<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

સ્ત્રી મિત્ર કાજલબેન ગોંડલીયાને મોઢે મુંગો દઇ છરીના ઘા ઝીંકી હત્‍યાનો પ્રયાસઃ આરોપી હિમત વાળાનો ટ્રેન હેઠળ કૂદી આપઘાત

બરવાળા (ભેંસાણ)ના મહિલા છુટાછેડા લઇ સાતેક વર્ષથી રાજકોટ કોઠારીયા સોલવન્‍ટમાં રહે છેઃ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હુમલો કરી ભાગી જતાં કાજલબેન લોહીલુહાણ હાલતમાં સામેના ભાગે રહેતાં મહિલા પાસે મદદે જતાં તેમણે ૧૦૮ને અને મહિલાના સગાને જાણ કરીઃ આજીડેમ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ સાતેક વર્ષથી પતિથી છુટાછેડા લઇ કાજલબેન રાજકોટ રહે છેઃ હિમત મોટે ભાગે બરવાળામાં પત્‍નિ પાસે જતો રહેતો હોઇ કાજલબેન મૈત્રી છુટી કરી ફરી પુર્વ પતિ પાસે જવાની વાત કરતાં હોવાથી ઝઘડો થયો અને સવારે ગામેડેથી આવી હુમલો કર્યા બાદ પોતે ટ્રેન હેઠળ કૂદી મોત મેળવી લીધું

રાજકોટ તા. ૯: શહેરના કોઠારીયા સોલવન્‍ટ શીતળાધારમાં રહેતાં મુળ જુનાગઢના બરવાળા-ભેંસાણના મહિલા પર તેના જ પુરૂષમિત્રએ વહેલી સવારે છરીથી હુમલો કરી ગળા, છાતી, પેટ પર આડેધડ ઘા ઝીંકી દેતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરાયા છે. પતિ સાથે સાત વર્ષ પહેલા છુટાછેડા લીધા બાદ આ મહિલાએ ગામના જ પુરૂષ સાથે મૈત્રીકરાર કર્યા હતાં અને રાજકોટ રહેતાં હતાં. જો કે હવે આ પુરૂષમિત્ર મોટે ભાગે રાજકોટ રહેવાને બદલે તેના વતનમાં પત્‍નિ પાસેજ રહેતો હોઇ મહિલાએ મૈત્રી છુટી કરવાનું અને ફરી પોતાના અગાઉના પતિ પાસે જવાની વાત કરી હોઇ આ બાબતનો ખાર રાખી પુરૂષ મિત્ર સવારે ગામડેથી આવ્‍યો હતો અને મહિલાનું મોઢું દાબી દઇ છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. આ પછી તેણે કોઠારીયા સોલવન્‍ટ નજીક ટ્રેન હેઠળ કૂદી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ શીતળાધાર ૨૫ વારીયામાં શેરી નં. ૨૯માં શંકર ભગવાનના મંદિર પાસે રહેતાં કાજલબેન ભુપતભાઇ ગોંડલીયા (ઉ.વ.૪૫) સવારે પાંચેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે તેના મિત્ર જુનાગઢ ભેંસાણના બરવાળા ગામેના હિમત વાળાએ આવી છરીથી હુમલો કરતાં ગળા, છાતી, પેટના ભાગે ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. 

વધુ વિગતો મુજબ કાજલબેન મુળ મહારાષ્‍ટ્રના છે. તેમના લગ્ન બરવાળાના ભુપતભાઇ ગોંડલીયા-પટેલ સાથે થયા છે. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. દિકરા સાગરભાઇએ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે મારા માતા કાજલબેનનો સંપર્ક સાતેક વર્ષ પહેલા ગામના જ હિમત નામના શખ્‍સ સાથે થયો હતો ત્‍યારથી માતા અને મારા પિતા વચ્‍ચે ચડભડ થતી હતી. આ પછી મારા મમ્‍મીએ છુટાછેડા લઇ લીધા હતાં અને તે રાજકોટ હિમત સાથે રહેવા આવી ગયા હતાં. આ બંને મૈત્રી કરારથી રહેતાં હતાં. જો  કે હિમત પરણેલો હોઇ અને તેને સંતાન પણ હોઇ તે ગામમાં પોતાના પરિવાર સાથે પણ રહેતો હતો અને રાજકોટ મારા મમ્‍મી સાથે પણ રહેતો હતો.

હાલમાં હિમત મોટે ભાગે ગામડામાં તેના પત્‍નિ સાથે જ રહેતો હોઇ જેથી મારા મમ્‍મીએ તેની સાથે મૈત્રી કરાર પુરા કરવાનું નક્કી કર્યુ હતું અને ફરીથી મારા પિતા સાથે તે રહેવા આવી જાય તેવી વાત થઇ રહી હતી. આ બાબતની જાણ હિમતને થતાં તેને ગમ્‍યું નહોતું. આથી તે સવારે પાંચેક વાગ્‍યે મારા મમ્‍મી જ્‍યાં રહે છે ત્‍યાં આવ્‍યો હતો અને વાતચીત કર્યા બાદ તેણીનું મોઢુ દબાવી દઇ છરીથી તૂટી પડયો હતો. બાદમાં તે ભાગી ગયો હતો. આ પછી મારા મમ્‍મી લોહી નીકળતી હાલતમાં સામે રહેતાં મહિલા પાસે ગયા હતાં અને મદદ માંગતાં તેમણે ૧૦૮ને અને પોલીસને જાણ કરી હતી. અમને પણ જાણ થતાં  અમે રાજકોટ પહોંચ્‍યા હતાં. તેમ વધુમાં સાગરભાઇએ કહ્યું હતું.

હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં. આ દરમિયાન પોલીસને જાણવા મળ્‍યું હતું કે એક અજાણયા પુરૂષે કોઠારીયા સોલવન્‍ટ શિતળાધાર ત્રણ માળીયા ક્‍વાર્ટર નજીક ટ્રેન હેઠળ કૂદીને આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. બરાડીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આગળ ધપાવતાં આ મૃતદેહ કાજલબેનની હત્‍યાનો પ્રયાસ કરી ભાગી જનારા ભેંસાણ બરવાળાના મુળ વતની હિમતભાઇ ગોબરભાઇ વાળા (ઉ.વ.૪૫)નો હોવાનું ખુલતાં  તેમના સગા સ્‍વજનોને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્‍યું હતું.

આપઘાત કરનાર હિમતભાઇ યાર્ડમાં ફેરા કરતાં હતાં. તે ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં એક દિકરો છે. ભાણેજ ીહમાંશુભાઇએ મૃતકની લાશ ઓળખી બતાવી હતી. કાજલબેન પર હુમલો કર્યા બાદ તેણીનું મૃત્‍યુ થઇ ગયાનું સમજી ગભરાઇને હિમતભાઇએ આ પગલુ ભર્યાની શક્‍યતા છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. હુમલામાં ઘાયલ કાજલબેન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

(2:30 PM IST)