<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ગતિશીલ રાજકોટઃ મેયર નયનાબેન પેઢડિયાના અઢી વર્ષના કાર્યકાળમાં અવિરત વિકાસની મશાલ

સ્‍માર્ટ સિટી, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, આરોગ્‍ય અને પર્યાવરણ ક્ષેત્રે કરોડોના પ્રોજેક્‍ટ્‍સથી રાજકોટ બન્‍યું ગુજરાતનું ‘ગ્રોથ એન્‍જિન'

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ તેમના અઢી વર્ષના સફળ કાર્યકાળની વિકાસયાત્રાનો વિસ્‍તૃત અહેવાલ રજૂ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭' ના સંકલ્‍પ અને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ, રાજકોટ આજે વ્‍યાપાર, ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરીને સમગ્ર ગુજરાતનું 'ગ્રોથ એન્‍જિન' બની ચૂક્‍યું છે.

શહેરીકરણના વ્‍યાપ સાથે રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોની પાયાની સુવિધાઓ માટે અનેક સીમાચિホો સ્‍થાપિત કર્યા છે. પર્યાવરણ અને સ્‍વચ્‍છતા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરતા કોઠારીયા વિસ્‍તારમાં રિફયુઝ ટ્રાન્‍સફર સ્‍ટેશન અને ૫-ટી.ડી.પી. ક્ષમતાનો વેસ્‍ટ ટુ કમ્‍પોસ્‍ટ પ્‍લાન્‍ટ કાર્યરત કરાયો છે. આ ઉપરાંત સોલિડ વેસ્‍ટ શાખા માટે રૂ. ૭ કરોડથી વધુના ખર્ચે ૧૦ બેકેહો લોડર (જે.સી.બી.) અને ૧૦ ટીપર ટ્રક તેમજ ડ્રેનેજ માટે ૭ જેટીંગ મશીન ફાળવવામાં આવ્‍યા છે.

ફાયર અને ઇમરજન્‍સી સેવાઓને અદ્યતન બનાવવા રૂ. ૮૯.૧૧ લાખનું ફોમ ટેન્‍ડર, રૂ. ૩.૫૪ કરોડના ૪ વાહનો, ૪ મીની ફાયર ફાઈટર અને રૂ. ૪.૯૮ કરોડના ૫ વોટર બાઉઝર વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું છે.

શહેરની રોનક વધારવા કાલાવડ રોડ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટથી ન્‍યુ ૧૫૦ ફૂટ રિંગ રોડ, સેટેલાઇટ ચોક, પેડક રોડ, કણકોટ રોડ અને પુનિતનગર રોડ જેવા મુખ્‍ય માર્ગો પર સેન્‍ટ્રલ એલ.ઈ.ડી. લાઈટિંગ નાખવામાં આવી છે. શિક્ષણ અને રમતગમતને પ્રોત્‍સાહન આપવા માટે વોર્ડ નં. ૪, ૧૦, ૧૧, ૧૩ અને ૧૮ માં 'વિદ્યાર્થી વાંચનાલય', રેસકોર્સ ખાતે રૂ. ૩.૭૪ કરોડના ખર્ચે ફૂટબોલ અને હોકી ગ્રાઉન્‍ડ વચ્‍ચે વ્‍યુઇંગ ગેલેરી, અને અત્‍યાધુનિક ‘ઇન્‍ડોર ગેમ્‍સ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ' ની ભેટ શહેરીજનોને મળી છે. મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા 'મહિલા હોકર્સ ઝોન' અને નાગરિકોની સુવિધા માટે ૧૫૫૩૦૪ શોર્ટ કોડ સાથેના આધુનિક કોલ સેન્‍ટરની પણ શરૂઆત કરવામાં આવી છે.

મેયરે જણાવ્‍યું કે આ વિકાસયાત્રા માત્ર આંકડાઓની નથી પરંતુ પ્રત્‍યેક નાગરિકના જીવનધોરણને ઊંચું લાવવાનો પ્રયાસ છે. આ ભગીરથ કાર્યમાં સતત માર્ગદર્શન અને સહકાર આપવા બદલ તેઓએ રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર, પદાધિકારીઓ, મ્‍યુનિસિપલ કમિશનર, અધિકારીઓ, પ્રેસ-મીડિયા અને રંગીલા રાજકોટની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

શહેરનો વિસ્‍તાર અને પર્યટન ક્ષેત્રે હરણફાળ

* ૧૬૧.૮૬ ચો.કિ.મી.માં વિસ્‍તરેલા શહેરની વસ્‍તી ૨૦ લાખને પાર પહોંચી, વર્ષ ૨૦૨૬-૨૭ નું બજેટ રૂ.૩૬૦૪.૯૦ કરોડ થયું.

* ૪૭ એકરમાં ૬૦ હજાર વૃક્ષો સાથે ‘રામ વન', ૧૩૭ એકરમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ અને લાયન સફારી પાર્કની કામગીરી અંતિમ ચરણમાં.

* સ્‍માર્ટ સિટી મિશન અંતર્ગત રૂ. ૧૩૬ કરોડના ખર્ચે ટી.પી. સ્‍કીમ નં. ૩૨ (રૈયા) માં 'અટલ સરોવર' અને 'એમ્‍યુઝમેન્‍ટ પાર્ક' બન્‍યું સૌરાષ્ટ્રવાસીઓનું નજરાણું.

* છેવાડાના વિસ્‍તારોના વિકાસ માટે રૂ. ૨૭.૫૮ કરોડના ખર્ચે નવી 'સાઉથ ઝોન' કચેરીનું નિર્માણ અને નવી સેન્‍ટ્રલ ઝોન ઓફિસને મંજૂરી.

સુખાકારી, પર્યાવરણ અને આંતરમાળખાકીય વિકાસ

* પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રેલનગર અને અન્‍ય વિસ્‍તારોમાં ૧.૫ બી.એચ.કે., અને ઈ.ડબલ્‍યુ.એસ. કેટેગરીના કુલ ૩૩૧૪ પરિવારોને ડ્રો સિસ્‍ટમથી ઘરનું ઘર ફાળવાયું.

* પ્રદૂષણ ઘટાડવા શહેરમાં ૧૩૮ ઇલેક્‍ટ્રિક અને ૧૦૦ સી.એન.જી. બસો કાર્યરત, ગોંડલ ચોકડી ખાતે ૧૮૦ કિલો વોટના ૫ ઇલેક્‍ટ્રિક ચાર્જર સ્‍ટેશન શરૂ.

* વોર્ડ નં. ૧૧ માં રૂ. ૪૨ કરોડના ખર્ચે ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ફિલ્‍ટર પ્‍લાન્‍ટ અને આજી-૧ ડેમ ખાતે ૭૫ એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટનું ખાતમુહૂર્ત.

* ૪૩ નવા હેલ્‍થ-વેલનેસ સેન્‍ટર, વિવિધ વોર્ડમાં ૬ અદ્યતન શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને ૪ કેન્‍દ્રો પર કિડનીના દર્દીઓ માટે મફત ડાયાલિસિસની સુવિધા.

(2:59 PM IST)