તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
રાજકોટના એડીશનલ પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળતા ચૈતન્ય મંડલિક
શહેરની કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયમનને સુદ્રઢ બનાવવાની નેમ

રાજકોટઃ તાજેતરમાં રાજયભરના ૩૭ આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમો ગૃહવિભાગ તરફથી કરવામાં આવ્યા હતા. આ હુકમોમાં રાજકોટના એડીશનલ પોલીસ કમિશનરપદે ૨૦૧૧ની બેંચના આઇપીએસ શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલિકની નિમણુંક કરવામાં આવી હતી. શ્રી મંડલિક મહારાષ્ટ્ર રાજયમાંથી છે. તેઓ બી.ટેક (સીવીલનો અભ્યાસ) કર્યા બાદ પોલીસ વિભાગમાં પસંદગી પામ્યા હતા. આજે શ્રી મંડલિકે રાજકોટ શહેરના એડીશનલ પોલીસ કમિશનર(ક્રાઇમ, ટ્રાફિક અને નિયમન)નો ચાર્જ સંભાળી લીધો હતો. બપોરે તેઓ સર્કીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. એડીશનલ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા પાસેથી તેઓએ પોતાનો ચાર્જ બપોરબાદ સંભાળ્યો હતો. અકિલા સાથેની વાતચીતમાં તેઓએ શાંત અને રંગીલા શહેરની રાજકોટની ઓળખ પ્રસ્થાપિત રાખવા કડકરાહે કામગીરીની નેમ વ્યકત કરી હતી. સાથોસાથ શહેરમાં ટ્રાફિક નિયમન સુદ્રઢ બને તે માટે તબક્કાવાર પગલા લેવા ઉપર પણ ભાર વ્યકત કર્યો હતો. તસ્વીરમાં નવનિયુકત અધિકારીશ્રીને આવકારતા પૂર્વ એડીશનલ કમિશનર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
(3:01 PM IST)










