<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

‘ઝૂમકા ગીરા રે.. બરેલી કે બાઝાર મે..' ગીતનો જન્‍મ કઇ રીતે થયો?

બરેલીનું ઝૂમકું કોનું? ‘મેરા સાયા’ ફિલ્મમાં અભિનેત્રી સાધનાનું ઝૂમકુ બરેલીના બજારમાં જ કેમ પડ્યું? હરિવંશરાય બચ્ચન સાહિત્યકાર હતા જ્યારે તેજી સૂરી મનોવિજ્ઞાન વિષયના પ્રોફેસર હતા અને તેજી સૂરીની સગાઈ વિદેશમાં વસતા ઍક યુવક સાથે થઈ ચૂકી હતી પણ... ગીતકાર રાજા મહેંદી અલી ખાનના મગજમાં તેજી સૂરીનું ઝૂમકું ઘર કરી ગયું અને...

ઝુમકા ગીરા રે.. બરેલી કે બાઝાર મે.. આ ગીત કોણે નથી સાંભળ્‍યું? વર્ષોથીસ્ત્રીઓનો સૌથી પ્રિય શણગાર ઝુમકા બરેલીની ઓળખ રહ્યો છે. આ શહેર તેના ઝુમકા માટે એટલું પ્રખ્‍યાત છે કે ૨૦૧૯ માં અહીંના એક ચોકનું નામ બદલીને ઝુમકા ચૌરાહા રાખવામાં આવ્‍યું. શું તમે ક્‍યારેય વિચાર્યું છે કે બરેલીના બજારમાં ખરેખર કોનું ઝુમકું પડ્‍યું હતું? જેના કારણે તેના વિશે ગીત લખવામાં આવ્‍યું હતું? તમને કદાચ ૧૯૬૬ ની ફિલ્‍મ મેરા સાયાની પ્રખ્‍યાત અભિનેત્રી સાધના યાદ હશે. કારણ કે આ ગીત તેમના પર ફિલ્‍માવવામાં આવ્‍યું હતું. તાજેતરમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આગામી ફિલ્‍મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં ઝુમકા ગિરા રે બરેલી કે બજાર મેં ફરીથી બનાવવામાં આવ્‍યું અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યું. આજે અકિલાના વાંચકોને આ ઝુમકા પાછળની વાસ્‍તવિક હકિકત જણાવીશું. બરેલીના ઝુમકા ગીતને પ્રેરણા આપતી પ્રેમકથા શું છે આવો જાણીએ.

અભિનેત્રી સાધના શિવદસાની પોતાની સુંદરતા અને અભિનય માટે તો જાણીતી હતી જ ઉપરાંત તે હિન્‍દી ફિલ્‍મોની એક એવી પહેલી અભિનેત્રી હતી જેના નામની ‘હેર-સ્‍ટાઇલ' પ્રખ્‍યાત થઈ હતી. એવી જ રીતે ફિલ્‍મ ‘મેરા સાયા'ના સાધના પર ફિલ્‍માવવામાં આવેલા બરેલી કે બાઝાર મેં ઝૂમકા ગીરા રે... ગીતે તો ફિલ્‍મી જગતમાં રીતસરની ધુમ મચાવી દીધી હતી. મારી જેમ ઘણા લોકોના મનમાં પણ એક પ્રશ્ન ઉદભવતો જ હશે કે સાધનાનું ઝૂમકુ બરેલીના બજારમાં જ કેમ પડ્‍યું? ન તો ફિલ્‍મની કથામાં બરેલી શહેરનો ઉલ્‍લેખ છે કે ન તો બરેલીનું બજાર ઝૂમકા કે બીજા ઝવેરાતો માટે જાણીતું છે! સાધનાનું ‘ઝૂમકુ' દિલ્‍હીના ‘મીના બજાર' માં પડે, ઈંદોરના ‘શરાફા બજાર' માં પડે, હૈદરાબાદના ‘મોતી બજાર' માં પડી જાય એ સમજી શકાય પણ બરેલીમાં?

આમ તો દરેક શહેરની કોઈ ને કોઈ ખાસિયત જરૂર હોય છે જેમ કે ઈંદોર શહેરના ‘પૌંઆ-જલેબી', આગ્રાના ‘પેઠા', બનારસના ‘પાન', વડોદરાનો ‘લીલો ચેવડો', ‘ભાખરવડી', રાજકોટના ચેવડો-પેંડા વગેરેનો લોકો એકવાર આસ્‍વાદ માણવા આતુર હોય છે જ્‍યારે અમુક શહેરો એવા પણ હોય છે કે જે તેની ખાસિયતોને કારણે નહીં પણ અમુક અલગ ચીજો, કારણોને લીધે જબરદસ્‍ત પ્રસિદ્ધી પામ્‍યા હોય, જેમકે બરેલી નું ઝૂમકુ નવાઈની વાત તો એ છે કે ઉત્તર પ્રદેશનું એ શહેર ન તો ઝવેરાત માટે જાણીતું છે ન તો પોતાના આગવા પરિધાન માટે. બહુ બહુ તો ત્‍યાંની વાંસ અને નેતરની બનાવટો વખણાય, આંખે આંજવાનો સૂરમો વખણાય પણ ક્‍યાં વાંસ-નેતરનું ફર્નિચર, સૂરમો અને ક્‍યાં કાનમાં પહેરવાનું ઝૂમકું! બરેલીનો સૂરમો લાખો લોકોની આંખોમાં ચમકી રહ્યો હશે તો પછી ફિલ્‍મ ‘મેરા સાયા'માં ગીતકાર મહેંદી અલી ખાનને આ પ્રકારનું ગીત ક્‍યાંથી સૂઝયું હશે!!

આગળ જણાવ્‍યા મુજબ ફલેશબેકમાં રાતના અંધારામાં દેવી માતાના મંદિરના પ્રાંગણમાં ચિત્રાંકન થયેલા આ ગીતને કે ફિલ્‍મની કહાનીને ન તો બરેલી શહેર જોડે કંઈ સ્‍નાન-સૂતકનો સંબંધ હતો ન તો કથાનું સાતત્‍ય જાળવવા માટે ‘ઝૂમકા'ની આવશ્‍યકતા હતી.‘બરેલી ના ઝૂમકા'ની કથા ગીતકાર મહેંદી અલી ખાનથી શરૂ થઈ હતી જેઓનો નિયમિત રીતે બરેલી શહેરમાં આવરો-જાવરો રહેતો. આ વિશે વધુ જાણવા માટે આપણે સીતેરેક વરસ પાછળ ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે. ગીતકાર મહેંદી અલી ખાન હરિવંશરાય બચ્‍ચન અને તેજી સૂરી (લગ્ન પહેલા)ના મિત્ર હતા. વાત આઝાદી પહેલાની છે. સાલ ૧૯૪૧ ના અંતીમ દિવસની એટલેકે ૩૧ ડિસેમ્‍બરની. એ વખતે દેશ ના ભાગલા પડ્‍યા નહોતા અને એ જ કારણે લાહોરના ખજાન સિહ સરદારની દિકરી તેજી સૂરી અને અલ્‍હાબાદી હરિવંશરાય બચ્‍ચનના પ્રેમ કહાનીનો પંથ આસાન રહ્યો હતો અને એમણી આ પ્રેમ પંખીડાઓની મૂલાકાતો, યાદોનું સાક્ષી બન્‍યું હતું આ બરેલી શહેર.

હવે માંડીને વાત કરીએ તો લગભગ એંસી વર્ષ પહેલા જો લાહોરની તેજી સૂરી બરેલી શહેર ન આવ્‍યા તો કદાચ આપણને ભારતને સદીના મહાનાયકના રૂપમાં અમિતાભ બચ્‍ચન ન મળ્‍યા હોત. હરિવંશરાય બચ્‍ચન એ વખતે પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂક્‍યા હતા. ૧૯૪૧ની નાતાલની રજાઓ ચાલી રહી હતી તેના થોડા સમય પહેલા જ હરિવંશરાય બચ્‍ચન પિતા અને પોતાની પહેલી પત્‍નીને ખોઈ ચૂક્‍યા હતા. સ્‍વજનોની ઉપરાઉપરી વિદાયથી અંદરોઅંદર મનથી તૂટી ગયેલા બચ્‍ચનજી બરેલીમાં પોતાના મિત્ર પ્રોફેસર જ્‍યોતિ પ્રકાશને ઘરે પહોંચી ગયા. આમ પણ બચ્‍ચનજીને બરેલીની એક કોલેજમાં નોકરી પણ મળી ગઈ હતી પણ હજી તેઓ નોકરીએ જોડાયા નહોતા. એ વખતે પ્રોફેસર જ્‍યોતિ પ્રકાશને ઘરે એક બીજા મહેમાન પણ હતા જે બીજુ કોઈ નહીં પણ તેજી સૂરીજી હતા. આમ બચ્‍ચનજી અને તેજીજીની પહેલી મુલાકાત બરેલી શહેરમાં પ્રોફેસર જ્‍યોતિ પ્રકાશને ઘરે એકત્રીસ તારીખે સવારે ચા ના સમયે થઈ હતી.

 તેજીજીનું રૂપ, તેજસ્‍વીતા જોઈને બચ્‍ચનજી અભિભૂત થઇ ગયા હતા. બચ્‍ચનજી સાહિત્‍યકાર હતા જ્‍યારે તેજી સૂરી મનોવિજ્ઞાન વિષયના પ્રોફેસર હતા અને તેમની સગાઈ વિદેશમાં વસતા એક યુવક સાથે થઈ ચૂકી હતી પણ બન્નેના સ્‍વભાવ વચ્‍ચે આસમાન-જમીનનો ફેર હતો એટલે તેજી સૂરી એ સંબંધ આગળ વધારવા ઉત્‍સુક નહોતા. એ દિવસોમાં તેજીજીના કોલેજના પ્રિન્‍સીપાલ- સખી હતા પ્રેમા જોહરી જે બરેલીના જ રહેવાસી હતા અને તેજી સૂરીના દિલની વાતથી બરાબર વાકેફ હતા. આ પ્રેમા જોહરીના પતિ પ્રેમ પ્રકાશ જોહરી બરેલીની કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા અને બચ્‍ચનજીના ખાસ મિત્ર પણ હતા. તેજી સૂરી એક તરફ પોતાના ભાવિ પતિ સાથે મનભેદને કારણે અસહજતા અનુભવી રહ્યા હતા જ્‍યારે બીજી બાજુ બચ્‍ચનજી પણ પોતાની પહેલી પત્‍નીના અકાળ અવસાનથી આઘાતમાં હતા. આથી પ્રોફેસર જોહરીને બન્ને તુટેલા દિલોને જોડવાનો વિચાર આવ્‍યો અને એમને એનો મોકો પણ મળી ગયો. ૩૧મી ડિસેમ્‍બરે બરેલી શહેરના પ્રખ્‍યાત વકીલ રામ શરણ સક્‍સેનાના ઘરે એક સંગીત-પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં બચ્‍ચનજી અને તેજીજીની બેઠક બાજુ બાજુમાં જ આવી હતી કે ગોઠવવામાં આવી હતી. મોડી રાત્રે જ્‍યારે ઘરે પાછા ફર્યા ત્‍યારે પ્રકાશજીએ બચ્‍ચનજીને નવા વર્ષ પર એક કવિતા સંભળાવવા આગ્રહ કર્યો. બચ્‍ચનજીએ પંક્‍તિ સંભળાવી, ઉસ નયન મેં બહ સકી કબ ઇસ નયન કી અશ્રુધારા.. એ સાંભળી તેજી સૂરીના આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને બચ્‍ચનજી પણ પોતાને રોકી ન શક્‍યા અને બન્નેની આ સ્‍થિતિ જોઈ જોહરી દંપતી બહાર નીકળી ગયા અને બન્ને સમદુઃખીઓ ગળે વળગીને આખી રાત રોતા રહ્યા. હજી બન્ને ને મળ્‍યે ચોવીસ કલાક પણ નહોતા થયા અને હવે તેઓ અજનબી મટીને એકબીજાના થઈ ચૂક્‍યા હતા. નવા વરસની સવારે ઘણુ બધુ બદલાઈ ગયું હતું. પ્રકાશજી એ બન્નેને હારમાળા પહેરાવીને બન્નેની સગાઇ જાહેર કરી દીધી. એ વખતે તેજી સૂરીનું ઝૂમકુ બચ્‍ચનજીના કુર્તામાં ભરાઈ ગયું કા'તો બરેલીના બજારમાં આલિગનમાં ક્‍યાંક ખોવાઈ ગયું. એટલે જ કદાચ મહેંદી અલી ખાને ગીતમાં આ શબ્‍દો લખ્‍યા છે સૈયા આએ નૈન ઝુકાએં ઘર મેં ચોરી ચોરી, બોલે ઝૂમકા મૈં પહના દૂઁ આજા બાઁકી છોરી..

 આમ ને આમ બન્ને વચ્‍ચે પ્રેમ પાંગરતો ગયો જેને પરિણામે તેજી સૂરીએ પોતાના પિતાના આશીર્વાદ અને સંમતિ મેળવવા લાહોરની વાટ પકડી અને બચ્‍ચનજી અલ્‍હાબાદ જઈને લગ્નની તૈયારીમાં પડી ગયા. હજી સુધી લગ્નને વાર હતી એટલે મિત્રો સગા સંબંધીઓ લગ્નની તારીખ વિશે પૂછ્‍યા કરતા. એક કાર્યક્રમમાં ગીતકાર રાજા મહેંદી અલી ખાન, બચ્‍ચનજી અને તેજી સૂરી સાથે થઈ ગયા હતા. જ્‍યાં તેજીજીને પ્રેમ પ્રકરણ ક્‍યાં સુધી ચાલશે એમ પૂછવામાં આવતા તેજી સૂરીએ બહુ સુંદર જવાબ આપ્‍યો કે, મેરા ઝુમકા તો બરેલી કે બાજાર મેં ગિર ગયા હૈ.. આ જવાબનો અર્થ એમ પણ નીકળી શકે કે સગાઈ તો કરી લીધી છે, ફેરા પણ ફરી લેશું. એ વખતે ત્‍યાં ઉપસ્‍થિત ગીતકાર મહેંદી અલી ખાનના મગજમાં આ કિસ્‍સો ઘર કરી ગયો હતો. પચ્‍ચીસ વર્ષ પછી જ્‍યારે ફિલ્‍મ ‘મેરા સાયા' માટે એમને ફાળે ગીત લખવાનું આવ્‍યું ત્‍યારે આ તેજી સૂરીનો કિસ્‍સો યાદ આવી ગયો અને આ ગીત ઝૂમકા ગીરા રે, બરેલી કે બાઝાર મેં...નો જન્‍મ થયો એમ કહી શકાય.

બરેલીનું એક પ્રાચીન નામ પાંચાલ પણ છે અને દ્રોપદી અહીંની જ રાજ કુમારી હતી અને કહેવાય છે કે એને ઝૂમકાનો ઘણો શોખ હતો. પણ ફિલ્‍મમાં ઝૂમકુ સાધના કે દ્રોપદીનું નહીં પણ તેજી સૂરીનું પડી ગયું હતું જે પછી તેજી બચ્‍ચન બન્‍યા હતા. પચ્‍ચાસેક વર્ષ પહેલા બનેલી ફિલ્‍મના આ સદાબહાર ગીતે ન જાણે કેટલાય દિલો પર છરી ચલાવવાનું કામ કર્યું છે અને બરેલી શહેરની ગલીઓમાં જુવાન છોકરીઓ ઝૂમકુ ગોતતી ફરે છે અને કેટલીક નટખટ છોકરીઓ એકબીજાને ચીડવતા કહે છે ક તારું ઝૂમકુ ક્‍યા અને ક્‍યારે પડશે.. ખેર, આ તો થઈ મજાકની વાત... આમ આ લોકપ્રિય ગીતની વાત હરિવંશરાય બચ્‍ચન અને તેજી સૂરીના પ્રેમ કહાની સાથે સંકળાયેલી છે જે ઘણા ઓછા લોકો જાણતા હશે. મોડે મોડે પણ બરેલી પ્રશાસનને ‘બરેલી ના ઝૂમકા'નું મહત્‍વ સમજાયું અને હાઇવે પર ત્રણ રસ્‍તાના ત્રિભેટે ચૌદ મીટર ઉંચું ઝૂમકુ સ્‍થાપિત કર્યું છે. બરેલી જાવ ત્‍યારે જોવાનું ચૂકશો નહીં... (સંદર્ભઃ સમીરભાઇ છાયા (વડોદરા)ના સોશિયલ મીડિયામાંથી)

ઝુકમા ગીરા રે.. ગીતનો આઇડિયા   તેજી બચ્ચને આપ્યો..!
બરેલીમાં પ્રેમ થયા બાદ સગાઈ થયા પછી તેજી સૂરી લાહોર ગયા અને હરિવંશરાય બચ્ચન ઇલાહાબાદ જઈને લગ્નની તૈયારી કરવા લાગ્યા. ઍવા સમયે ઍક વખત તેજી સૂરી અને પ્રખ્યાત લેખક રાજા મહેંદી સાહેબ ઍક કાર્યક્રમમાં મળ્યા ત્યારે રાજાઍ તેજી સૂરીને પ્રશ્ન પૂછયો કે આ તમે અને હરિવંશરાય બચ્ચન ક્યારે લગ્ન કરશો.? તેજીજીઍ ખુબજ સુંદર રીતે જવાબ આપ્યો. તેણીઍ કહ્નાં, મારું ઝુમકું તો બરેલીના બજારમાં પડી ગયું આ વાક્યના અનેક અર્થ થઈ શકે છે, જેમ કે દિલ હારી જવું કે બંનેનો સગાઈ થઇ ગઇ હોય અને કદાચ થોડા સમય પછી લગ્ન પણ કરી લે. રાજા મહેંદી અલી ખાનના મગજમાં આ જવાબ ઘણા વર્ષો સુધી ફરતો રહ્ના અને વરસો બાદ જ્યારે ફિલ્મ મેરા સાયા  માટે ગીત લખવાનું આવ્યું ત્યારે રાજા મહેંદી સાહેબને તે કિસ્સો યાદ આવ્યો અને તેજી બચ્ચનના ઝુંમકા વાળા આ વાક્ય પરથી ગીત બનાવ્યું. આ હતું ઝુમકા ગિરા રે.. બરેલી કે બાઝાર મેં.. ઍટલે હકીકતમાં આ ગીતનો આઇડિયા તેજી બચ્ચને આપેલો તેમ ચોક્કસ કહી શકાય.

 

નવા રૂપમાં આવશે બરેલીનું ઝુમકું: ઝુમકા ચૌરાહામાં ફરી લાગશે  ૨૦૦ કિલોગ્રામ વજનનું ઝુમકું..!

બરેલીના પ્રખ્‍યાત ઐતિહાસિક ઝુમકા ચૌરાહાનું નવિનિકરણ અંતિમ તબક્કામાં છે જ્‍યાં ૨૦૦ કિલોગ્રામ વજનનું પ્રતિષ્ઠિત ઝુમકું વધુ ચમકદાર અને આકર્ષક થયેલા સ્‍વરૂપમાં પાછું મૂકવામાં આવશે. બીઆરડીએ (બરેલી વિકાસ પ્રાધિકરણ) તેને નવા રૂપ અને ઉત્તમ પોલિશિંગ સાથે એક મહિનાના અંદાજમાં ફરી સ્‍થાપિત કરશે. આ જગ્‍યાને સેલ્‍ફી પોઇન્‍ટ અને પિકનિક સ્‍પોટ તરીકે આધુનિક રીતે વિકસાવવામાં આવી રહી છે. હાલ જુના ઝુમકાને ઉતારી પોલિશિગ અને મરામત કરવામાં આવી રહી છે. જે લગભગ એક મહિનામાં તેને પુનઃસ્‍થાપિત કરી દેવામાં આવશે. જ્‍યાં સેલ્‍ફી પોઇન્‍ટ, બેસવાની જગ્‍યા અને આધુનિક લેન્‍ડસ્‍કેપિગ સાથે તેને સુંદર બનાવવામાં આવી રહ્યું છે. ઝુમકા ચૌરાહા પાસે જ નંદી ભગવાનની ૨૦ ફૂટ ઊંચી પ્રતિમા પણ સ્‍થાપિત કરવામાં આવી રહી છે. ૧૪ ફૂટ ઊંચા ખંભા પર આવેલું આ ઝુમકું બરેલીની ઓળખ બની ગયું છે. આ પુનર્વિકાસ કાર્ય શહેરને એક આધુનિક અને મુખ્‍ય પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા માટે હાથ ધરવામાં આવ્‍યું છે.

પ્રશાંત બક્ષી 

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

[email protected]

(2:43 PM IST)