News of Tuesday, 10th March 2026
વિરાણી ચોકનું મકાન મને દઇ દે નહિતર તને અને નાના ભાઇને મારી નાંખીશઃ વૃધ્ધાને દિકરાની ધમકી!
સરિતા વિહાર પાસે શ્રી હાઉસીંગ સોસાયટીમાં રહેતાં ૬૦ વર્ષના હંસાબેન ડાભીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેમના મોટા પુત્ર રાહુલ ડાભી સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૦: મકાનના ભાગ બાબતે એક વૃધ્ધા સાથે તેના સગા મોટા દિકરાએ માથાકુટ કરી ફોનમાં ગાળો ભાંડી ધમકી આપતાં ચકચાર જાગી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૂડા નજીક સરિતા વિહાર પાસે શ્રી હાઉસીંગ સોસાયટી એચ-૯૦૨માં રહેતાં હંસાબેન મહેન્દ્રભાઇ ડાભી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધાની ફરિયાદ પરથી તેના પુત્ર રાહુલ મહેન્દ્રભાઇ ડાભી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
હંસાબેન ડાભીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા નાના દિકરા આશિષ અને તેની પત્નિ નંદીની સાથે રહુ છું. મોટો દિકરો રાહુલ તેના પત્નિ, પરિવાર સાથે અલગ રહે છે. રાતે સવા દસેક વાગ્યે હું નાના દિકરા આશિષના ઘરે શ્રી હાઉસીંગ સોસાયટીમાં રહતી ત્યારે મોટા દિકરા રાહુલે ફોન કરી કહેલું કે-તું તારું વિરાણી ચોકવાળુ મકાન મને આપી દે. આમ કહી તેણે મારી સાથે ફોનમાં ઝઘડો કર્યો હતો અને ગાળો ભાંડવા માંડયો હતો.
જેથી મેં મારા દિકરા રાહુલને કહેલું કે-મકાન મારા નામનું છે અને તે મકાન તને નહિ મળે. આ સાંભળી તેણે ફરીથી તું વિરાણી ચોકવાળુ મકાન મને આપી દેજે નહિતર તને અને તારા દિકરા આશિષને છરીના ઘા મારી દઇશ અને પતાવી દઇશ તેમ કહી ધમકી દીધી હતી. આથી હું અને મારો દિકરો આશિષ ગભરાઇ જતાં પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. તેમ વધુમાં હંસાબેને જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:08 PM IST)










