<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

નવા રોસ્‍ટર મુજબ બેઠક વહેંચણી અઘરીઃ પુષ્‍કર પટેલ રિપીટ થશે કે નવાને તક?

રાજકોટના ‘ક્રીમ' ગણાતા વોર્ડ નં. ૯ માં ચૂંટણી સમીકરણો ગરમાયા : ભાજપનો ગઢ ગણાતા વોર્ડ ૯ માં પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમ જેવી આધુનિક સુવિધાઓ છે, પરંતુ છેવાડાના વિસ્‍તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : ચૂંટાયા પછી નગરસેવકો દેખાતા ન હોવાની વ્‍યાપક ફરિયાદ : નવી અનામત બેઠકો (ઓબીસી મહિલા, સામાન્‍ય મહિલા, એસસી અને સામાન્‍ય) આવતા કડવા પટેલ, બ્રાહ્મણ, લોહાણા અને આહિર સમાજના જ્ઞાતિગત સમીકરણો બેસાડવા પક્ષ માટે માથાનો દુખાવો

રાજકોટ : વિધાનસભા સત્ર પૂરું થતાં જ મહાનગરપાલિકા અને જિલ્‍લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થવાના એંધાણ છે, ત્‍યારે રાજકોટના પશ્ચિમ વિધાનસભા વિસ્‍તારમાં આવતા અને ભાજપના ગઢ સમાન વોર્ડ નંબર ૯ માં રાજકીય ગરમાવો અને ટિકિટ વાંચ્‍છુઓની ચર્ચાઓ તેજ બની છે. શહેરના ક્રીમ વિસ્‍તાર ગણાતા આ વોર્ડમાં પ્રબુદ્ધ નાગરિકો વસવાટ કરે છે. જોકે, અહી કોઈ મોટા જાટિલ પ્રશ્નો ન હોવા છતાં લોકોનું કહેવું છે કે ચૂંટણી જીત્‍યા પછી મોટાભાગના નગરસેવકો વોર્ડમાં ડોકિયું પણ કરતા નથી અને પ્રજા સાથે જે સંપર્ક કે સંવાદ હોવો જોઈએ તેનો સદંતર અભાવ છે.

હાલના નગરસેવકો પુષ્‍કર પટેલ, આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણી અને જીતુભાઈ કાટોડીયા (કાથરોટીયા) પૈકી દક્ષાબેન વસાણી અને પુષ્‍કરભાઈ પટેલ એક્‍ટિવ હોવાનું સ્‍થાનિકો જણાવી રહ્યા છે. બીજા બહેન ક્‍યાંક નજરે પડે છે, જ્‍યારે અન્‍યની પાંખી હાજરી છે. વોર્ડમાં પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમ, મહિલા લાઇબ્રેરી અને અભય ભારદ્વાજ હોલ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે, પરંતુ છેવાડાના વિસ્‍તારો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ બાબતે સ્‍થાનિકો ઇચ્‍છી રહ્યા છે કે પક્ષ એકાદ બે નવા અને યુવા ચહેરાઓને તક આપે.

રાજ્‍ય ચૂંટણી આયોગના નવા રોસ્‍ટર મુજબ વોર્ડ નં. ૯ માં પ્રથમ બેઠક ઓબીસી મહિલા, બીજી સામાન્‍ય મહિલા, ત્રીજી એસસી અને ચોથી સામાન્‍ય બેઠક તરીકે નક્કી થઈ છે. આ નવા માળખાને કારણે વર્તમાન કોર્પોરેટરોમાંથી બંને મહિલા કોર્પોરેટરો ‘નો રિપીટ' થાય તેવી પૂરી શક્‍યતા છે.

એસસી બેઠક આવવાથી જીતુભાઈની ટિકિટ કપાવાનું પણ નિヘતિ ચિત્ર ઉપસી આવ્‍યું છે. જ્‍યારે જો બે ટર્મથી વધુ લડેલા ઉમેદવારને ટિકિટ ન આપવાની પોલિસી લાગુ પડે તો પુષ્‍કર પટેલને પણ પડતા મુકવામાં આવી શકે છે. જો પુષ્‍કરભાઈ રિપીટ ન થાય તો તેમની સામે વિક્રમ પુજારાને તક મળી શકે તેવી  ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે.

ભૌગોલિક દ્રષ્ટિએ ઇન્‍દિરા સર્કલ, યુનિવર્સિટી, મુંજકા, રૈયા રોડ, હનુમાન મઢી અને સાધુવાસવાણી રોડ સુધી વિસ્‍તરેલા આ મોટા વોર્ડમાં કડવા પટેલ, બ્રાહ્મણ, લોહાણા અને આહિર સમાજનું ખાસું વર્ચસ્‍વ છે. અગાઉ આ વોર્ડમાંથી કડિયા સમાજના શિલ્‍પાબેન જાવિયા અને પ્રવીણ મારુ (બે ટર્મ) ચૂંટણી લડી ચૂક્‍યા છે, જ્‍યારે કમલેશ મીરાણી પણ અહીંથી કોર્પોરેટર રહી ચૂક્‍યા છે. હાલ આ વોર્ડમાંથી શહેર ભાજપ સંગઠન, પ્રદેશ કારોબારી અને શિક્ષણ સમિતિમાં વિવિધ આગેવાનો જવાબદારી સંભાળી રહ્યા છે.

હાલના સમીકરણો જોતાં એક કડવા પટેલ પુરુષ, એક બક્ષીપંચ મહિલા (આહિર કે માલધારી સમાજમાંથી), એક દલિત પુરુષ અને એક સામાન્‍યસ્ત્રી (બ્રાહ્મણ કે લોહાણા સમાજમાંથી કોને ટિકિટ આપવી) તે પસંદગી કરવી પક્ષ માટે અઘરી પ્રક્રિયા સાબિત થશે. યોગ્‍ય ઉમેદવારની પસંદગી નહીં થાય તો પ્રજાની નારાજગી ચૂંટણી પરિણામો પર સીધી અસર કરી શકે છે.

(11:32 AM IST)