DCQના ઓછામાં ઓછા ૭૫ ટકા સુધી ગેસ વાપરવાની છૂટ આપવામાં આવે તો ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા સુગમ રીતે ચાલુ રહી શકે તેવી વિનંતી રજૂઆતમાં કરવામાં આવી છે.
ક્રિટિકલ અને કન્ટિન્યુઅસ પ્રોસેસ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ જેમ કે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ અને હીટ ટ્રીટમેન્ટ જેવા ઉદ્યોગોને ખાસ ધ્યાનમાં રાખી તેમને જરૂરી સુવિધા અને રાહત આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે, સિરામિક ઉદ્યોગોમાં ગેસના ઓછા વપરાશને કારણે કેટલીક એકમોમાં ઉત્પાદન બંધ રાખવાની સ્થિતિ સર્જાઈ હોવાની માહિતી મળતાં, શક્ય હોય તો તે ગેસ પુરવઠાનો એક ભાગ રાજકોટના ઉદ્યોગોને ફાળવવા અંગે પણ વિચારણા જરૂરી છે.
ધારાસભ્ય શ્રી ટીલાળાએ કેન્દ્ર દ્વારા સંવેદનશીલતા પૂર્વક વિચારણા કરી રાજકોટ સહિત રાજ્યના ઉદ્યોગોને જરૂરી સહાય અને રાહત મળે તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.
(2:20 PM IST)










